Gujarat News: આજે સવારથી જ અમદાવાદમાં કાળા ડિંબાગ વાદળો હતા અને હવે તો વરસાદ પણ જામ્યો છે. ત્યારે લોકોના રવિવારની મજ્જા બગડી હતી. જો કે ન માત્ર અમદાવાદ પણ ગુજરાતના લગભગ બધા જિલ્લામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે અને ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં આજથી માવઠું શરૂ થયું છે.
આજે સવારથી જ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે. અમદાવાદમાં આજે સવારથી ધૂંધળું વાતાવરણ હતું અને ઠંડો પવન ફૂંકાવા લાગ્યો હતો. 10 વાગ્યાથી જ કેટલાક ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો હતો. રવિવારના દિવસે વાતાવરણમાં અચાનક પલ્ટો આવવાથી અમદાવાદમાં તાપમાનનો પારો એકદમ 10 ડિગ્રી નીચે ઉતરી ગયો હતો એટલે ઠંડીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.
જ્યારે સવારે લોકો ઘરની બહાર નીકળ્યા તો સવારના સમયે ઘણા લોકો ટુ વ્હીલર પર સ્વેટર અથવા જેકેટ પહેરીને જતા હતા અને ત્યાર પછી અચાનક વરસાદ શરૂ થઈ જતા લોકો ઘણી જગ્યાએ આશરો લેતા જોવા મળ્યા છે. અમદાવાદના સેટેલાઈટ, આશ્રમ રોડ, મણીનગર, નારણપુરા, એરપોર્ટ રોડ, નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે.
હવે ચિંતાની વાત એ છે કે હવામાન વિભાગે નવી આગાહીમાં વાત કરી છે કે આગામી ત્રણથી ચાર દિવસ સુધી પશ્ચિમ અને ઉત્તર ભારતના રાજ્યોમાં આવી સ્થિતિ જળવાય તેવી શક્યતા છે અને અમદાવાદમાં પણ વરસાદનો માહોલ યથાવત 3 દિવસ સુધી આવો જ રહેવાનો છે.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વાતાવરણ બદલાઈ જશે તેની આગાહી પાંચ દિવસ અગાઉ જ કરવામાં આવી હતી, પરંતુ આજે સવારથી જે રીતે હવામાન બદલાયું તે ખરેખર આશ્ચર્યજનક છે. અમદાવાદના સીજી રોડ, એસજી રોડ, આશ્રમ રોડ, એરપોર્ટ રોડ પર વરસાદ પડી રહ્યો છે જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ પણ ત્રણ દિવસ સુધી આવી સ્થિતિ જોવા મળી શકે છે.