ગુજરાતમાં ઉમેરાયું વધુ એક ઇન્ટરનેશનલ એરપોર્ટ, સુરતથી વિદેશી એરલાઇન્સની ફ્લાઇટ શરૂ થવા માર્ગ થયો મોકળો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News: સુરત કસ્ટમ નોટિફાઇડ એરપોર્ટ હવે ઇન્ટરનેશનલ તરીકે ઓળખાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શુક્રવારની કેબિનટમાં દરખાસ્તને મંજૂરી મળી છે. આમ સુરતનું નામ હવે સરળતાથી બાય લેટરલમાં એડ થઈ જશે જેથી વિદેશી એરલાઇન્સો પોતાની ફ્લાઇટ ઓપરેટ કરી શકશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે પ્રવેશદ્વાર જ નહીં બને, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ – ઉદ્યોગો માટે અવિરત નિકાસ-આયાત કામગીરીની સુવિધા પણ આપશે. આ વ્યૂહાત્મક પગલું અભૂતપૂર્વ આર્થિક સંભવિતતાને અનલોક કરવાનું વચન આપે છે, જે સુરતને આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપમાં મુખ્ય ખેલાડી બનાવશે અને આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપશે.

ભારતમાં ઝડપથી વિકસતા શહેર સુરતે નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે. આર્થિક વૃદ્ધિ વધારવા, વિદેશી રોકાણને આકર્ષવા અને રાજદ્વારી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચાડવું એ સર્વોપરી છે. મુસાફરોની અવરજવર અને કાર્ગોની કામગીરીમાં વધારા સાથે એરપોર્ટનું આંતરરાષ્ટ્રીય હોદ્દો પ્રાદેશિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરશે.

પ્રધાનમંત્રી 17 ડિસેમ્બરના રોજ સુરતની મુલાકાતે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ 17ના રોજ સુરત ખાતે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન પ્રસંગે ગુજરાત આવી રહ્યા છે. તે પહેલા દિલ્હી ખાતે વડાપ્રધાનનાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી મંડળની બેઠક મળી હતી. જે બેઠકમાં સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરવા મંજૂરી આપતા સુરતવાસીઓમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો. સુરતને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કરતા ઉદ્યોગકારોને લાભ મળશે. ત્યારે ડાયમંડ બુર્સનાં ઉદ્ધાટન પહેલા સુરત શહેરને મોટી ભેંટ આપવામાં આવી છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ કરી જાહેરાત

આ બાબતે માહિતી આપતા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે, નાગરિક ઉડ્ડયનમાં વધુ એક ઐતિહાસિક દિવસ જ્યારે કેબિનેટના નિર્ણયથી સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિર્ધારનું આ પરિણામ છે, જેના કારણે હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત સુરતમાં આંતરરાષ્ટ્રીય બજાર સુલભ થશે.

પ્રધાનમંત્રી મોદીની પ્રતિક્રિયા

આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, સુરત ગતિશીલતા, નવીનતા અને જીવંતતાનો પર્યાય છે. સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ તરીકે જાહેર કરવાના આજના કેબિનેટના નિર્ણયથી કનેક્ટિવિટી અને કોમર્સને વેગ મળશે. અને, તે વિશ્વને સુરતની અદભૂત હોસ્પિટાલિટી, ખાસ કરીને રાંધણ આનંદ શોધવાની તક આપશે.


Share this Article