લાખો લોકોનું ભલું થશે: રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન વચ્ચે લાંબાગાળાની સહભાગિતાનો પ્રારંભ
રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝની પરોપકારી શાખા ‘ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન’ દ્વારા લાંબાગાળાની સહભાગિતા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેનો હેતુ સમગ્ર ભારતમાં દસ લાખ બાળકીઓ અને યુવતીઓના સશક્તિકરણનો છે.
આ કાર્યક્રમ 14 થી 20 વર્ષની વયની ગ્રામીણ અને શહેરી બંને સમુદાયોની બાળકીઓ અને યુવતીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે, તે અંતર્ગત તેમનામાં જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેની શરૂઆત ભારતના મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી થશે, ભવિષ્યમાં દેશના અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણ કરવાની યોજના છે. આ પહેલ યુવતીઓ અને બાળકીઓમાં ડિજિટલ તેમજ નાણાકીય સાક્ષરતા ફેલાવવામાં મદદ કરશે અને તેમને શૈક્ષણિક અભ્યાસક્રમો, તાલીમ અને આજીવિકા જેવા ભવિષ્યના માર્ગો વિશે માહિતગાર કરશે, જેથી તેઓ પોતાના જીવનના આગામી તબક્કા વિશે યોગ્ય નિર્ણય લઈ શકે.
આ ભાગીદારી અંગે વાત કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર સુશ્રી ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “હું માનું છું કે દરેક બાળકી પાસે મોટું સપનું જોવાનો આત્મવિશ્વાસ, નેતૃત્વ કરવાની હિંમત અને પોતાની આકાંક્ષાઓ પૂરી કરવાની તક હોવી જોઈએ. મને ખુશી છે કે આ ભાગીદારી થકી રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન એક મિલિયન બાળકીઓ અને યુવતીઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે જરૂરી મક્કમતા પૂરી પાડવા માટે એક થઈ રહ્યા છે – જે વ્યક્તિથી લઈને તેમના પરિવાર અને સમગ્ર સમુદાય સુધી વિસ્તરતા એક શક્તિશાળી પરિવર્તનની શરૂઆત કરશે.”
આ અંગે ધ એસ્ટે લોડર કંપનીઝના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તથા ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી સ્ટેફન ડી લા ફેવેરીએ જણાવ્યું હતું કે “ભારતમાં બાળકીઓ અને યુવતીઓ માટે વધુ તકો ઊભી કરવા રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે, જે તેમનામાં આધુનિક કાર્યો માટેના માનવસમૂહમાં જોડાવા માટે અને સફળ થવા માટે જરૂરી કૌશલ્યોનું નિર્માણ કરશે. ધ એસ્ટે લોડર કંપનીઝની સ્થાપના એક અસાધારણ મહિલા ઉદ્યોગસાહસિક દ્વારા કરવામાં આવી હતી અને આજે આપણી વૈશ્વિક કાર્યક્ષમતામાં મહિલાઓનો હિસ્સો 80 ટકા કરતાં પણ વધુ છે. જ્યારે મહિલાઓને શીખવાની, નેતૃત્વ કરવાની અને પોતાનું ભવિષ્ય જાતે ઘડવાની તક મળે છે ત્યારે તેઓ જે જબરદસ્ત અસર ઊભી કરી શકે છે તે આપણે જાણીએ છીએ. વધુ મહિલાઓ અને યુવતીઓને તેમની ક્ષમતાઓને ઓળખવામાં અને ભવિષ્યને નવો આકાર આપવામાં મદદ કરવા માટે એકસાથે કામ કરવા માટે અમે ઉત્સાહિત છીએ.”
મહિલાઓ અને યુવતીઓની પ્રગતિને આગળ ધપાવવા માટેનો એક સહિયારો સંકલ્પ
મહિલાઓ અને યુવતીઓની પ્રગતિને આગળ ધપાવવાના સહિયારા સંકલ્પ સાથે આ કાર્યક્રમ બે સંસ્થાઓને એકસાથે લાવે છે. આ ભાગીદારી એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતનો આર્થિક વિકાસ અભૂતપૂર્વ તકો રજૂ કરી રહ્યો છે, જ્યાં કાર્યક્ષમ માનવસમૂહમાં મહિલાઓની ભાગીદારી વધારવી એ પરિવર્તન માટેની એક મુખ્ય ચાવી બની રહેશે.
રિલાયન્સ ફાઉન્ડેશન મહિલાઓ અને યુવતીઓના સશક્તીકરણની પરિવર્તનકારી શક્તિમાં વિશ્વાસ ધરાવે છે. 2010 થી વિવિધ લક્ષ્યાંકો સાથેની પહેલો દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન શિક્ષણ, રમતગમત અને આજીવિકાની તકોમાં વધારો કરી રહ્યું છે, જેનાથી સર્વગ્રાહી રીતે મહિલાઓ અને યુવતીઓ આત્મનિર્ભર અને સક્ષમ બની રહી છે.
આ નવી ભાગીદારી ધ એસ્ટે લોડર કંપનીઝની ભારત પ્રત્યેની લાંબા સમયની પરોપકારી પ્રતિબદ્ધતા પર આધારિત છે. 20 કરતાં વધુ વર્ષોથી ધ એસ્ટે લોડર કંપનીઝ અને તેનું ચેરિટેબલ ફાઉન્ડેશન ભારતમાં વિવિધ એનજીઓ સાથે ભાગીદારી કરી રહ્યા છે, જે મહિલાઓ અને યુવતીઓને આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતા થકી તેમને સમૃદ્ધ બનાવવા અને આગળ વધવા માટે સક્ષમ બનાવે છે.
રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરવામાં આવેલો આ કાર્યક્રમ મુખ્યત્વે નીચેની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે:
જીવન કૌશલ્ય: આત્મવિશ્વાસ અને આત્મસન્માનનું નિર્માણ કરવું, નિર્ણય લેવાની ક્ષમતા અને નેતૃત્વને મજબૂત બનાવવું અને રોજિંદા પડકારોનો સામનો કરવા માટેના કૌશલ્યો વિકસાવવા.
ડિજિટલ અને નાણાકીય સાક્ષરતા: ડિજિટલ સાધનો અને નાણાકીય સેવાઓનો સુરક્ષિત અને અસરકારક રીતે ઉપયોગ કરવા માટે જ્ઞાન અને આત્મવિશ્વાસ કેળવવો.
પસંદગી અને સ્વતંત્રતા: યુવતીઓને યોગ્ય નિર્ણયો લેવા અને તેમની સુરક્ષા, ગતિશીલતા, શિક્ષણ અને રોજગારીની તકો પર સામાજિક તેમજ સાંસ્કૃતિક પ્રભાવો સાથે સક્ષમ રીતે પરિસ્થિતિનો સામનો કરવા માટે આત્મવિશ્વાસ અને કૌશલ્યો કેળવવામાં મદદ કરવી.
ભવિષ્યના માર્ગો વિશે માહિતી પૂરી પાડવી: શિક્ષણ, આજીવિકા, રોજગાર અને ઉદ્યોગસાહસિકતા સહિતના ભવિષ્યના માર્ગો અંગેની માહિતી પૂરી પાડવી, જેથી યુવતીઓ તેમની પાસે ઉપલબ્ધ વિકલ્પોની વધુ સારી સમજ મેળવી શકે.
આ પહેલને બિન-નફાકારક સંસ્થા ‘ગર્લ ઇફેક્ટ’ સાથે મળીને તૈયાર કરવામાં આવી રહી છે, જેનો હેતુ બાળકીઓ માટેના અભ્યાસક્રમ અને શિક્ષણ સંસાધનો વિકસાવવામાં સંસ્થાના નિષ્ણાત જ્ઞાનનો લાભ લેવાનો છે. આ બે-વર્ષીય કાર્યક્રમ તળિયાના વિવિધ સ્તરના અમલીકરણ માટેના ભાગીદારો સાથે મળીને કામ કરીને પ્રત્યક્ષ અને ડિજિટલ તાલીમ તેમજ ક્ષમતા નિર્માણ પૂરું પાડશે.
આ કાર્યક્રમ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન મહિલાઓ અને યુવતીઓ માટે પ્રગતિ, તકો અને સશક્તીકરણને ઝડપી બનાવવાના તેમના સહિયારા વિઝનને આગળ ધપાવી રહ્યા છે.
રિલાયન્સ ફાઉન્ડેશન વિશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પરોપકારી શાખા રિલાયન્સ ફાઉન્ડેશનનો હેતુ નવીન અને ટકાઉ ઉકેલો દ્વારા ભારતના વિકાસલક્ષી પડકારો ઉકેલવામાં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો છે. સંસ્થાના સ્થાપક અને ચેરપર્સન શ્રીમતી નીતા એમ. અંબાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રામીણ પરિવર્તન, શિક્ષણ, આરોગ્ય, વિકાસ માટે રમતગમત, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મહિલા સશક્તીકરણ, શહેરી નવીનીકરણ અને કળા, સંસ્કૃતિ તથા વારસા પર ધ્યાન કેન્દ્રિત કરીને સૌના સર્વાંગી કલ્યાણ અને સુધારેલી જીવનશૈલી માટે સતત કાર્યરત છે. સંસ્થાએ સમગ્ર ભારતના 98,000થી વધુ ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં 10 કરોડથી વધુ લોકોના જીવનને સ્પર્શ્યું છે. વધુ માહિતી માટે www.reliancefoundation.org જૂઓ.
ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન વિશે
ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન (ELCCF) પ્રેસ્ટિજ બ્યુટી ક્ષેત્રે અગ્રેસર ‘ધ એસ્ટે લોડર કંપનીઝ’ની વૈશ્વિક પરોપકારી શાખા છે. ધ એસ્ટે લોડર કંપનીઝ અને શ્રીમતી એસ્ટે લોડરના વારસાને કાર્યોમાં પરિવર્તિત કરીને ELCCF એવા બિન-નફાકારક સંગઠનોને મદદ પૂરી પાડે છે જે આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગસાહસિકતાની પરિવર્તનકારી શક્તિ દ્વારા મહિલાઓ અને યુવતીઓને સમૃદ્ધ અને આગળ વધવા માટે સક્ષમ બનાવે છે. આ ફાઉન્ડેશન વિશ્વભરના એવા કાર્યક્રમોમાં રોકાણ કરે છે જે મહિલાઓ અને યુવતીઓ માટે કારકિર્દીની તૈયારી, વર્કફોર્સમાં ભાગીદારી અને નેતૃત્વના વિકાસને મજબૂત બનાવે છે, તેમજ સ્તન કેન્સર અને મહિલાઓના સ્વાસ્થ્ય ક્ષેત્રે નવીનતમ સંશોધનો કરતા વિજ્ઞાનીઓ અને નિષ્ણાતોને સહયોગ આપે છે.













