હાર્દિક પટેલે આજે વારાણસીમાં પત્રકારોને જણાવ્યું હતું કે અમે કાશી વિશ્વનાથની ધરતી પર આવ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે નરેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટી માત્ર ધર્મ અને જાતિનું રાજકારણ કરે છે. નરેન્દ્રભાઈએ માત્ર બહાના બનાવવા, દેખાડો કરવા અને લોકોને ગેરમાર્ગે દોરવા સિવાય કંઈ કર્યું નથી અને બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે યુપીમાં ગુંડા રાજને ખતમ કરવા માટે ભાજપ ખૂબ જ જરૂરી છે.
આ વાત પર વાર કરતા હાર્દિક પટેલે કહ્યું કે ભાજપમાં ગુંડાઓ સિવાય બીજું કોણ છે…? ઉન્નાવની અંદર એક બીજેપી ધારાસભ્યએ એક છોકરી પર બળાત્કાર કર્યો અને તેના આખા પરિવારને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો. લખીમપુર ખેરીમાં ગૃહ રાજ્યમંત્રીના પુત્રએ ખેડૂતોને કાર વડે કચડી નાખ્યા. આ બધું ગુંડાઓ જ છે ને? એટલા માટે ભાજપના લોકોએ ગુંડા રાજની વાત ન કરવી જોઈએ. સૌથી મોટા ગુંડાઓ ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં ભાજપ છે.
ગુજરાતના વિકાસ મોડલ પર સવાલો કરતા હાર્દિક પટેલે કહ્યું કે, અમદાવાદ અને સુરત છોડીને ગામડાઓમાં જાવ, પછી ખબર પડશે કે વાસ્તવિકતા શું છે. ઉત્તર પ્રદેશના લોકો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
હાર્દિક પટેલે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સરકારી તંત્રના આદેશ પર પોલીસ વિપક્ષના કાર્યક્રમો રોકવાનું કામ કરે છે. આ ખૂબ જ દુઃખદ બાબત છે. ઉત્તર પ્રદેશમાં સરકારી તંત્ર અને પોલીસ વિપક્ષની સાથે સામાન્ય જનતા પર પણ વર્ચસ્વ જમાવી રહી છે. ગુજરાતની જેમ ઉત્તર પ્રદેશમાં પણ પોલીસને આગળ કરીને વિરોધનો અવાજ દબાવવાનું કામ થઈ રહ્યું છે.