લોક પત્રિકા સ્પેશિયલ
‘ઈન્ટરનેટના નામી ચહેરાઓ’
– અલ્પેશ કારેણા
ઈન્ટરનેટ પર હાલમાં રિલ્સ અને શોર્ટ વીડિયોનો જમાનો ચાલી રહ્યો છે એવું કહીએ તો ખોટું ન પડે. યુવાનો બેફામ માત્રામાં રિલ્સ જોઈ રહ્યા છે. આ રિલ્સ જોનારા માટે કદાચ ખાલી સમય પસાર કરવાનું સાધન હશે અથવા તો ઘણા માટે રોજનું દોઢ જીબી નેટ પુરુ કરવાનું મિશન હશે, પરંતુ વીડિયો બનાવનાર માટે એ કળા પ્રદર્શિત કરવાનું મોટું માધ્યમ છે અમે આજીવીકા પણ રળી શકાય છે.
ઘણા ચહેરા એવા છે કે જેમણે કળા અને ઈન્ટરનેટની મદદથી કાર અને બંગલા પણ બનાવ્યા છે. ત્યારે આજે એક એવા જ કપલ વિશે વાત કરવી છે કે જે સમગ્ર ગુજરાતને ખળખળાટ હસાવી રહ્યા છે અને ફુલ ટાઈમ આ જ કામ કરી રહ્યાં છે. આવા જ ઈન્ટરનેટના નામી ચહેરાનું નામ છે વિજય ઝાલા અને એમના પત્ની સ્વિટી ઝાલા.
હાલમાં અમદાવાદ ખાતે રહેતા વિજય ઝાલા પોતાના દર્શકો અને ચાહકોને સારી સારી કોમેડી પીરસવા માટે છેલ્લા ઘણા વર્ષોથી સરસ કાર્ય કરી રહ્યા છે. 2017થી એમની આ જર્ની શરૂ થઈ હતી. એ સમયે ગુજરાતમાં કોમેડી વીડિયો બનાવતી યુ-ટ્યુબ ચેનલો આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હતી.
ત્યારે વિજયભાઈએ ક્રેઝી ગુજ્જુ નામની ચેનલની શરૂઆત કરી અને યુટ્યુબ પર પ્રથમ વીડિયો અપલોડ કર્યો. ગ્રાહક કઈ રીતે દુકાનમાં ભાવતાલ કરે અને દુકાનદાર સાથે કેવી કેવી રકઝક થતી હોય એ વિશેનો કોમેડી વીડિયો 2017માં વિજયભાઈએ ક્રિએટ કર્યો અને ત્યારથી જ એમનો પ્રવાહ સતત શરૂ છે. હવે તો લાખો લોકો વિજયભાઈને ખુશી ખુશી જુએ છે અને આનંદિત થઈ જાય છે.
2017માં જ્યારે વિજયભાઈએ યુટ્યુબ ચેનલ શરૂ કરી ત્યારે માત્ર ફોનથી જ વીડિયો શુટ કરી એડિટીંગ કરી અપલોડ કરતાં. પરંતુ એમનું કન્ટેન્ટ એટલું ધારધાર હતું કે લોકો જોડાતા જ ગયા. જોત જોતામાં આજે આ ચેનલને 4,29,000 લોકોએ સબસ્ક્રાઈબ કરી લીધી અને કોરોડો લોકોએ વીડિયો જોયા છે. હજુ પણ આ પ્રવાસ અવિરત શરૂ છે.
જો કે એવું પણ નથી કે વિજયભાઈ માટે આ સફર એકદમ આસાન હતી. કોરોના પછી એવો પણ સમય આવ્યો કે વિજયભાઈને થોડી આર્થિક રીતે તકલીફ પડી હતી અને ડ્રાઈવિંગનું કામ શરૂ કરવું પડ્યું હતું. જો કે હાલમાં વિજયભાઈ પોતાનો પુરેપુરો સમય નવા નવા વીડિયો બનાવી પોતાના ચાહકોને વધારે મજ્જા કઈ રીતે આવે એવું કામ કરી રહ્યાં છે.
ક્રેઝી ગુજ્જુ સિવાય પણ વિજય ઝાલા નામે એમની એક યુ-ટ્યુબમાં ચેનલ છે કે જેમાં પણ 2 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે. પરંતુ ઈન્સ્ટાગ્રામમાં જે રીતે લોકો એમની સાથે જોડાયા એ ખરેખર ઈતિહાસ રચવાની વાત કહી શકાય. કારણ કે માત્ર 4 મહિનામાં લાખ લોકો જોડાઈ ગયા.
વિજયભાઈએ જ્યારે સરખી રીતે ઈન્સ્ટામાં પોતાના પત્ની સ્વિટી ઝાલા સાથે વીડિયો બનાવી મૂકવાનું શરૂ કર્યું ત્યારે માત્ર 4 મહિનામાં જ લાખ લોકો તેમની આઈડીને ફોલો કરતા થઈ ગયા. વિજયભાઈના લગ્ન 2020માં થયા. લગ્ન પછી એમના પત્નીએ પણ વીડિયોમાં સાથ આપ્યો અને હાલમાં આ કપલ આખા ગુજરાતને પેટ પકડીને હસવા માટે મજબૂર કરી રહ્યા છે.
વિજયભાઈ પોતાના વીડિયો વિશે વાત કરે છે કે જ્યારે મે 2017માં પહેલો વીડિયો બનાવ્યો ત્યારે એટલી બધી આશા ન હતી કે વાયરલ થશે અને આપણે પ્રખ્યાત થયું. મહેનત અમે દિલથી કરી હતી.
પરંતુ દર્શકોનો પ્રેમ મળતો રહ્યો અને અમે આજે અહીં પહોંચી ગયા. જ્યાં સુધી યુ-ટ્યુબ પર અમારા એક લાખ સબસ્ક્રાઈબર ન થયા ત્યાં સુધી વીડિયો એન્ડ્રોઈડ ફોનમાંથી જ શુટ કરતા અને પછી અમે કેમેરા વસાવ્યો. ટોપિક સિલેક્શનથી લઈને વીડિયો શુટિંગ અને એડિટીંગનું બધું જ કામ હું જાતે કરું છું.
મે કોઈ જ ટીમ નથી રાખી કે કોઈની મદદ પણ નથી લીધી. મારા અને સ્વિટીના બન્નેના પરિવારના લોકોએ પણ અમને કોઈ વાતે રોકટોક નથી કરી અને ખુલ્લા દિલથી સપોર્ટ કર્યો છે. કારણ કે મોટાભાગે સાસુ સસરા પોતાની વહુને આમ પરમિશન નથી આપતા હોતા. પરંતુ મારા ઘરમાં ક્યારેય આ વાતે કોઈએ પણ વાંધો નથી ઉઠાવ્યો અને સામેથી સપોર્ટ કર્યો છે.
કેવા કેવા વીડિયો બનાવવા એ વિશે વિજયભાઈ વાત કરે છે કે કોમેડી એક એવી વસ્તુ છે જે તમે ધારો ત્યાંથી શોધી શકો છો. કોઈપણ ઘટના બને એમાંથી જો તમારે હસી મજાક કરવી હોય તો તમે કરી શકો. પરંતુ એમાં ક્રિએટીવ મગજ અને આઈડિયા ખૂબ રોલ ભજવે છે. જ્યારે હું કોઈ ઘટના જોઉં, જોક્સ વાંચુ, ફિલ્મ જોઉં, જાહેરમાં રખડતો હોઉં કે ગમે ત્યાં હોઉ તો વિચારું કે આ વાતમાંથી કે આ ઘટનામાંથી હું કઈ રીતે કોમેડી બનાવું તો લોકોને ગમે.
માત્ર વિચાર આવી જાય ત્યાંથી પણ વાત અટકી નથી જતી. પછી એમની રજુઆત કરવી એટલે કે કોમિક ટાઈમિંગ પણ એટલી જ જરૂરી હોય છે. ત્યારબાદ શુટિંગ અને એડિટીંગ પણ લોકોને ગમાડવા માટે ખૂબ જરૂરી ફેક્ટર તરીકે કામ કરે છે.
આ સિવાય વાત કરીએ તો વિજયભાઈએ ભૂતકાળમાં બે ગુજરાતી નાટક પણ રજુ કર્યા છે. સવાર જેવી સાંજ અને બીજું આમ મેળ નહીં પડે… પોતાની યુટ્યુબ ચેનલ વતી રજુ કરાલેયા આ નાટકને પણ અદ્ભૂત પ્રેમ મળ્યો હતો. આ પ્રેમ જોઈને જ હવે માત્ર 2 મહિનાના સમયમાં બીજા બે ગુજરાતી નાટક પણ ક્રેઝી ગુજ્જુ રજુ કરવા જઈ રહ્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે વાત કરતાં વિજયભાઈ જણાવે છે કે મને ઘણી વખત નાની મોટી ઓફર આવે છે. પરંતુ હુ હજુ એકેય ફિલ્મમાં ગયો નથી.
હા ઘણા નામી ફિલ્મમાં મારી ચેનલ મીડિયા પાર્ટનર તરીકે રહી ચૂકી છે. મીડ નાઈટ વિથ મેનકા, ચાલ જીવી લઈએ, બહુ ના વિચાર.. જેવા સુપર હિટ ગુજરાતી ફિલ્મમાં મીડિયા પાર્ટનર તરીકે ક્રેઝી ગુજ્જુએ કામ કર્યું છે. જો ભવિષ્યમાં કોઈ સારી ફિલ્મમાં રોલ ઓફર થશે તો હું ચોક્કસથી કરીશ.