ઇન્સ્યોરન્સ પેન્શનર્સ એસોસિએશન, અમદાવાદનો “સિલ્વર જ્યુબીલી વર્ષ” ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ લાવણ્ય સાંસ્કૃતિક હોલ, વાસણા, અમદાવાદ ખાતે તા.8/1/2023ના રોજ યોજવામાં આવ્યો હતો. આ યાદગાર સમારંભમાં એસોસિયેશનના 200 થી વધુ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મુખ્ય અતિથિ તરીકે ઓલ ઇન્ડિયા પેન્શનર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ટી કે ચક્રવર્તી હાજર રહ્યા હતા. શ્રી ચક્રવર્તીએ એમના રસપ્રદ પ્રવચનમાં પેન્શનરના લાભો તથા હિતો સુરક્ષિત રાખવા માટે એસોસિએશન દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે વિસ્તૃત છણાવટ કરી હતી. ફેમિલી પેન્શનમાં સુધારણાની તાતી જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
એસોસિયેશનના પ્રમુખ નિરંજન પંડ્યા તથા જનરલ સેક્રેટરી હર્ષદ દવેએ પ્રાસંગિક પ્રવચનમાં પેન્શનરને લગતા લગભગ તમામ મુદ્દાઓ આવરી લીધા હતા.અતિથિ વિશેષ તરીકે એલ આઈ સી અમદાવાદના મેનેજર (ઓ. એસ.) કે.વી. જગાણીયાએ પેન્શનર મિત્રોને મદદરૂપ થવા માટે યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરવાની ખાતરી આપી હતી.
આ ભવ્ય ઉજવણીમાં ભાગ લેવા માટે પધારેલ ગાંધીનગર અને સુરત યુનિટના હોદ્દેદારોએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ગિરીશભાઈ લીંબડીયા, જોઇન્ટ સેક્રેટરીએ સમારંભનુ સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. ભોજન બાદ સમારંભમાં હાજર રહેલ તમામ સભ્યોને મેડિકલેઇમ પોલિસીની લેટેસ્ટ માહિતી આપતી પુસ્તિકા તથા એક યાદગાર સ્મૃતિભેટ આપવામાં આવી હતી.