Gujarat Weather Update: ગુજરાતમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેમાં સાંજ પછી ઠંડી અને દિવસે ગરમી પડી રહી છે. આ વાતાવરણ હવે લોકોને બીમાર બનાવી રહ્યું છે. આવામાં હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં તાપમાનમાં વધારો થયો છે. લોકોને કડકડતી ઠંડીથી આંશિક રાહત મળી છે.
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં ગુજરાતમાં તાપમાન ઉંચકાશે. હવામાન વિભાગે જણાવ્યું કે, તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ 13.9 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આજે ગાંધીનગરમાં સૌથી ઓછું 11.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત કોસ્ટમાં ઉત્તર પશ્ચિમી પવન રહેશે. તો દક્ષિણ ગુજરાત કોસ્ટમાં ઉત્તર પૂર્વીય પવન રહેશે. પવનની ગતિ 15 કિમી આસપાસ રહેશે.
ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનું જોર વધ્યું
આગામી પાંચ દિવસને લઈને હવામાન વિભાગની આગાહી એવી છે કે, પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના રામાશ્રય યાદવે જણાવ્યું કે, પાંચ થી છ દિવસ તાપમાન યથાવત રહેશે. કોઈ કોઈ જગ્યાએ એક થી બે ડિગ્રી તાપમાન વધી શકે છે.
ગાંધીનગરમાં 11.8 ડિગ્રી, અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન થયું છે. તો નલિયામાં 10.5 ઓછું તાપમાન નોંધાયું છે. વાદળોના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વાદળો દેખાશે. આગામી બે દિવસ ગુજરાતમાં વાદળો રહેશે.
આ દિવસોમાં વરસાદની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. ગુજરાતમાં ફરીથી માવઠું પડવાની અંબાલાલની આગાહી છે. તેમણે કહ્યું કે, 27થી 30 જાન્યુઆરી દરમિયાન માવઠું પડવાની શક્યતા છે. આ દિવસોમાં કચ્છ, સૌરાષ્ટ્ર,ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. ફેબુઆરીના પ્રથમ સપ્તાહમાં હવામાનમાં મોટો ફેરફાર થશે.
ફેબ્રુઆરીના પ્રથમ બે અઠવાડિયામાં ગુજરાતમાં સવારે અને સાંજે હિમયુક્ત ઠંડી અનુભવાશે. કેટલાક ભાગોમાં ન્યુન્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચું જવાની શક્યતા છે. આ દિવસોમાં હિમવર્ષાની પણ શક્યતા છે. આ સમયે ખેડૂતોએ પીયત આપવું હિતાવહ તેવું અંબાલાલ પટેલે ખેડૂતોને સલાહ આપી.