ચોમાસાના આગમનની સાથે જ દેશભરના રાજ્યોમાં મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ અવિરત વરસાદ વરસી રહ્યો છે. જોકે ગુજરાતના કેટલાક જીલ્લાઓમાં તો ભારે વરસાદને કારણે જાનહાનિ પણ થઈ છે. હવામાન વિભાગે આ અંગે એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ઉત્તરાખંડ માટે ઓરેન્જ એલર્ટ અને મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આગામી ત્રણ-ચાર દિવસ સુધી વરસાદની શક્યતા છે. જ્યારે 5 જુલાઈએ દિલ્હીમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે મહારાષ્ટ્રના કોંકડમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. કોંકડ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંના ઘણા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શનિવારે પણ ગુજરાતના જૂનાગઢ, માણાનદર અને માંગરોળમાં વરસાદથી મોટું નુક્સાન થયુ છે. હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
બીજી તરફ ગુજરાતમાં વરસાદ હવે જીવલેણ પણ સાબિત થઈ રહ્યો છે. છેલ્લા 48 કલાકથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે 9 જેટલા લોકોના મોત થયા છે. આંકડા મુજબ એકલા જામનગર જિલ્લામાં જ 6 લોકોના મોત થયા છે. ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં જૂનાગઢ, જામનગર, નવસારી, વલસાડ અને સુરતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે રાત્રે ગાંધીનગરમાં SEOC ખાતે અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી અને તેમને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢવા સહિત બચાવ અને રાહત કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવા નિર્દેશ આપ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ, ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ અને કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી હતી. જેમણે તેમને વરસાદની સ્થિતિ વિશે માહિતી આપી હતી.
આ પણ વાંચોઃ
ISIS ભારતમાં રોબોટની મદદથી વિસ્ફોટ કરવા માગતું હતું, 9 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે શનિવારે રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થશે અને રવિવાર સુધીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. જો કે વિભાગે રવિવાર સવાર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે. IMD એ એમ પણ કહ્યું કે બુધવારે સવાર સુધી રાજ્યના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ થશે.