રાજકોટ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી પહેલી જૂન તેમજ બીજી જૂનના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જે માટેની તડામાર તૈયારીઓ પણ આયોજકો દ્વારા કરવામાં આવી રહી છે. જો કે આ દરબારને લઈ વિવાદ શરૂ થઈ ગયો છે અને નેતાઓના નિવેદનોનું ઘોડાપુર આવ્યું છે. પુરુષોત્તમ પીપળીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી-જુદી ચાર જેટલી પોસ્ટ મૂકી છે અને પોતાની રીતે નિવેદન આપી કટાક્ષ કરી છે.
જો કે કેટલાક સમય પહેલા તો મોરારીબાપુએ કહ્યું હતું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો મને બહુ પરિચય નથી. જ્યારે કે 11 મહિના પૂર્વે મોરારીબાપુની કથામાં ધીરેન્દ્ર શાસ્ત્રી બાપુના વખાણ કરતા થાકતા નહોતા. તો વળી રાજકોટમાં આવતાની સાથે જ વિવાદો થવા લાગ્યા છે. રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાની પોસ્ટ હાલમાં ભારે વાયરલ થઈ રહી છે.
પુરુષોત્તમ પીપળીયાએ વિવાદને જન્મ આપતા લખ્યું છે કે તાંત્રિક બાગેશ્વર બાબા જણાવે કે, રાજકોટમાં ડ્રગ્સ ક્યાંથી આવે છે ને કોના ઇશારે આવે છે? પાંચ લાખનું ઇનામ. બીજી પોસ્ટમાં લખ્યું છે કે, તાંત્રિક બાબા વાઘેશ્વરના રાજકોટના દરબારથી ભારત સહિત વિશ્વના દેશો રાજકોટની જનતાની બુદ્ધિમતા માપી લેશે.
ત્રીજી પોસ્ટમાં લખ્યું છે કે, હિન્દુ ધર્મના ઓઠા હેઠળ સનાતન ધર્મને વિવાદાસ્પદ કરવાના કાવતરામાં રાજકીય પક્ષોએ બિન સનાતનની ફોજ કાર્યરત કરી છે. ચોથી પોસ્ટમાં લખ્યું છે કે, બીલીવ ઓર નોટ? રાજકોટના પ્રમુખ શ્રેષ્ઠિઓએ તાંત્રિક બાબા બાગેશ્વરના આયોજકો! ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ દિવ્ય દરબાર સફળ રહે છે કે કેમ?