ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટે વર્ષ 2016માં 152.03ની સ્ટ્રાઈક રેટ અને 81.08ની એવરેજથી કુલ 973 રન બનાવ્યા હતા. વિરાટે તે IPL સિઝનમાં ચાર સદી ફટકારી હતી. IPLમાં વિરાટ કોહલીનો આ શાનદાર રેકોર્ડ ત્યારથી અકબંધ છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ મુખ્ય કોચ અને ક્રિકેટર રવિ શાસ્ત્રીએ ભવિષ્યવાણી કરી છે કે કયો બેટ્સમેન વિરાટનો આ રેકોર્ડ તોડી શકે છે. આઈપીએલ 2023માં કોમેન્ટેટરની ભૂમિકા ભજવી રહેલા રવિ શાસ્ત્રીનું માનવું છે કે ગુજરાત ફ્રેન્ચાઈઝીના ઓપનર શુભમન ગિલ હાલમાં આ કારનામું કરી શકે છે.
શાસ્ત્રીએ સ્ટાર સ્પોર્ટ્સ પર કહ્યું, ‘તે ઓપનર તરીકે રમ્યો હતો, અને ત્યારે જ તમને આટલા રન બનાવવાની તક મળી શકે છે. મને લાગે છે કે શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે અને સાથે જ તે ટોપ ઓર્ડરમાં પણ રમે છે. તેથી તેને રન બનાવવાની સારી તક મળશે.
તેણે આગળ કહ્યું, ‘આ વખતે પિચો ઘણી સારી છે, તેથી તમે બે-ત્રણ ઇનિંગ્સમાં સતત 80-100 રન બનાવી શકો છો. તેણે આ રીતે 300-400 રન બનાવ્યા છે. મારા મતે એક સિઝનમાં 900+ રન બનાવવા ખૂબ મુશ્કેલ છે. તો માત્ર ઓપનર જ આવો રેકોર્ડ તોડી શકે છે.