હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે એટલે 29 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે છે. નવી આગાહીથી અનેક લોકોને ચિંતા થઈ રહી છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની વકી વ્યક્ત કરવામાં આવી છે. તો વળી આવતીકાલે એટલે મંગળવારે, 30મી તારીખે પણ ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
જો આવતી કાલની આગાહીની વાત કરવામાં આવે તો બનાસકાંઠા, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થશે. તો 31 મેના રોજ ગુજરાતમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં વરસાદની સંભાવના છે. આ સાથે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે. તો પોરબંદર, પાટણ, મહેસાણાની સાથોસાથ બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા અને આણંદ સહિતના જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાના કારણે ચારેકોર તબાહી, ક્યાંક અંધાર પટ તો ક્યાંક તૈયાર પાક પતી ગયો
હાલમાં રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે જેના કારણે હવામાનમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તથા કચ્છમાં આગામી સતત ત્રણ દિવસ પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે, ગુજરાતના 16 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે ચાર તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.