કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય કે સોશિયલ મીડિયાના મીમ્સ, બધી જ જગ્યાએ ડોલો 650 છવાઈ ગઈ છે. દર્દ અને તાવ માટેની આ દવા વેચાણની બાબતમાં ક્રોસિનને પાછળ છોડી દીધી છે. માર્ચ 2020 થી ડિસેમ્બર 2021 સુધીમાં, કોરોના રોગચાળાના 20 મહિનામાં 567 કરોડ રૂપિયાની 350 કરોડ ડોલો 650 ટેબલેટ વેચાઈ છે.
જો 1.5 સેમી લાંબી ડોલોની આ 350 કરોડ ટેબ્લેટને એકની ટોચ પર મૂકવામાં આવે તો માઉન્ટ એવરેસ્ટ જેવા 6 હજાર પર્વતો ઊભા રહી શકે છે. આ એટલી ઉંચાઈ છે, જેમાં 63 હજાર બુર્જ ખલીફા બની શકે છે. ડોલો 650ની લોકપ્રિયતા એટલી છે કે તેના ફની મીમ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
ડોલો 2021માં રૂ. 307 કરોડના વેચાણ સાથે ભારતની બીજી સૌથી વધુ વેચાતી તાવ અને પીડાનાશક દવા બની હતી. બીજી તરફ, GSKની Kalpol રૂ. 310 કરોડના વેચાણ સાથે યાદીમાં ટોચ પર છે. ક્રોસિન છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. ડોલો 650 બનાવતી કંપની માઇક્રો લેબ્સ લિમિટેડ, બેંગ્લોર છે. બીજી તરફ, કેલ્પોલ અને ક્રોસિનનું ઉત્પાદન યુકે સ્થિત બહુરાષ્ટ્રીય કંપની જીએસકે ફાર્માસ્યુટિકલ્સ દ્વારા કરવામાં આવે છે.