સુરતમાં રિક્ષામાં ભૂલાયેલી ₹1.87 લાખની રોકડ ભરેલી બેગ વેપારીને પરત મળી, વરાછા પોલીસ અને રિક્ષાચાલકની ઈમાનદારી
સુરત જેવા મોટા વેપારી મથકે દરરોજ હજારો વેપારીઓ ખરીદી અર્થે આવતા હોય છે. ઘણીવાર ઉતાવળમાં કે મુસાફરી દરમિયાન સામાન ભૂલાઈ જવાના બનાવો બને છે. આવી જ એક ઘટનામાં સુરત વરાછા પોલીસ (Surat Varachha Police) ની ટીમ અને એક ઈમાનદાર ઓટોરિક્ષા ડ્રાઈવરે ભેગા મળીને બહારગામના વેપારીને તેમની રૂ. 1.87 લાખની રોકડ (₹1.87 Lakh Cash) ભરેલી બેગ પરત અપાવી છે.
ઘટનાની વિગત: સરદાર માર્કેટથી બોમ્બે માર્કેટની મુસાફરી
રાજસ્થાનના ઉદયપુરના વતની અને હાલ મહેસાણા ખાતે સાડીનો વ્યવસાય કરતા પુરણસિંગ મનોહરસિંગ સીસોદીયા સાડીનો માલ ખરીદવા માટે સુરત આવ્યા હતા.
ઓટોરિક્ષામાં સામાન ભૂલાયો: 7 સપ્ટેમ્બરના રોજ તેઓ સરદાર માર્કેટથી ઓટોરિક્ષામાં બોમ્બે માર્કેટ ગેટ નંબર-૪ પાસે ઉતર્યા હતા. ઉતાવળમાં તેઓ પોતાની એક બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા.
મોટી રકમનું જોખમ: બેગમાં કપડાં અને અન્ય કાગળો ઉપરાંત રૂ. 1,87,000 ની રોકડ રકમ હતી. બેગ ગાયબ થવાની જાણ થતાં જ વેપારી ચિંતાતુર બનીને તાત્કાલિક વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

વરાછા પોલીસની ત્વરિત કામગીરી અને CCTV સર્વેલન્સ
વેપારીની રજૂઆતને ગંભીરતાથી લઈને વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમ સક્રિય થઈ હતી:
કેમેરા ચકાસણી: પોલીસ સબ-ઇન્સ્પેક્ટર વી.ડી. માળી, અ.હે.કો. વિજયસિંહ અને અ.પો.કો. વાસુરભાઈએ બોમ્બે માર્કેટ ગેટ નંબર-4 આસપાસના વિવિધ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા.
રિક્ષાની ઓળખ: સતત ચકાસણી બાદ સંબંધિત ઓટોરિક્ષાનો નંબર અને ચાલકની ઓળખ કરી લેવામાં આવી હતી.
રિક્ષાચાલક સુનિલ બગેલની ઈમાનદારી
પોલીસ ટીમે રિક્ષાચાલક સુનિલ શ્રીપાલ બગેલ નો સંપર્ક કર્યો હતો:
સુરક્ષિત સાચવી રાખી હતી બેગ: રિક્ષાચાલકે જણાવ્યુ કે બોમ્બે માર્કેટથી ડુમસ તરફ ભાડું લઈને ગયા ત્યારે પાછળની સીટ પર બેગ પડી હોવાનું ધ્યાને આવ્યું હતું. કોઈ મુસાફર ભૂલી ગયું હોવાનું જણાતા તેમણે બેગ સહીસલામત પોતાની પાસે રાખી હતી.
માલસામાન પરત સોંપાયો: પોલીસે તમામ વિગતોની ખાતરી કરીને વેપારી પુરણસિંગને રૂ. 1.87 લાખની રોકડ તથા સામાન સાથેની બેગ સહીસલામત પરત સોંપી હતી. વરાછા પોલીસની ઝડપી ટેકનિકલ તપાસ અને રિક્ષાચાલકની ઈમાનદારીની સમગ્ર સુરત શહેરમાં સરાહના થઈ રહી છે.













