ગયા વર્ષે ઓક્ટોબરમાં ફેસબુકનું નામકરણ થયું હતું જે બાદ કંપનીને મેટાના નામથી ઓળખવામાં આવે છે. મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, તેઓ ઈચ્છે છે કે, દુનિયા તેમની કંપનીને માત્ર ફેસબુક તરીકે નહીં પરંતુ એક મેટાવર્સના રૂપમાં ઓળખે પરંતુ એવું લાગે છે કે દુનિયાને કંપનીનું નવું નામ પસંદ નથી આવી રહ્યું. નવા નામ બાદ પણ વિવાદો કંપનીનો પીછો નથી છોડી રહ્યા. મેટાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, જાે તેમને અન્ય દેશો સાથે યુરોપિયન યુઝર્સના ડેટા શેર કરવાની પરવાનગી નહીં મળે તો તેમણે પોતાની સેવાઓ બંધ કરવી પડશે.
મેટાએ કહ્યું છે કે યુઝર્સના ડેટા શેર ન થવાને કારણે તેની સેવાઓ પર અસર પડે છે. યુઝર્સ ડેટાના આધાર પર જ કંપની યુઝર્સને જાહેરાત બતાવે છે. મેટાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તે ૨૦૨૨ની નવી શરતોને સ્વીકારશે પરંતુ જાે ડેટા ટ્રાન્સફરની સુવિધા નહીં મળે તો તેમણે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત તેની ઘણી સેવાઓ બંધ કરવી પડશે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી મેટા અમેરિકાના સર્વર પર યુરોપના યુઝર્સનો ડેટા સ્ટોર કરતી હતી, પરંતુ નવી શરતોમાં ડેટા શેરિંગ પર પ્રતિબંધ છે.
મેટાએ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશનને જણાવ્યું હતું કે, જાે વહેલી તકે સર્વિસને લઈને નવું ફ્રેમ વર્ક તૈયાર કરવામાં નહીં આવે, તો તેણે યુરોપના યુઝર્સો માટે તેમની સેવાઓ બંધ કરવી પડશે. યુરોપિયન યુનિયનના કાયદા પ્રમાણે યુઝર્સનો ડેટા યુરોપમાં ન રહેવો જાેઈએ જ્યારે મેટાની માંગ છે કે, યુઝર્સનો ડેટા શેર કરવાની પરવાનગી આપવામાં આવે. ઝુકરબર્ગ ઈચ્છે છે કે, યુરોપના યુઝર્સનો ડેટા પણ અમેરિકન સર્વર પર સ્ટોર કરવામાં આવે.
તમને જણાવી દઈએ કે, અગાઉ પ્રાઈવેસી શિલ્ડકાયદા હેઠળ યુરોપિયન ડેટાને અમેરિકી સર્વર પર ટ્રાન્સફર કરવામાં આવતા હતા પરંતુ આ કાયદાને જુલાઈ ૨૦૨૦માં યુરોપિયન કોર્ટે સમાપ્ત કર્યો હતો. પ્રાઈવેસી શિલ્ડ સિવાય મેટા યુરોપિયન યુઝર્સના ડેટા અમેરિકી સર્વર પર સ્ટોર કરવા માટે ટેન્ડર્ડ કોન્ટ્રાક્ચ્યુઅલ ક્લોઝીસનો પણ ઉપયોગ કરી રહી છે. પરંતુ તેના પર પણ યુરોપ સહિત કેટલાય દેશોમાં તપાસ ચાલી રહી છે.