કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા
પેપર લીક પ્રકરણને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો વચ્ચે હવે ગુજરાતમાં પણ વિરોધનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા, જ્યારે પોલીસે અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી.

મળતી માહિતી મુજબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં રાજીવ ગાંધી ભવન ખાતે બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો કાર્યાલયની બહાર આવી વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. કાર્યકરોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા અને શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા તેમજ જવાબદારી નક્કી કરવાની માંગ સાથે રસ્તા પર ધરણા કર્યા હતા.
પોલીસે વિરોધ કરતાં કોંગી નેતાઓની અટકાયત કરી
વિરોધ પ્રદર્શન બાદ કોંગ્રેસના નેતાઓએ વિરોધ કૂચ પણ શરૂ કરી હતી. ચાર રસ્તા નજીક પહોંચતા પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
વિરોધ વધુ ઉગ્ર બનતા કેટલાક કાર્યકરો પોલીસના વાહનો પર ચઢી ગયા હતા અને સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિતના કેટલાક નેતાઓ રસ્તા પર બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો.
પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના નેતાઓ, મહિલા કાર્યકરો અને અન્ય કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ વાહનોમાં બેસાડી સ્થળ પરથી ખસેડ્યા હતા. આ દરમિયાન થોડા સમય માટે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
કોંગ્રેસ દ્વારા પેપર લીક મુદ્દે જવાબદારી નક્કી કરવાની, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની અને સંબંધિત શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ પોલીસે જણાવ્યું છે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાએ રાજ્યના રાજકીય માહોલમાં વધુ ગરમાવો લાવ્યો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય ઘમાસાણ જાેવા મળી શકે છે.

