Ahmedabad News: અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સિંધુભવન રોડ પર રૂ. 125 કરોડના ખર્ચે સિટી સ્કેવર બનાવવામાં આવશે. મ્યુનિ. કમિશનર દ્વારા રજુ કરવામાં આવેલા બજેટમાં સીટી સ્ક્વેર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના નવા પશ્ચિમ ઝોનમાં આવેલા સિંધુભવન રોડ ઉપર સીટી સ્ક્વેર બનશે.
આ સીટી સ્ક્વેરમાં 125 મીટર ઊંચાઈનું કોર ટાવર બનાવાશે. જેમાં ફૂડ કોર્ટ, એમ્ફી થીએટર, ફાઉન્ટેન, સેન્ટ્રલ કોર્ટ, પ્લાન્ટેશન અને સ્કાય લાઇટ્સ હશે. મ્યુનિ. બજેટમાં સીટી સ્ક્વેર બનાવવા માટે કુલ 125 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
મ્યુનિ.એ તાજેતરમાં ખાલી પ્લોટની હરાજી મુકી હતી. જેમાં સીંધુ ભવન પરના પ્લોટમાં ડેવલપર્સ ખાસ કોઇ રસ દાખવ્યો નહતો. બીજીતરફ આગામી 10 વર્ષમાં સીંધુ ભવન અને તેની આસપાસના વિસ્તારો વધુ ડેવલપ થશે. જેના લીધે લોકોનો ધસારો રહેશે. જેથી આઇકોનીક બિલ્ડીંગ બનાવવાથી સહેલાણીઓનો રસ વધે તે માટે આયોજન કરાયું છે.