વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન પ્રગતિનું નવું પ્રવેશદ્વાર; જાણો સુવિધાઓ અને કનેક્ટિવિટી પ્લાન
વડોદરા એ માત્ર ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર નથી પરંતુ તે વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને નવી ઉદ્યોગસાહસિક તકોનું એક ગતિશીલ કેન્દ્ર છે. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (Mumbai-Ahmedabad High-Speed Rail Corridor) કોરિડોર હેઠળ બની રહેલું વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન (Vadodara Bullet Train Station) શહેરના યુવાનોની ગતિશીલતા અને શૈક્ષણિક-રોજગાર લક્ષી પ્રગતિ માટે નવું પ્રવેશદ્વાર સાબિત થવા જઈ રહ્યું છે.
આ સ્ટેશન વડોદરાને અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા દેશના આર્થિક અને શૈક્ષણિક મહાનગરો સાથે અત્યંત ઝડપી અને સુગમ રીતે જોડશે.
શિક્ષણથી રોજગાર સુધી: યુવાનો માટે નવી તકો
વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), ગતિ શક્તિ યુનિવર્સિટી (GSV), IIIT, નવરચના, પારુલ અને સુમનદીપ વિદ્યાપીઠ જેવી અગ્રણી સંસ્થાઓ ધરાવતું એક મુખ્ય શૈક્ષણિક હબ છે.
ઉદ્યોગ અને કારકિર્દીનો અનુભવ: એન્જિનિયરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, ઉત્પાદન અને કેમિકલ ક્ષેત્રના મજબૂત ઔદ્યોગિક આધારને કારણે વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ અને રોજગારની વિપુલ તકો ઉપલબ્ધ છે.

ઝડપી પ્રાદેશિક મુસાફરી: બુલેટ ટ્રેન શરૂ થવાથી અન્ય શહેરોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટી જશે, જેથી તેઓ એક જ દિવસમાં મુસાફરી કરીને પોતાના ઘરે પરત ફરી શકશે.
મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ અને કનેક્ટિવિટી
આ સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ ની બરાબર ઉપર નિર્માણ પામી રહ્યું છે. આ સ્થાન પસંદ કરવાથી ભારતીય રેલવે, બસ ડેપો અને સિટી ટ્રાન્સપોર્ટ વચ્ચે અદ્ભુત એકીકરણ શક્ય બનશે.
મુસાફરોને એક સાધનમાંથી બીજા સાધનમાં જવામાં સરળતા રહે તે માટે ૩ વિશેષ ફૂટ ઓવર બ્રિજ (FOB) બનાવવામાં આવી રહ્યા છે:
FOB 1 (534 મીટર): બુલેટ ટ્રેન સ્ટેશનને વડોદરા રેલવે સ્ટેશન અને GSRTC સેન્ટ્રલ બસ ડેપો સાથે જોડશે. જેમાં મુસાફરોની સુવિધા માટે ટ્રાવેલેટર (Travelator) પણ હશે.

FOB 2 (90 મીટર): રેલવે ટ્રેકની ઉપરથી પસાર થઈને સ્ટેશનને અલકાપુરી વિસ્તાર સાથે જોડશે.
FOB 3 (51 મીટર): સ્ટેશન પ્લાઝા અને પાર્કિંગ એરિયા સાથે લિફ્ટ અને એસ્કેલેટર દ્વારા સીધું કનેક્ટિવિટી આપશે.
વિશ્વસ્તરીય સુવિધાઓ અને સ્થાપત્ય
વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનની ડિઝાઈન વડોદરા શહેરની સાંસ્કૃતિક ઓળખ સમાન ‘વડ’ (Banyan Tree) ના વૃક્ષથી પ્રેરિત છે.
કુદરતી પ્રકાશ અને ખુલ્લું વાતાવરણ: સ્ટેશનમાં વિપુલ પ્રમાણમાં કુદરતી પ્રકાશ આવે તે પ્રકારની આધુનિક કાચની સ્થાપત્ય શૈલી અપનાવવામાં આવી છે.
પ્રીમિયમ પેસેન્જર ફેસિલિટીઝ: આરામદાયક વેઇટિંગ લાઉન્જ, આધુનિક રિટેલ શોપ્સ, પિક-અપ/ડ્રોપ-ઓફ ઝોન, મલ્ટિ-લેવલ કાર અને બસ પાર્કિંગ તેમજ નેવિગેશન માટે સ્પષ્ટ સાઇનેજ વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે.












