સુરતમાં ‘કપલ સ્વેપીંગ’ નો મામલો આવ્યો સામે, પતિ ઈચ્છતો હતો કે તેની પત્ની બીજા સાથે…
સુરત શહેરના પોશ ગણાતા ઉતરાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2017માં લગ્નગ્રંથીથી જોડાયેલી પરિણીતાએ પોતાના પતિ સામે ‘કપલ સ્વેપીંગ’ (પત્નીઓની અદલાબદલી) માટે દબાણ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. પત્નીએ આ વિકૃત માગણીનો અનાદર કરતાં પતિ અને સાસરિયાઓએ ભેગા મળીને શારીરિક તથા માનસિક ત્રાસ આપી તેને ઘરમાંથી કાઢી મૂકી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.
લગ્નના થોડા સમય બાદ સામે આવી અસલિયત
પીડિત મહિલાના જણાવ્યા મુજબ, લગ્નજીવન દરમિયાન તેમને એક પુત્ર પણ છે. પરંતુ લગ્નના થોડા સમય બાદ જ પતિની અસલિયત સામે આવવા લાગી હતી:
- અન્ય મહિલાઓ સાથે સંબંધ: પત્નીને જાણવા મળ્યું કે પતિના અન્ય મહિલાઓ સાથે અનૈતિક સંબંધો હતા અને તેના કેટલાક વાંધાજનક વીડિયો પણ મળી આવ્યા હતા.
- કપલ સ્વેપીંગની ઓફર: પતિએ અચાનક પત્ની સામે વાઈફ સ્વેપીંગ/કપલ સ્વેપીંગ પાર્ટીમાં જવાની ઓફર મૂકી હતી.
- વિરોધ પર મારઝૂડ: પત્નીએ આ અનૈતિક માગણીનો સ્પષ્ટ ઈનકાર કરતાં પતિએ તેની સાથે મારપીટ શરૂ કરી દીધી હતી.
દેરાણી અને સાસરિયાંઓએ કહ્યું- ‘આધુનિક સમયમાં આ બધું કોમન છે’
જ્યારે પીડિતાએ પતિની આ વિકૃત હિલચાલ અંગે સાસુ-સસરા, દિયર અને દેરાણીને જાણ કરી ત્યારે તેને સાંત્વના આપવાના બદલે સાસરિયાંઓએ પતિનો જ પક્ષ લીધો હતો.
પીડિતાનો આક્ષેપ છે કે તેની દેરાણીએ એવું કહ્યું હતું કે, “આજના આધુનિક સમયમાં આવી પાર્ટીઓ અને વાઈફ સ્વેપીંગ જેવી બાબતો સાવ કોમન છે.” આ પછી સાસરિયાંઓએ ભેગા મળીને તેને ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું.
દોઢ વર્ષ ત્રાસ સહન કર્યા બાદ અંતે કતારગામ પોલીસમાં ફરિયાદ
સાસરિયાંઓના સતત શારીરિક-માનસિક ત્રાસથી કંટાળીને અને ઘરમાંથી કાઢી મૂકાયા બાદ, દોઢ વર્ષ સુધી સહન કર્યા પછી અંતે પરિણીતાએ કતારગામ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે.
પોલીસ કાર્યવાહી અંગે માહિતી આપતાં કતારગામ પોલીસ સ્ટેશનના પી.આઈ. એલ.આર.ગોહિલે જણાવ્યું હતું કે, “મહિલાની અરજી અને ફરિયાદના આધારે હાલ આઈપીસીની કલમ 498A (દહેજ અને માનસિક-શારીરિક ત્રાસ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલાએ કપલ સ્વેપીંગ અંગે જે આક્ષેપો કર્યા છે તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.”












