Gujarat News : અમદાવાદ શહેરના બે વિસ્તારોમાંથી એક કરોડથી વધુનું એમડી ડ્રગ્સ (MD Drugs) મળી આવ્યું છે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ (Ahmedabad Crime Branch) દ્વારા કુલ આઠ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી ત્રણથી ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હોય તેવી માહિતી પણ મળી રહી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદ ક્રાઇમ બ્રાંચને એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા બુધવારે રાતે એક ઓપરેશન ચલાવીને શહેરના નારોલ અને એસજી હાઇવે પરથી એક કરોડ અને વીસ લાખનું એમડી ડ્રગ્સ કબ્જે કરી લેવામાં આવ્યુ છે. આ કેસમાં કુલ આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાંથી ત્રણથી ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યુ હતુ અને તેને કોના સુધી પહોંચાડવાનું હતુ તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવશે. ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછમાં આ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો ઝડપાયેલા છે, તે પણ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વિવિધ ટીમો બનાવીને વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા પાસેથી ઝડપાયું હતુ ડ્રગ્સ
અમદાવાદમાં થોડા સમય પહેલા પણ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ હતુ. શહેરના સારંગપુર વિસ્તારમાં આવેલા ઘંટાકર્ણ માર્કેટ પાસેથી એક મહિલાને 10.39 લાખના એમડી ડ્રગ્સ સાથે પકડવામાં આવી હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, વેજલપુર વિસ્તારમાં આવેલા યશ કોમ્પલેક્ષમાં રહેતી સમીમબાનુ ઉર્ફે સમ્મો તનવીર શેખ મુંબઇથી એમડી ડ્રગ્સનો જથ્થો લઇને કાલુપુર રેલવે સ્ટેશન પર આવી છે, અને ત્યારે તે પોતાના ઘરે જશે.
બાતમીના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી દીધી હતી અને સમીમબાનુની અટકાયત કરીને તેની અંગ ઝડતી લીધી હતી. સમીમબાનુ પાસેથી એક સફેદ પાઉડર મળી આવ્યો હતો. જેને લઇને એસઓજીની ટીમે એફએસએલની મદદ લીધી હતી. એફએસએલે એમડી ડ્રગ્સ હોવાનો રીપોર્ટ આપતા એસઓજીએ સમીમબાનુની ધરપકડ કરી લીધી હતી.