દેશભક્તિ સાથે ધર્મભક્તિનો સમન્વય: સગર સમાજનાં માજી સૈનિકોએ દાસારામ મંદિર ઝારેરા ખાતે 111 કિલોનો ઘંટ અર્પણ કર્યો

Lok Patrika
By Lok Patrika
Share this Article

Sagar Samaj News: સગર સમાજના લાખો લોકો માટે આસ્થાનું કેન્દ્ર એવા ઝારેરા દાસારામ મંદિરથી એક સરસ સમાચાર સામે આવી રહ્યા છે. આજ રોજ જેઠ સુદ બીજના પવિત્ર દિવસે જારેરા મુકામે સમસ્ત સગર સમાજનાં માજી સૈનિકો દ્વારા એક ૧૧૧ કિલોનાં ઘંટ અર્પણ કરવામાં આવ્યો હતો.. સાથે સાથે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા એવા રામભાઈ સગર દ્વારા ધ્વજા ચડાવવામાં આવી હતી.

આ પ્રસંગે બોહળી સંખ્યામાં દાસેવ ભક્તો હજાર રહ્યા હતા અને સામૂહિક ભજન કીર્તન સાથે પ્રસાદી લીધી હતી. આપને જણાવી દઈએ કે ઝારેરા ગામની બાજુમાં આવેલું ભવનેશ્વર ગામ આખા ભારતમાં દેશભક્તિ માટે જાણીતું છે. સગર સમાજના આ એક જ ગામમાંથી અંદાજે 50 જેટલા આર્મી જવાનો દેશ સેવા કરી રહ્યાં છે. ઘણા ઘરમાંથી તો 2-2 સગા ભાઈઓ મા ભારતી માટે બોર્ડર પર સેવા માટે અડીખમ છે.

ભક્ત શ્રી દાસારામ બાપાનું જીવનચરિત્ર

જન્મ અને બાળપણ

16 થી 17 મી સદી નો સમયગાળો જ્યારે ભારત વર્ષના અડધાથી પોણા ભાગ પર મોગલ સામ્રાજ્ય અને ઇસ્લામી રાજાઓ રાજ કરતાં.ગુજરાતમાં પણ ઈસ્લામિક રાજ હતું.ત્યારે સોરઠ પ્રદેશમાં બાલાગામ નામે એક ગામ જ્યાં સગર વીરા ભગત અને હેમીબાઈ નામના દંપતી રહે. ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા. દંપતી ખૂબ જ ધાર્મિક અને સેવા પરાયણ જીવન જીવતા,વાણી વર્તન વિચાર જેટલા ધર્મમા લિન એટલુ જ બાહ્ય જીવન સુંદર અને પવિત્ર, “માનવ સેવા એજ પ્રભુ સેવા” જેવા સિદ્ધાંતને ઓળખીને હંમેશની જેમ ગિરનાર પવિત્ર ક્ષેત્રમાં પરોપકાર થી નીકળે. દાંપત્યજીવનના 12 વર્ષ વિત્યા છતાં પણ ઘરનું આંગણું સુનકાર. મનમાં એક આશા હતી કે ભગવાન અમને જરૂર એક પુત્ર આપશે. હવે તે સમય પણ આવી ગયો.

ગિરનારની ગોદમાં એક મહાન સંતના સત્સંગ સહવાસમાં આ દંપતીની પ્રભુસેવા,માનવસેવા, પરોપકારી જીવન જોઈને સંત મહાત્મા પ્રસન્ન થયા એટલે ‘અમને પુત્ર જોઈએ અમને પુત્ર જોઈએ’ આમ પાંચ વખત પોતાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે સંતે આશીર્વચન માં ‘તમારે ત્યાં પાંચ પુત્ર જન્મશે’ તેવા આશીર્વાદ આપ્યા.સમય જતા પાંચ પુત્ર ના જન્મ થયા જેમના નામ ક્રમશઃ લાખો,લક્ષ્મણ, વાસો,ભીમો અને સૌથી નાનો પુત્ર દાસો (જે આગળ જતા મહાન ભક્ત શ્રી દાસારામ બાપા તરીકે ઓળખાયા)

અભ્યાસ અને પ્રભુભક્તિ

ખૂબ જ મૃદુ અને નિર્મળ સ્વભાવના દાસેવ શાળામાં અભ્યાસ માટે જાય છે,દાસેવ શાળામાં રામાયણ,મહાભારત,ગીતા, વેદપુરાણો ની વાતો કરે છે,શિક્ષકો અને વિદ્યાર્થીઓ દાસેવના સમાગમથી ખૂબ ખુશ થતા પણ જે પુણ્યાત્મા પોતાના દિલમાં રાજા સગર રાજા ભગીરથ,કે જેણે માં ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા, તેનો હું વંશજ છું,જે કુળમાં ભગવાન રામ જન્મ્યા તે કુળ મારૂં છેે,હું તે મહાન સૂર્યવંશનો વારસદાર છું, આ મનોભાવ થી અભ્યાસ પૂરો કર્યો અને લોકોમાં ધર્મની સત્સંગની વાતો કરવા લાગ્યા.

લગ્નજીવન

યુવાવસ્થામાં દાસેવના લગ્ન કોઈલાણા ગામે સગર સવદાસભાઇ કારેણા ની પુત્રી બાયાબાઈ સાથે થયા, બાયાબાઈ પણ ખૂબ જ સંસ્કારી સેવાભાવી અને પતિ એ જ પરમેશ્વર માનવાવાળા,અને ધાર્મિક સ્વભાવના હતા જેથી બંનેનુ સાંસારિક જીવન સુખમા વીતવા લાગ્યુ,તેમને ત્યાં બે પુત્ર (હમીર ,રાણો)અને પુત્રી જાનબાઇ એમ ત્રણ સંતાનો થયા. દાસેવની નાનપણથી જ એક ઇચ્છા હતી કે આખા પરિવારને એક વખત સગર પુત્ર ઉધ્ધારિણી મા ગંગા ના દર્શન માટે જવું છે, એટલે તે યાત્રા પણ પૂરી કરી, ધામધૂમથી બાલાગામ પરત ફર્યા,ચોમેર દાસેવના ગુણગાન થવા લાગ્યા,હવે તે દાસેવ મટીને “ભક્ત શ્રી દાસારામ” કહેવાયા.

સંતપણાના પારખા

ભક્ત દાસારામના નામના ડંકા નો રણકાર અમુક લોકોથી ન જીરવાયો,અનેક શંકા-કુશંકાઓ ડારો-ડફારો કરી ભક્ત દાસારામને પોતાના કાર્યમાંથી નીચે પાડવાના કિમીયાઓ ઘડાવવા લાગ્યા.પણ મજબૂત મન અને ઇશશ્રદ્ધાથી ભરપૂર ભક્ત દાસારામ કહેતા કે ભગવાન હોવા છતાં પણ રામ કૃષ્ણને મુશ્કેલીઓ આવી તો આપણે શું કહેવાય. લોકોને ભેગા કરવા,ભજનયા કરવા,બધાનો સમય બગાડવો, અને નામના તારી થાય એટલે જ તો તુ બધા લોકોને ભેગા કરે છે, અને બધાના ઘરે જાય છે આવો વિરોધ ચાલ્યો. પણ જે રાજા સગર ની પાંચ પાંચ પેઢીઓ માં ગંગાને ધરતી પર લાવવા માટે તપ કરતી રહી પોતાના ધ્યેયમાં પાંચ પેઢીઓ સુધી અડગ ઊભી રહી તેવા મારા પૂર્વજો તેવા મહાન ભગીરથ વંશનો હું વારસદાર છું. હું કેમ ડગી શકું (પ્રસંગો,ઘટનાઓ ઘણી બધી છે પણ લેખન લાંબું થાય એટલે નથી લખ્યું). આવાં વિરોધના વંટોળ વચ્ચે પણ તેમની ભક્તિના ડંકા સોરઠ પ્રદેશમાં વાગતા જ રહ્યા, એવું લાગતું કે ભગવાન ભક્ત દાસારામ ની સાથે જ રહે છે.વિરોધીઓ પણ માફી માંગીને સાથે જોડવા લાગ્યા અને નવાબ બાદશાહને પણ ભક્ત શ્રી દાસારામ ની ભક્તિ પર નતમસ્તક થવું પડ્યું.

ચિરકાળની વિદાય

ભક્ત શ્રી દાસારામના ભક્તો, અનુયાયીઓ, સેવકો,સત્સંગીઓ દિન -પ્રતિદિન વધતા જાય છે, આખો સોરઠ કાઠીયાવાડ ગીર પંથકમાં કોઇપણ નાત-જાત નો ભેદભાવ રાખ્યા વગર પોતે દરેકના ઘેર જવા લાગ્યા, ભક્ત શ્રી દાસારામ હવે 100 વર્ષની ઉમર વટાવી ચૂક્યા હતા, તેથી વિચારે છે કે હવે મારે આ જગતમાં આવીને જે પ્રભુ કાર્ય કરવાનું હતું તે પૂર્ણ થયું,હવે મારે પણ શ્રીહરિ ને મળવાનો સમય આવ્યો છે.તેથી સંવત 1805 ને સુદ પક્ષની અષાઢી બીજ ના દિવસે પ્રભુ ને મળવાનું નક્કી કર્યું. જે #અષાઢીબીજે ભગવાન જગન્નાથના જગતને દર્શન થયા. એ જ દિવસે મારે પણ ભગવાનના દર્શન કરવા છે. કદાચ આ જ ભાવથી ભક્તશ્રી દાસારામે આ દિવસ નક્કી કર્યો હશે. આવી રીતે લોક જગતને સન્માર્ગે વાળી સત્કર્મ કરી આ મહાન ભક્તે બાલાગામની એક વાવના કાંઠે પોતાની પાઘડી અને માળા મૂકી વાવના જળમાં પ્રવેશ કર્યો.109 વર્ષનુ આયુષ્ય ભોગવી અંતર્ધ્યાન થયા. આજે પણ બાલાગામ,જારેરા, સાવરકુંડલા અને ઉપલેટામાં ભક્ત શ્રી દાસારામ બાપા ના જાણીતા મંદિરો છે. આ મહાન સંતે તત્કાલીન સમાજમાં ફેલાયેલા છુતાછુત.માન્સાહાર.ચોરી-લુટ અને ઘરેલૂ હિન્સા જેવા અનેક દુષણોને ક્રુષ્ણભક્તિ.સત્સંગ.પરોપકારી દ્રષ્ટિ વગેરે જેવા સદગુણો દ્વારા દૂર કરી માનવજીવનમા ખરા અર્થમાં સુખ-શાંતિ અર્પી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly