અમદાવાદ-મુંબઈ રૂટ પર વંદે ભારત ફ્રેઈટ ટ્રેનનું 130 કિમીની ઝડપે સફળ ટ્રાયલ, સુપરફાસ્ટ પાર્સલ સેવા શરૂ થશે
અમદાવાદ-મુંબઈ રૂટ પર 130 કિમી/કલાકની ઝડપે વંદે ભારત ફ્રેઈટ ટ્રેન (માલવાહક ટ્રેન)નું ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યું હતું. રેલવેની ‘રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન’ (RDSO) દ્વારા હાથ ધરવામાં આવેલા આ ટ્રાયલ બાદ, ટ્રેન રવિવારે સવારે 9:00 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી રવાના થઈ અને અમદાવાદ પહોંચી. બે દિવસીય ટ્રાયલમાં અમદાવાદ-વડોદરા-મુંબઈ સેન્ટ્રલ વિભાગ અને પરત મુસાફરીનો સમાવેશ થતો હતો.
રેલવેના સત્તાવાર નિવેદન અનુસાર, સુપરફાસ્ટ પાર્સલ સેવાઓ માટેની ક્ષમતા ચકાસવા માટે વંદે ભારત ફ્રેઈટ EMU રેક (ટ્રેન સેટ)નું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. ટ્રાયલ દરમિયાન ટ્રેન 50% પેલોડ અને 20.32 ટનના એક્સલ લોડ સાથે ચલાવવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય એ જાણવાનો હતો કે શું આ રેક રૂટ પર લાગુ કાયમી અને કામચલાઉ ગતિ મર્યાદાઓનું પાલન કરીને 130 કિમી/કલાકની મહત્તમ વિભાગીય ગતિ પ્રાપ્ત કરી શકે છે કે કેમ.
RDSOની ટીમ અમદાવાદ ડિવિઝનના મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિગ્નલિંગ એન્ડ ટેલિકોમ્યુનિકેશન વિભાગોના સહયોગથી ફ્રેઈટ રેક પર સાધનો સ્થાપિત કરવાનું કામ કરી રહી છે.
પાર્સલ લોડિંગ માટે રોલર-ફ્લોર સિસ્ટમ
વંદે ભારત શ્રેણીના આધારે વિકસાવવામાં આવેલી, 16-કોચની વંદે ભારત ફ્રેઈટ EMUને પાર્સલ અને અન્ય માલસામાનના હાઈ-સ્પીડ પરિવહન માટે ડિઝાઈન કરવામાં આવી છે. તેને ચેન્નાઈ સ્થિત ‘ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી’ (ICF) દ્વારા વિકસાવવામાં આવી છે. આ ટ્રેનમાં પાર્સલના સરળ લોડિંગ માટે ખાસ રોલર-ફ્લોર સિસ્ટમ અને માલસામાનના સંચાલન માટે સ્વચાલિત પહોળા સ્લાઇડિંગ દરવાજાની સુવિધા છે. તેમાં તાપમાન-સંવેદનશીલ માલસામાનના પરિવહન માટે તાપમાન-નિયંત્રિત (રીફર) સુવિધાઓ તેમજ CCTV સર્વેલન્સ અને ફાયર ડિટેક્શન સિસ્ટમ્સનો પણ સમાવેશ થાય છે.
અગાઉ 145 કિમી/કલાકની ઝડપ હાંસલ કરી ચૂકેલી વંદે ભારત ફ્રેઈટ રેકનું ‘વેસ્ટ સેન્ટ્રલ રેલવે’ ઝોનમાં હાઈ-સ્પીડ ટ્રાયલ થઈ ચૂક્યું છે. આ રેકે નાગદા-કોટા-સવાઈ માધોપુર રૂટના ચૌમહલા-શામગઢ-ગુરલા વિભાગ પર ખાલી સ્થિતિમાં ૧૪૫ કિમી/કલાકની ઝડપ હાંસલ કરી હતી. તે પરીક્ષણ દરમિયાન RDSO અને ICFની ટીમોએ રેક (ટ્રેન)ની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
અમદાવાદ-મુંબઈ સેક્શન પરના આ ટ્રાયલથી ‘વંદે ભારત’ ફ્રેઈટ EMUની કામગીરી અને વેસ્ટર્ન રેલવે નેટવર્ક પર હાઈ-સ્પીડ પાર્સલ તથા માલસામાનના પરિવહન માટે તેની યોગ્યતા અંગે વધારાની ઓપરેશનલ માહિતી મળવાની અપેક્ષા છે. વ્યસ્ત અમદાવાદ-મુંબઈ કોરિડોર પર ઝડપી પાર્સલ અને માલસામાન સેવાઓ માટે ‘વંદે ભારત’ પ્લેટફોર્મના ઉપયોગની વ્યવહારુ શક્યતા ચકાસવાના હેતુથી આ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યો હતો.












