ગુજરાતના નેતાઓ અને હોદ્દેદારો કોઈને કોઈ વાતને લઈ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં પણ એક મુદ્દાને લઈ સુરતના મેયર હેમાલી બોઘાવાલા ચર્ચાના ચગડોળે ચડ્યા છે. ગુજરાતમાં રખડતા ઢોર બાદ શેરીઓમાં રખડતા શ્વાનના હુમલાના કિસ્સા સામે આવી રહ્યા છે. એમાં પણ ખાસ કરીને બાળકોને શ્વાન વધારે કરડી રહ્યા છે. આંકડો કહે છે કે સુરતમાં છેલ્લા 40 દિવસમાં શ્વાનના હુમલાના 3 બનાવ બન્યા છે. જેમાંથી બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. પરંતુ હવે આ વખતે બનેલી ઘટના બાદ શહેરના મેયર હેમાલી બોઘાવાલાએ એક ચોંકાવનારી વાત કહી છે.
મેયર હેમાલીએ વાત કરી કે શ્વાન આક્રામક બનવા પાછળનું કારણ શ્વાનમાં ડાયાબિટિસનું પ્રમાણ વધવાનું જણાવવામાં આવ્યું છે. સુરત કોર્પોરેશન દ્વારા શ્વાન હુમલાના કિસ્સા બને ત્યારે ખસીકરણની વાત કરવામાં આવે છે પરંતુ સતત વધતી શ્વાનની સંખ્યાના કારણે વાલીઓ પોતાના બાળકોને લઈ ભારે ચિંતીત છે. શ્વાન હુમલાની ઘટના અંગે વાત કરતા મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું છે કે, પશુ ડૉક્ટરોની સાથે બેઠક કરીને શ્વાનના હુમલાની વધતી ઘટના અંગે વાત કરવામાં આવી હતી અને પરિસ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો છે.
હેલામીએ આગળ વાત કરી કે મને ડૉક્ટરોએ જણાવ્યું છે કે કૂતરામાં ડાયાબિટિસનું પ્રમાણ વધ્યું છે, આ સિવાય ઘણાં કારણો જાણવા મળ્યા કે જેના કારણે તે બાળકો પર હુમલા કરે છે. જે ખરેખર દુઃખની ઘટના છે. ઉલ્લેખનીય છે કે શ્વાન પાછળ ખસીકરણ અને રસીકરણ માટે લાખોનો ખર્ચ પણ કરવામાં આવે છે આમ છતાં સતત બનતી ઘટનાઓના કારણે નાગરિકો ચિંતિત છે. સુરતમાં રખડતા કૂતરાના ભયને ઓછો કરવા માટે મહાનગર પાલિકા દ્વારા પણ ખસીકરણ અને રસીકરણની વાતો ખુબ કરવામાં આવે છે આમ છતાં શહેરની હોસ્પિટલમાં ડોગ બાઈટ બાદ આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
જો તમે પણ મચ્છર ભગાડવાની અગરબત્તી કરીને સુઈ જતા હોય તો સાવધાન, 6 લોકોના મોતથી આખા દેશમાં ફફડાટ
જો કે જ્યારે આ વાત વિશે પશુ ચિકિત્કસ દિગ્વિજય રામ સાથે વાત કરી તો જણાવ્યું છે કે, શ્વાનમાં ગ્લુકોઝનું લેવલ ઊંચું જવાના કિસ્સા વધી રહ્યા છે, શ્વાનને બિસ્કિટ, શીરો જેવી વસ્તુઓ શ્વાનને ખવડાવવામાં આવતી હોય છે, જેના કારણે તેમના શરીરમાં ગ્લુકોઝનું લેવલ વધે છે અને જેથી તેમનામાં ડાયાબિટિસના કેસ જોવા મળે છે. આ રોગના કારણે શ્વાનને ભૂખ વધુ લાગવાથી તે આક્રામક બનતા હોય છે અને માણસોને બચકાં ભરવા માટે દોડે છે. ડાયાબિટિસના કારણે શ્વાનમાં મોતિયાના કેસો પણ જોવા મળે છે.