નરેનદ્ર મોદી ’22’@ ગુજરાત: છેવાડાનાં માણસ સુધી પહોંચે એવી રીતની ગુજરાતની ફિલોસોફી ડેવલપ કરી દીધી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Gujarat News: માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૭/૧૦/૨૦૦૧ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સુકાન સંભાળ્યું હતું..આજે તા.૭/૧૦/૨૩ ના રોજ ૨૨ વર્ષ પુરા થઈ રહ્યા છે.તેમને ગુજરાતમાં કરેલી કામગીરી વિશે જો વાત કરીએ તો ઘણી પ્રશંસનીય કામગીરી છે. છેવાડાનાં માણસ સુધી પહોંચે એવી રીતની ગુજરાતની ફિલોસોફી ડેવલપ કરી છે.

ગુજરાત ચાર અક્ષરનો આ શબ્દ આજે વિકાસનાં નકશામાં કંઈક અલગ ભાત પાડી રહ્યો છે. ગુજરાતની શ્રેષ્ઠતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનો વિકાસ આ ત્રિવેણી ગુજરાતની ગરિમાની આગવી પહેચાન છે. આપત્તિઓને અવસરમાં પલટાવી નાંખવાની ક્ષમતા ધરાવતું ગુજરાત છેલ્લા દશકાથી દુનિયાને સામર્થ્ય અને પુરૂષાર્થની અનુભૂતિ કરાવીને પોતાનાં અનોખા મિજાજનો પરિચય કરાવતું રહ્યું છે.

ભારતવર્ષનાં વિકાસને હૃદયમાં રાખીને ૨૧મી સદીને અનુરૂપ આધુનિકત્તમ વિકાસનાં સીમાચિન્હો પ્રસ્થાપિત કરવા થનગનતા ગુજરાતે પુરુષાર્થપૂર્ણ, પરિણામલક્ષી રાજનીતિ અને વંચિતો અને ગરીબોના હિતને પ્રાથમિકતા આપી છે. મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં દ્રષ્ટીવંત અને સાતત્યપૂર્ણ નેતૃત્ત્વ હેઠળ ગુજરાતે અદ્ભુત પ્રગતિ કરી છે. કૃષિક્ષેત્રનાં ચમત્કારનાં ચમકારા હોય કે શિક્ષણનાં પ્રકાશની વાત હોય, ઉદ્યોગનો ધમધમાટ હોય કે રોજગારીની વાત હોય, ગ્રામ વિકાસ હોય કે શહેરી વિકાસ ગુજરાતે છેલ્લા દાયકામાં આર્થિક સમૃદ્ધિની સાથે સાથે સુખ-શાંતિ, સુશાસન, કલા અને સંસ્કૃતિ, આરોગ્યપ્રદ જીવન અને વહીવટી શિસ્તના માધ્યમથી માનવ વિકાસ સુચકાંકને હાંસલ કરી સામાન્ય પ્રજાજન માટે ગુણવત્તાસભર જીવન પ્રાપ્ત કરવાની દિશામાં મક્કમતાપૂર્વક ગુજરાત આગળ વધી રહ્યું છે.

સામાન્ય રીતે કોઇપણ દેશ કે પ્રદેશના વિકાસ ત્રણ મુખ્ય પરિબળો પર આધારિત હોય છે. દ્રઢ રાજકીય ઇચ્છાશકિત, સાતત્યપૂર્ણ નેતૃત્વ અને જનશકિતના સાક્ષાત્કારથી જ આ શકય બને છે. ગુજરાતે આ ત્રણેય આયામોને આત્મસાત કરીને વિકાસની નવી ઊંચાઇઓ આંબી છે. ગુજરાતનો વિકાસદર દસ ટકા ઉપરાંતનો રહ્યો છે. આ બાબત એક ગુજરાતી તરીકે સૌ કોઇ માટે ગૌરવપૂર્ણ છે. વિકાસ માટેનું એક જબરદસ્ત પ્લેટફોર્મ ઉભું થયું છે. કોઇપણ યોજના કે વિકાસનું શિખર સિદ્ધ કરવા ‘મિશન રિયલાઇઝેશન’ માટે સુવ્યવસ્થિત આયોજન, પરિણામલક્ષી રણનીતિ અને લાંબાગાળાના નક્કર પગલાં લેવાયા છે. આમા લોક સહયોગ તથા સહમતીની સાથે સાથે જનકેન્દ્રીત વિકાસલક્ષી અભિગમ અને યોજનાઓનું પદ્ધતિસરનું મોનિટરિંગનો સુભગ સમન્વય ભળતા અસરકારક પરિણામો જોવા મળી રહ્યા છે. આજે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રમાં ગુજરાતનો વિકાસદર સમગ્ર દેશમાં ઉડીને આંખે વળગે એવો રહ્યો છે.

સરકાર અને જનતા વચ્ચેનું અંતર દુર કરવા માટે રચનાત્મક પગલાં ભરાયા છે. વિકાસલક્ષી યોગ્ય વાતાવરણ, નીતિ, કાયદા અને પાયાની સવલતોની સાથે ત્રણ ક્ષેત્રમાં ગુજરાતે લક્ષ કેન્દ્રીત કર્યુ છે અને સફળતા હાંસલ કરી છે. ઉદ્યોગ, કૃષિ અને સેવા. પંચશકિત આધારિત પંચામૃત વિચારધારા જેમાં જન શકિત, જળ શકિત, ઉર્જા શકિત, રક્ષા શકિત અને જ્ઞાન શકિતનો સમુચિત ઉપયોગ કરી છેલ્લા દશકમાં વિકાસના નવા આયામો પ્રસ્થાપિત થયાં છે. પંચાયતી રાજ પછી માત્ર ગુજરાત જ એવું રાજય છે જેણે ‘એટીવીટી’નો નવતર વિચાર અમલમાં મુકી વહિવટી તંત્રનું વિકેન્દ્રીકરણ કરી લોકોની સુખાકારીમાં વધારો કર્યો છે. રાજયના એકેએક તાલુકામાં વિકાસની તંદુરસ્ત હરિફાઇ ઉભી થઇ છે. પ્રજા પોતે વિકાસની પ્રક્રિયામાં આયોજનથી માંડીને અમલીકરણ સુધીના તબક્કામાં સહભાગી બને તો સરકારના કાર્યક્રમોનો વ્યાપ, ગુણવત્તા અને ઝડપ ત્રણેય બાબતમાં સારા પરિણામો મળી શકે. જેના કારણે અત્યારે ગુજરાત વિકાસનું પર્યાય બન્યું છે… એનું પરિણામ એ આવ્યું કે, વિકાસની ગતિ બમણી થઇ ગઇ છે.

દેશ-વિદેશની સંસ્થાઓ ગુજરાતના વિકાસ મોડેલનો અભ્યાસ કરવા આવી રહી છે. જનતાના વિકાસ માટે વિવિધ યોજનાઓના અમલીકરણના હેતુથી નાણાંની ફાળવણી મહત્ત્વની છે, પરંતુ એનાથી વધુ મહત્ત્વનું છે એ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને સૌથી વધુ મહત્ત્વની વાત તો એ છે કે, એ નાણાં જરૂરતમંદ લાભાર્થીઓના હાથ સુધી પહોંચે અને એમનો વિકાસ થાય અને એ મુખ્યધારામાં જોડાય. યોજનાઓ સાચા અર્થમાં જનતા પાસે પહોંચે તે રીતે ગુજરાતે તેને પરિવર્તિત કરી છે. યોજનાઓનું સુયોગ્ય સંકલન કર્યુ છે. પરિણામે જનતાને તેનો લાભ મળ્યો છે. યોજના માટે ફાળવાયેલા નાણાં કોઇ સરકારના નથી. નાણાં તો જનતાના છે અને તે નાણાંમાંથી વિવિધ યોજનાઓનો લાભ જનતા સુધી પહોંચે તેવા નક્કર આયોજનના પરિણામે જનતાના મુખ પર આનંદ દેખાય છે.

આમ પણ કેન્દ્ર બધા રાજયોને યોજનાકીય સહાય તો આપે જ છે. એવા કેટલા રાજય છે કે, જે ગરીબોને હાથો હાથ તેમની પાસે જઇને સહાય આપતા હોય. ગુજરાતે ગરીબ કલ્યાણ મેળા યોજી વંચિતો અને ગરીબોને યોજનાના લાભ હાથોહાથ આપ્યા છે. ગુજરાતની ઘણી એવી યોજના છે જેનો અભ્યાસ કરીને બીજા રાજયો તેનો અમલ કરે છે. ગુજરાતની કેટલીક યોજનાઓ જેવી કે, ચિરંજીવી યોજના, મમતાકાર્ડ યોજના, જયોતિગ્રામ યોજના, સ્વાગત ઓનલાઇન, ઇ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના વગેરેએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રજા કલ્યાણના ક્ષેત્રમાં નામના પ્રાપ્ત કરી છે અને આ યોજનાઓનો અભ્યાસ કરી તેનો અમલ કરવા અન્ય રાજયના વહીવટકર્તા ગુજરાત આવે છે.

ગામડા સમૃદ્ધ બને તો સમગ્ર પ્રદેશ સમૃદ્ધ બને અને પ્રદેશ સમૃદ્ધ બને તો દેશ સમૃદ્ધ બને. મહાત્મા ગાંધીજીના આ વિચારબિજને કેન્દ્રમાં રાખી ગુજરાતે ગામડાઓનાં વિકાસની નવી પરિભાષા અંકિત કરી છે. ગુજરાતે ગ્રામવિકાસ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાતના ગામડાઓમાં શહેર જેવી સુવિધા ઉપલબ્ધ થાય અને ગ્રામજનોનો સમગ્રતયા વિકાસ થાય એને હંમેશા રાજ્ય સરકારે અગ્રતા આપી છે. ગ્રામ્ય વિસ્તારમાં ૨૪ કલાક સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુકત વીજળી પૂરી પડાઇ છે. પરિણામે ગામમાં વસતા યુવાનો માટે રોજગારી અને સ્વરોજગારીની તકો વિસ્તરી છે.

ગુજરાતના તમામ ગામોમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણની વિવિધ સવલતોનો લાભ ગ્રામજનો લઇ રહ્યાં છે. મહિલા, બાળકો અને વૃદ્ધોને ગુણવત્તાયુકત ઝડપી તબીબી સવલત ઉપલબ્ધ થઇ રહી છે. પરિણામે સ્વાભાવિક રીતે જ ગામડાઓમાંથી શહેર તરફનું સ્થળાંતર છેલ્લા દશકમાં ઘટ્યું છે. છેલ્લા દશકનાં ગુજરાતનાં વિકાસ મોડલે ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ગુજરાતનું મોડલ માત્ર અન્ય રાજયો માટે જ નહિ પણ દુનિયાનાં અન્ય વિકાસશીલ દેશો માટે પણ ઉદાહરણીય બની રહ્યું છે.

નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લીડરશીપમાં ગુજરાતે સાધેલા વિકાસની સમીક્ષા કરવી હોય તો ગુજરાત પહેલાં કયાં હતું અને તેની સરખામણીએ આજે ગુજરાતની શું પરિસ્થિતિ છે તેનો તુલનાત્મક અભ્યાસ કરીએ ત્યારે અહેસાસ થાય છે કે, ગુજરાતમાં સમગ્રતયા વિકાસ ઉડીને આંખે વળગે તેવો અદ્ભુત થયો છે. ૨૦૦૧માં ગુજરાતમાં સતત દુકાળ, વાવાઝોડા અને ભયાનક ભૂકંપ સહિતની સંખ્યાબંધ આપત્તિથી રાજય ગ્રસ્ત હતું. પાણીની તંગી, અપૂરતી વીજળી, કૃષિ અને ઉદ્યોગો ક્ષેત્રે ઓછી ઉત્પાદકતા તથા બેરોજગારી જેવી સમસ્યાઓએ રાજયનાં લોકોનું જીવવું મુશ્કેલ બનાવી દીધું હતું. રાજયનું અર્થતંત્ર લથડિયા ખાઈ રહ્યું હતું. જાહેર ક્ષેત્રની કંપનીઓ નબળી પડી રહી હતી. આનાથી ન માત્ર રાજયનાં અર્થતંત્ર ઉપર ખરાબ અસર પડી હતી, પણ રાજયનાં લોકોનો ઉત્સાહ પણ તુટી રહ્યો હતો.

આ નિરાશાજનક પરિસ્થિતિમાંથી બહાર આવવા એક સમગ્ર વિકાસલક્ષી અભિગમની જરૂર હતી. ગુજરાતે પંચામૃતની ફિલોસોફી સાથે સર્વસમાવેશક વિકાસની શરૂઆત કરી અને ઊર્જા, સુરક્ષા, જળસંચય, કન્યા કેળવણી અને માનવસંપદાનાં વિકાસ જેવી બાબતો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ અભિગમ સાથે દ્રઢ રાજકીય ઈચ્છાશકિત ભળી અને એક દશકનાં સમયમાં તો ગુજરાતની કાયાપલટ થઈ ગઇ. ગુજરાતે છેલ્લા એક દશકમાં ગતિશીલ વિકાસ અને સમૃધ્ધિનાં સર્જનનો એક નવો યુગ શરૂ કર્યો છે. રાજયે ન તો માત્ર બે આંકડાનો વિકાસદર સાધ્યો પણ કૃષિ, ઉદ્યોગો અને સેવાક્ષેત્રમાં પણ આ વિકાસદર જાળવી બતાવ્યો.

હવામાન વિભાગની મોટી આગાહી, આખરે આજથી સત્તાવાર રીતે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, જાણો હવે કેવા તડકા પડશે!

Gold Price: સોનું અને ચાંદી સસ્તા થયા, 1600 રૂપિયા ભાવ ઘટ્યા, શું દિવાળી સુધી ઘટાડો ચાલુ જ રહેશે?

BREAKING: PM અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બોમ્બ હુમલાની ધમકી, 500 કરોડની માંગ, ગુજરાત પોલીસ એક એક સેકન્ડે સતર્ક

આર્થિક રીતે રાજય આજે દેશનાં ગ્રોથ એંજિન તરીકે પ્રસ્થાપિત થઈ ચૂકયું છે. ઉદ્યોગ ક્ષેત્ર ૧૩% નાં દરે અને કૃષિ ક્ષેત્ર ૧૦.૭%નાં દરે વિકસી રહ્યું છે. માથાદીઠ આવક ૧૩.૮% નાં દરે વધવા પામી છે. દેશની નિકાસમાં ગુજરાતનો હિસ્સો ૨૨% છે, જયારે માર્કેટ કેપિટલાઈઝેશનમાં રાજયનો હિસ્સો ૩૦% છે. રાજયના પ્રત્યેક નાગરિકનાં ચહેરા પર ખુશહાલી લાવવાના સ્પષ્ટ અભિગમ સાથે સર્વસમાવેશક, સર્વગ્રાહી આયોજન દ્વારા વિકાસનાં ફળ છેવાડાનાં માણસ સુધી પહોંચે એ ગુજરાતની ફિલોસોફી રહી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly