સંઘર્ષમાંથી ઉગરેલા સેલેબ્રિટી
લોક પત્રિકા સ્પેશિયલ
Ahmedabad News: મારે તો હવે 50 વર્ષ થઈ ગયા, નિવૃત્તી લઈ લેવી છે…. 50 વર્ષ થયા બાળકો પણ કામે લાગી ગયા હવે મારે કામ કરવાની શું જરૂર છે?… અમુક ઉંમર થાય પછી કામ ન કરાય અને શાંતિથી બેસી જવાય…. આવા અલગ અલગ વાક્યો તમારા અડોશ-પડોશમાં તમે કદાચ દિવસમાં એકવાર તો સાંભળતા જ હશો. પરંતુ અમુક લોકો આવી કેટેગરીમાં નથી આવતા. તેઓ ક્યારેય હારવાનું કે થંભવાનું નામ નથી લેતા. ઉંમર એમના માટે ખરેખર એક નંબર જ છે એનાથી વિશેષ કંઈ જ નહીં. આજે જે શખ્સિયત વિશે વાત કરવી છે તેઓનો જુસ્સો પણ જીવવની અડધી સદીએ હિમાલય જેવો અડગ છે. ઉપરથી તેઓના બાળકો નોકરીએ લાગી ગયા છતાં પણ દરરોજના 12 કલાક કામ કરી રહ્યા છે. વકીલ તો છે જ છે પણ સૌથી પહેલા તો સમાજ માટે તેઓ એક જોશ અને જુસ્સો પુરુ પાડતું વ્યક્તિત્વ છે. તો આવો મળીએ 49 વર્ષના હાઈકોર્ટના એડવોકેટ જિતેન્દ્ર નાવાણીને….
મૂળ ગાંધીધામ કચ્છના અને હાલમાં અમદાવાદ ખાતે હાઈકોર્ટમાં ફરજ બજાવતા એડવોકેટ જિતેન્દ્ર નાવાણીનું બાળપણ કચ્છમાં જ વિત્યું. માતા હાઉસ અને પિતા નોકરી કરતા. પ્રાથમિક શિક્ષણથી લઈને બીકોમ અને એમબીએ પણ વતનમાં જ કર્યું. ત્યારબાદ 1996માં તેઓ વકીલ બની ગયા. પરંતુ ત્યારે સનદ નહોતી લીધી. પિતા પણ એક પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા અને બાજુમાં કન્સ્ટ્રક્શનનો બિઝનેસ પણ ચાલતો હતો. પારિવારિક જવાબદારી અને અમુક સંજોગોના કારણે તેઓએ સનદ લેવાને બદલે પિતાનો બિઝનેસ અને ત્યાં કામ કરવાનું નક્કી કર્યું. 1996થી 2022 સુધી જીવનમાં અનેક ચઢાવ પડાવ આવ્યા. ક્યારેક નફો તો ક્યારેય નુકસાન ભોગવ્યું. લગ્ન પણ થયા અને બે બાળકો પણ થયાં. પરંતુ પછી ધંધામા એટલું નુકસાન થયું કે સીધા રસ્તા પર આવી ગયા. જો કે હવે આર્થિક પરિસ્થિતિ ઘણી સારી છે. દીકરો પણ નોકરી કરે છે અને પોતે પણ વકીલ તરીકે સમગ્ર ગુજરાતમાં ખુબ સારી છાપ ધરાવે છે.
જો કે આજે જે જગ્યાએ ગર્વ સાથે નામ લેવાય છે ત્યાં પહોંચવું એડવોકેટ જિતેન્દ્ર નાવાણી માટે એટલું સરળ નહોતું. જ્યારે તેઓ બિઝનેસમાં મોટા નુકસાન સાથે રસ્તા પર આવી ગયા ત્યારે ફરીથી અંદર જે વકીલનો જીવ જીવતો હતો, જે શોખ જીવતો હતો, જે ઈચ્છા મરણ પથારીએ હતી, જે તમન્ના અધુરી હતી, એ જીવતી કરી અને 2022માં સનદ મેળવી કાળો કોર્ટ પહેરી લીધો. હવે આજીવન આ જ ફિલ્ડમાં આગળ વધીને ટોપ કરવાનું મનમાં નક્કી કરી લીધું. પરિવારને ટેકો બનવા માટે જે સપનાને બાજુ પર મૂકી દીધા હતા, હવે એ જ સપના જીવતા કર્યા અને એડવોકેટ જિતેન્દ્ર નાવાણી સપના સાકાર કરવા માટે આજની તારીખે પણ ખૂબ દોડી રહ્યા છે. 49 વર્ષની ઉંમરે પણ 12 કલાક કામ કરી રહ્યા છે. થાકવાનું કે હારવાનું એમના જીવવની ડિક્શનરીમાં જ કદાચ નથી.
સિદ્ધિ વિશે વાત કરીએ તો આમ તો 1996માં તેઓએ જે ડિગ્રી મેળવી એના પર પણ કેસ લડી શકે એવી હાલત હતી. તેમ છતાં તેઓએ ફરીથી કોલેજમાં અભ્યાસ અર્થે એડમિશન લીધું અને 2019થી 2022 સુધી વકીલાતનો અભ્યાસ કર્યો. ત્યારે કોલેજમાં બીજા નંબરે ઉતીર્ણ થઈને આખા ગામને જોતા રાખી દીધા હતા. 2019માં ડિગ્રી માટે ફરીથી તોલાણી-મોટવાણી ઈન્સ્ટિટ્યુડ ઓફ લો આદિપુર કચ્છમાં એડમિશન લીધું હતું. માત્ર અભ્યાસ કર્યો એટલું જ નહીં. સાથે સાથે આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કામ પણ કર્યું અને ટ્રેનિંગ પણ લીધી. જૂન 2023માં Master’s Degree LL.M પણ પ્રાપ્ત કરી અને દુનિયાને એક અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું. 2023ના ડિસેમ્બરમાં આ ડિગ્રી માટે એક કોન્વોકેશન પણ રાખવામાં આવ્યું હતું અને ત્યારે જિતેન્દ્રભાઈને જોઈને બધા ચકિત રહી ગયા હતા.
જિતેન્દ્રભાઈ પોતાના વકીલાતના અભ્યાસ વિશે વાત કરે છે મારી 70 લોકોની બેંચ હતી. મારા શિક્ષક પણ મારા કરતાં નાની ઉમરના હતા. આખા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ મારા સંતાનની ઉંમરના હતા. ઘણા લોકો મારી પર હસતા તો ઘણા લોકો સપોર્ટ પણ કરતાં. પરંતુ મને લોકોના મેણાં ટોણાં કરતા મારું પેશન અને મારી ઈચ્છા વધારે વ્હાલી હતી, જેથી આવી કોઈ જ વાતથી કે નેગેટિવ એનર્જીથી મને ફરક ન પડતો અને હું ઉંમરના આ પડાવે પણ આગળ વધતો ગતો. આજે જે પદ પર છું ત્યાં પહોંચવાનો અનેરો આનંદ છે અને હવે પરિસ્થિતિ એવી છે કે જે લોકો આવા મેંણા ટોંણા મારતા હતા એ લોકોની બોલતી પણ બંધ થઈ ગઈ છે.
જિતેન્દ્રભાઈને હાલમાં 2 સંતાન છે. એક 24 વર્ષનો દીકરો કે જે ડોક્ટર છે અને બીજો 15 વર્ષનો દીકરો કે જે 10માં ધોરણમાં અભ્યાસ કરી રહ્યો છે. બાળકો કહે છે કે અમારા માટે પિતા આદર્શ સમાન છે. એમને જોઈને કામ કરવાની ગતિ વધી જાય છે. આખા સમાજને હિંમત અને આત્મવિશ્વાસનું એક ઉદાહરણ પુરુ પાડ્યું છે. રોજ 12 કલાક કામ કરે એ જોઈને અમને પણ જીવનમાં કોઈ દિવસ થાકવાનું મગજમાં પણ નથી આવતું. આ દુનિયા માત્ર વાત કરતી પણ મારા પિતાએ તો સાબિત કરી દીધું કે ઉંમર માત્ર આંકડો જ છે. મહેનતથી તમે હંમેશા યુવાન જ રહી શકો એ વાત આજે મારા પિતાને જોઈ દુનિયા શીખે છે.
2022માં સનદ લઈને એડવોકેટ જિતેન્દ્રભાઈની એક નવી જ યાત્રા શરૂ થઈ. હજુ તો એક વર્ષ જ થયું ત્યાં જિતેન્દ્રભાઈએ 30-35 કેસ લડી રહ્યા છે. એમાં ઘણા એવા કેસ છે કે જે ખુંખાર છે. છતાં જિતેન્દ્રભાઈએ આ ચેલેન્જ સ્વીકારી અને હાઈકોર્ટમાં પણ પોતાની કળા દર્શાવી રહ્યા છે. ખુંખાસ કેસ વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે એક જીઈબીનો કેસ છે કે આખા ગુજરાતમાંથી 150 કર્મચારી એવા છે કે જે સરકારના ચોપડે નામ જ નથી. 25 વર્ષથી આ લોકો લડી રહ્યા છે. સરકાર વિરુદ્ધનો આ મોટો કેમ હાલમાં હું લડી રહ્યો છું અને છેલ્લા એક વર્ષથી મારા હાથમાં છે. હું હાલમાં એવો પ્રયત્ન કરી રહ્યો છું કે એમને પણ ન્યાય મળે અને 150 પરિવારની જિંદગી સુધરી જાય.
પોતાના જીવન વિશે જણાવે છે કે કિસ્મત જ્યાં લઈ ગઈ ત્યાં હું ગયો છું, પરંતુ મે ક્યારેય હિંમત્ત નથી હારી. આ બધું જ હું શીખ્યો છું અજમલભાઈ સોલંકી પાસેથી. સિનિયર કાઉન્સેલ એડવોકેટ અજમલ સોલંકી પાસેથી મે વકીલાતની ટ્રેનિંગ લીધી હતી. આજે હું આ ફિલ્ડમાં જે પણ કંઈ છું તો એમના આશીર્વાદના લીધે જ છું. મને એકડે એકથી વકીલાતનું નોલેજ આપ્યું અને ક્યો કેસ કેવા પ્રકારે લડી શકાય એની સુપેરે માહિતી આપી. જ્યારે પણ જીવનમાં હું અટવાયો છું ત્યારે એક ગુરુ અને વડીલ તરીકે અજમલ સોલંકીએ મારો હાથ પકડીને મને મુસીબતોમાંથી બહાર કાઢ્યો છું. જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ છે ત્યાં સુધી હું એમને ભૂલી નહીં શકું અને એમનું ઋણ પણ અદા નહીં કરી શકું. મારા જીવનમાં મારા માતા પિતાએ પણ દરેક પળે અને દરેક પરિસ્થિતિમાં મને સાથ સહકાર આપ્યો. મારા એલ એલ બી દરમિયાન પ્રોફેસર શ્વેતા શરમા મેમ પણ ખુબ જ મહત્વના જ્ઞાની રહ્યા અને એલ એલ એમ દરમિયાન પ્રોફેસર સુજા નાયર મેમે પણ મને વકીલાત શીખવવામાં ખુબ મોટો ફાળો આપ્યો.
આજની યુવા પેઢી અને એમના હરોળના મિત્રોને સંદેશ આપવા માગે છે કે ક્યારેય જીવનમાં હાર ન માનવી અને આળસું ન બનવું. ઉંમર અને પરિસ્થિતિ તો બદલાતા રહેશે. પરંતુ તમારો જોશ કે જુસ્સો બદલવો ના જોઈએ. તમે કામમાં આળસ કરશો તો તમારી અંદર નેગેટિવ વૃતિ વિકાસ પામશે અને જીવનને પાંગળું બનાવી દેશે. મે આજે આટલી ઉંમરે ડિગ્રી લેવાનું નક્કી કરી ફરીથી વકીલાત શરૂ કરી ત્યારે બે ઘડી એવા વિચાર આવતા કે બાળકો કમાઈ છે તો આપણે શું જરૂર છે. પરંતુ મે એ વિચારને ક્યારેય મારા પર ભારે નથી થવા દીધો. હું હંમેશા મારી ઈચ્છા અને મારા પેશનને ફોલો કરતો રહ્યો. આજે બઘું જ સારુ છે. પરંતુ જીવનમાં જ્યારે કંઈ ખરાબ હોય ત્યારે એમને સારુ કરવા આવડવું જોઈએ તો જ ખરી રીતે જીવન જીવ્યા કહેવાય.