અમદાવાદની કારંજ પોલીસે સાબિત કરી દીધું કે પોલીસમાં પણ કેટલી માનવતા રહેલી છે. એક યુવક ભદ્ર પાસે લોકો પાસેથી પૈસા માંગી મદદ મેળવતો. ત્યાં કારંજ પોલીસ ફરતી ફરતી પહોંચી અને આ યુવકને જોઇ જતા તેની સાથે વાતચીત કરી. ત્યારે યુવકે કહ્યું કે, તેને એક બિમારી છે અને તેની સારવાર માટે ગયો ત્યારે તેના પૈસા ચોરી થઇ ગયા હતા. બાદમાં માત્ર 400 રૂ. બચ્યા હોવાથી તે ટ્રેન મારફતે અમદાવાદ આવ્યો. અહીં આવી તે લોકો પાસે પૈસાની મદદ માગે છે. પોલીસે આ વાત જાણતા જ કર્મીઓનું હ્યદય પીગળી ગયું.
આ બધું જ જાણીને પોલીસ કર્મીઓએ ઉચ્ચ અધિકારીઓને વાત કરતા તેઓએ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક સાથે વાત કરી તેને પરત મોકલવા વ્યવસ્થા કરી માનવલક્ષી કામગીરી કરી ખાખીએ માનવતા બતાવી છે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને સેક્ટર 1 જેસીપી નિરજ બડગુજર દ્વારા હાલમાં એક પહેલ ચલાવવામાં આવી રહી છે. રોડ રસ્તા પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને યોગ્ય દિશામાં લઇ જવાના અને બાળ મજૂરી અટકાવી તેમને શિક્ષણ તરફ વાળવા. ત્યારે અમદાવાદની કારંજ પોલીસે આવી જ એક ખાખીની ખાનદાની બતાવતી કામગીરી કરી છે.
વિગતો મળી રહી છે એ પ્રમાણે વાત કરીએ તો કારંજ પોલીસ ફૂટ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભદ્ર પ્લાઝા ખાતે એક યુવક લોકો પાસે પૈસા માંગતો હતો. જેથી પોલીસ તેની પાસે ગઇ અને તેની પૂછપરછ કરતા તેણે કહ્યું કે, 5 માર્ચના રોજ મધ્યપ્રદેશ ભોપાલની એઇમ્સ હોસ્પિટલમાં તે સારવાર માટે ગયો’તો. સારવાર અર્થે તેની પાસે રહેલી રોકડ રકમ કોઇ ચોરી કરી જતા તેની પાસે માત્ર 400 રૂ. વધ્યા હતા. જે પૈસાથી તે ભોપાલથી ટ્રેનમાં બેસી અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન 8 માર્ચના રોજ આવી ગયો હતો. જ્યાં કાલુપુરથી ફરતા ફરતા તે લાલદરવાજા ભદ્ર બજાર આવી ગયો હતો. પોતાના વતન ઓડિશા પરત જવા માટે લોકો પાસે પૈસા માંગી તે રૂપિયાની સહાય મેળવવા પ્રયત્ન કરતો હતો. પોલીસે આ ઇસ્માઇલખાન નામના યુવકની પૂછપરછ કરીને ખરાઇ કરી હતી. તેણે તેનું વતન ઓડિશા રાજ્યનું કટક જીલ્લાનું ચેલા ગામ હોવાનું જણાવી પત્નીનો નંબર પણ પોલીસને આપ્યો હતો.
ડરામણા દિવસો પાછા આવી ગયા! 1 દિવસના કોરોના કેસ સાંભળીને ખળભળાટ મચી ગયો, 114 દિવસનો રેકોર્ડ તૂટી ગયો
આ રીતે ધીરે ધીરે માહિતી લઈ પોલીસે તેની પત્ની સાથે વાત કરતા તેણે ઇસ્માઇલખાનને બ્રેઇન ટ્યુમરની બિમારી હોવાની વાત પણ બહાર આવી હતી. તેની સારવાર માટે તે ભોપાલ ગયા હતા. જેથી પોલીસે આ યુવકને પોતાના વતનમાં મોકલવા મનમાં ગાંઠ બાંધી લીધી હતી. કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇ પી ટી ચૌધરીએ ઝોન 2ના ઇન્ચાર્જ ડીસીપી સફિન હસનને આ બાબતે વાત પણ કરી હતી. બાદમાં યુવકને મોકલવા તપાસ કરતા તાત્કાલિક કોઇ ટ્રેન ન હોવાથી પાલડીમાં એક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કરી આ બાબતથી તેમને માહિતગાર કર્યા હતા. તેમણે પણ પોલીસની સાથે મળી મદદ કરવા તત્પરતા બતાવી હતી. બાદમાં યુવકને ફ્લાઇટની ટિકિટ કરાવી આપી 12 માર્ચે ઓડિશાની ફ્લાઇટમાં બેસાડી પોતાના વતન મોકલી મદદ કરી હતી. હવે અમદાવાદની ખાખીની ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે.