સુરત ઉધનામાં બેફામ કારચાલકે 8 વાહનોને અડફેટે લેતા અનેક ઈજાગ્રસ્ત, લોકોએ કારચાલકને પકડી પોલીસને સોંપ્યો
સુરતના ઉધના વિસ્તારમાં એક બેફામ કારચાલકની અવિચારી ડ્રાઇવિંગના કારણે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખરવરનગરથી અકસ્માત સર્જવાનું શરૂ કરીને આ કારચાલક ઉધના તરફ આવ્યો હતો અને માર્ગ પર જઈ રહેલા 7 થી 8 વાહનોને એક પછી એક જોરદાર અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં અનેક વાહનચાલકો અને રાહદારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ કારચાલકને પકડી પાડ્યો હતો અને ગુસ્સે ભરાયેલા ટોળાએ તેને માર માર્યો હતો.
ખરવરનગરથી ઉધના સુધી કારચાલકનો આતંક
પ્રાપ્ત માહિતી અનુસાર, કારચાલકે ખરવરનગર નજીકથી અકસ્માત સર્જવાની શરૂઆત કરી હતી. પૂરપાટ ઝડપે આવી રહેલી કારે માર્ગ પરથી પસાર થઈ રહેલા ૭ થી ૮ જેટલા નાના-મોટા વાહનોને હવામાં ઉછાળ્યા હતા. અકસ્માતના આ ભયાનક દ્રશ્યો જોઈને માર્ગ પર દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

આક્રોશિત લોકોએ કારચાલકને ઝડપીને માર માર્યો
અકસ્માતોની શ્રેણી સર્જ્યા બાદ કારચાલક ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ સ્થાનિક લોકો અને રાહદારીઓએ હિંમત દાખવીને તેને ઘેરી લીધો હતો અને ઝડપી પાડ્યો હતો. કારચાલકની અવિચારી ગોઝારી ડ્રાઇવિંગથી રોષે ભરાયેલા ટોળાએ તેને સ્થળ પર જ પાઠ ભણાવ્યો હતો, જેમાં કારચાલક પોતે પણ ઈજાગ્રસ્ત થયો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં યોજાયો BRE સમિટ રોડ શો, ગુજરાત બન્યું ગ્રીન એનર્જીનું પાવરહાઉસ
ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા, પોલીસે તપાસ હાથ ધરી
- આ ઘટના અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
- અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા સામાન્ય નાગરિકોને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
- આક્રોશિત લોકોના મારથી ઈજાગ્રસ્ત થયેલા કારચાલકને પણ સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો છે.
ઘટનાની માહિતી મળતા જ ઉધના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કારચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં અને સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

