હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી બે દિવસ હિટ વેવ જાેવા મળશે. સૌરાષ્ટ્રમાં માર્ચની શરૂઆતમાં જ હીટ વેવની અસર જાેવા મળી રહી છે. ઉનાળાના આરંભે જ આભમાંથી અસહ્ય અગન વર્ષા થઈ રહી છે. આવતીકાલે ૧૨ માર્ચે પણ રાજકોટ, પોરબંદર સહિતના સ્થળે હીટ વેવની આગાહી છે. રાજ્યના દીવ, દમણ, દાદરા નગર હવેલી માટે આગામી ૫ દિવસની હવામાન વિભાગની હીટવેવની ચેતવણી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ, દીવ અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે. ગુજરાતમાં હાલ હોળી પહેલા જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાં ગરમીના પ્રથમ રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. માર્ચ મહિનામાં જ ગરમીનો પારો ૪૦ ડિગ્રીને વટાવી જશે. આ વખતે માર્ચ મહિનાથી ગુજરાતીઓને હિટવેવનો સામનો કરવો પડશે.
હવામાન વિભાગ અનુસાર અત્યારે ભલે આંશિક ગરમી અનુભવાઈ રહી હોય, પરંતુ આગામી સપ્તાહ બાદ ગરમીનો પારો ઉંચો જશે. ૧૦ થી ૧૬ માર્ચ સુધી ગરમીનો પારો એકાએક વધી જશે. લોકોને ૪૦ ડિગ્રી ગરમીનો અનુભવ પણ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં વાદળછાયુ વાતાવરણમાં છવાયુ હતું અને ક્યાંક કમોસમી વરસાદ પડ્યો હતો.