Gujarat News: ગુજરાતીઓ મોજથી ગરબે ઘુમી રહ્યા છે ત્યારે મોજ સાથે સાથે સજા પણ મળી રહી હોય એવું લાગે છે. કારણ કે આ વખતની નવરાત્રીમાં લોકો ડરતાં ડરતાં ગરબે રમતાં જોવા મળ્યાં હતા. કારણ કે આ વખતે આખા ગુજરાતમાં હાર્ટએટેકે કેર મચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં અચાનક વધારો ચિંતાનું કારણ બની રહ્યો છે. ખાસ કરીને યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે.
વિગતો મળી રહી છે કે ગુજરાતમાં નવરાત્રીના છેલ્લા 6 દિવસમાં ગરબે રમી રહેલા 1100થી વધુ લોકોએ ઈમરજન્સી કોલ કર્યાં હતા. છેલ્લા છ દિવસમાં હૃદયને લગતી સમસ્યાઓ માટે 521 ઇમરજન્સી કોલ્સ અને શ્વાસની તકલીફ માટે 609 ઇમરજન્સી કોલ્સ એમ્બ્યુલન્સ સેવાઓને કરવામાં આવ્યા હતા. આ તમામ કોલ સાંજે 6 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે કરવામાં આવ્યા હતા એટલે સીધો જ એનો અર્થ એ થયો કે ગરમા રમતા રમતા આવું થયું છે.
જ્યારે ગરબાનો કાર્યક્રમ થઇ રહ્યો છે ત્યારે જ કોલ કરવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને સરકાર અને ગરબા આયોજકોએ કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકના કારણે 12 લોકોના મોત થયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકના કેસો વધી રહ્યા છે, જેના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ ચિંતાની વાત એ છે કે કિશોરો અને યુવાનો તેનો શિકાર બની રહ્યા છે.