હાલમાં સુરતમાં જે ઘટના બની એ કોઈ ફિલ્મ કરતાં ઓછી નહોતી. કારણ કે એમ્બ્યુલન્સમાં પણ કોઈ વ્યક્તિ આટલો મોટો કાંડ કઈ રીતે કરી શકે એનો કોઈને અંદાજો જ નહોતો. વાત જાણે કે એવી છે કે સુરત જિલ્લા કામરેજ પોલીસે અમદાવાદથી મુંબઈ તરફ જતા રોડ પર નવી પારડી ગામની સીમમાંથી કરોડોની ડુપ્લિકેટ નોટ ઝડપી હતી. જામનગરના કાલાવડ વિસ્તારની એક ચેરિટેબલ ટ્રસ્ટની આઈ.સી.યુ. એમ્બ્યુલન્સમાંથી 25.80 કરોડના બે હજારના દરની ડુપ્લિકેટ નોટ સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. જોકે નોટ પર ભારતીય રિવર્સ બેંક તેમજ કેવલ ફિલ્મના શૂટિંગ માટે પણ લખ્યું છે એટલે હવે વધારે ગુંચવણનો મામલો બન્યો છે.
હાલમાં પોલીસે પ્રાથમિક તબક્કે જાણવાજોગ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે સાચી ખબર તો સમયે જ પડશે કે નોટ આખરે શેના માટે લઈ જવામાં આવતી હતી. કામરેજ પોલીસ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન અમદાવાદ તરફથી નવીપારડી ગામની સીમમાં ગામની શિવશક્તિ હોટલની સામે જામનગરના કાલાવડ વડાણા ખાતેની દીકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ICU એમ્બ્યુલન્સ દેખાઈ અને તેને અટકાવવામાં આવી. ત્યારબાદ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.
વિગતો મળી રહી છે કે એમ્બ્યુલન્સમાંથી 6 સ્ટીલની પેટીમાંથી 1290 બંડલમાં 25.80 કરોડની 2000ના દરની રિવર્સ બૅન્ક ઓફ ઇન્ડિયા લખેલી નોટોના બંડલ મળી આવ્યા હતા. નોટો પર હિન્દીમાં ખાલી ફિલ્મના શૂટિંગના ઉપયોગ માટે લખેલું હતું એ પણ મોટો મુદ્દો છે. ઘટનાની જાણ થતાં સુરત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ કામરેજ ખાતે પહોંચ્યા હતા. પોલીસે જામનગર જિલ્લાના કાલાવાડના વડાલા વિસ્તારના હિતેશભાઈ પુરુસોત્તમ કોટડિયાને ઝડપી લીધો છે.
જોકે પૂછપરછમાં આ નોટનો ઉપયોગ વેબસિરીઝના શૂટિંગમાં કરવાનો હોવાનું જણાવી રહ્યા છે. કામરેજ પોલીસે સ્ટીલની પેટીમાં લઈ જવાતી તમામ નોટો તેમજ એમ્બ્યુલન્સ અને લેપટોપ મળી કુલ 5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની તપાસ શરૂ કરી હતી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે આ નોટો ખરેખર ફિલ્મના શુટિંગ માટે હતી કે પછી કોઈ ષડયંત્ર છે.