અનંત અંબાણીએ સામુદાયિક પશુ-પ્રાણીઓના કલ્યાણ માટે રાષ્ટ્રવ્યાપી પહેલ ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ લોન્ચ કરી
વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને પ્રાણી કલ્યાણ પ્રત્યે સમર્પિત પરોપકારી અનંત એમ. અંબાણીએ વ્યવહારુ અને ટકાઉ ઉકેલો દ્વારા સામુદાયિક પ્રાણી કલ્યાણને મજબૂત બનાવવા માટે વનતારાની નવી પહેલ ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ની જાહેરાત કરી છે.
આ પહેલ સમગ્ર ભારતમાંથી ૫૦થી વધુ એવી પ્રાણી કલ્યાણ સંસ્થાઓને જોડવામાં આવી છે, જે શેરીના કે સામુદાયિક શ્વાન, બિલાડીઓ અને મોટા પ્રાણીઓની સંભાળ રાખે છે તેમજ પશુચિકિત્સા માટે હોસ્પિટલ સેવાઓ, મોબાઈલ રેસ્ક્યુ તથા દીર્ઘકાલીન સંભાળ પૂરી પાડે છે.
‘ચેમ્પિયન્સ ઓફ કેર’ના કેન્દ્રમાં એક સર્વાનુમત રહેલો છે: દરેક સામુદાયિક પ્રાણી સંભાળ, સુરક્ષા અને આત્મગૌરવ મેળવવાને હકદાર છે. આમાં શેરીઓમાં વસતા શ્વાન અને બિલાડીઓ, ત્યજી દેવાયેલા અને કામકરતાં પ્રાણીઓ જેવા કે ગાય-ભેંસ, ગર્દભ અને ઘોડા તેમજ ઈજા, ત્યાગ કે ઉપેક્ષા બાદ બચાવાયેલા પ્રાણીઓનો સમાવેશ થાય છે. આ પૈકી ઘણાં પ્રાણીઓને પશુચિકિત્સા, આશ્રય, પોષણ અને લાંબાગાળાની માવજતની જરૂર હોય છે; જ્યારે સામુદાયિક શ્વાન અને બિલાડીઓ માટે એનિમલ બર્થ કંટ્રોલ (પ્રાણી જન્મ નિયંત્રણ) કાર્યક્રમો સહિત વસ્તી નિયંત્રણ કાર્યક્રમ પણ આવશ્યક છે.
દેશમાં પ્રાણી કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે રચાયેલી વૈધાનિક સલાહકાર સંસ્થા ‘એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા’ (AWBI)ના આઠ સભ્યોએ પણ આ સંમેલનમાં ભાગ લીધો હતો.
આ પહેલ દ્વારા દેશભરમાં વાર્ષિક અંદાજે ૨૦ લાખ પ્રાણીઓને પશુચિકિત્સા, બચાવ, આશ્રય, આહાર અને દીર્ઘકાલીન સંભાળ મારફતે મદદ પહોંચાડવાનો અંદાજ છે.
“એવા અસંખ્ય લોકો છે જેઓ શાંતિપૂર્વક દરરોજ અપાર કરુણા સાથે જરૂરિયાતમંદ પ્રાણીઓની સંભાળ રાખે છે—ઘણીવાર મર્યાદિત સંસાધનો અને બહુ ઓછી કદર થતી હોવા છતાં, તેમનું કાર્ય આપણને યાદ અપાવે છે કે દયાની કોઈ સીમા નથી હોતી અને દરેક જીવન કાળજી, રક્ષણ તથા ગૌરવનું હકદાર છે. ‘ચેમ્પિયન્સ ઓફ કેર’ દ્વારા, અમે આ કાર્યમાં ખભેખભા મિલાવીને ઊભા રહેવા, સામુદાયિક પ્રાણીઓ માટે ઉપલબ્ધ સંભાળને મજબૂત કરવા અને વધુ સંવેદનશીલ ભારતનું નિર્માણ કરવામાં સહયોગી બનવા માંગીએ છીએ. અમારા માટે ‘એવરી લાઈફ મેટર્સ’ (દરેક જીવન મૂલ્યવાન છે)નો સાચો અર્થ આ જ છે,” -– અનંત એમ. અંબાણી
“‘ચેમ્પિયન્સ ઓફ કેર’ને સાકાર કરવા માટે હું શ્રી અનંત અંબાણીજીના દ્રષ્ટિકોણ અને નેતૃત્વની હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. મેં વિશ્વભરમાં પ્રવાસ કર્યો છે, પરંતુ ભાગ્યે જ એવું કોઈ પ્રાણી સંભાળ કેન્દ્ર જોયું છે જ્યાં પ્રાણીઓ માટે આટલી અદ્યતન સુવિધાઓ અને ટેકનોલોજી ઉપલબ્ધ હોય, જેનું સ્તર આપણે મનુષ્યોને પૂરી પાડવા માંગીએ છીએ તેવી ઉત્કૃષ્ટ કાળજીની સમકક્ષ છે. મને સૌથી વધુ સ્પર્શી ગયું હોય તો તે સંસ્થાઓની વાત રૂબરૂ સાંભળવાનો, જમીની સ્તરે તેમની મુશ્કેલીઓને સમજવાનો અને વ્યવહારુ તથા દીર્ઘકાલીન ઉકેલો આપવાનો તેમનો અંગત પ્રયાસ છે. આ સંસ્થાઓને એક મંચ પર લાવીને તેઓ માત્ર તેમના સમર્પણનું સન્માન નથી કરી રહ્યા, પરંતુ પ્રાણીઓની સંભાળ રાખવાની તેમની સામૂહિક ક્ષમતાને પણ મજબૂત કરી રહ્યા છે. સમગ્ર ભારતમાં સામુદાયિક પ્રાણીઓના કરુણામય ભવિષ્ય તરફનું આ એક સાર્થક પગલું છે,” – એસ. પી. ગુપ્તા, પૂર્વ ચેરમેન અને વર્તમાન સભ્ય, AWBI
વનતારા અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓ વચ્ચે પરસ્પર સમજૂતી પત્ર (LoU) પર હસ્તાક્ષર
વનતારા ખાતે યોજાયેલું આ બે દિવસીય સંમેલન ઔપચારિક બેઠકથી ઘણું આગળ વધીને આયોજિત કરાયું હતું. પ્રથમ દિવસે, પ્રતિનિધિઓએ વનતારાનો પ્રત્યક્ષ અનુભવ કર્યો અને જોયું કે કેવી રીતે વિશિષ્ટ સુવિધાઓ, પ્રણાલીઓ અને પદ્ધતિઓ દ્વારા કરુણા વાસ્તવિક સેવામાં પરિણમે છે. વનતારાએ બચાવેલા હાથીઓ તથા સિંહ, વાઘ અને દીપડા સહિતના બિલાડી કુળના મોટા હિંસક વન્યજીવોની સારસંભાળ માટે સમર્પિત સુવિધાઓની તેમણે મુલાકાત લીધી હતી
તેમજ મુક્તપણે વિચરતા તૃણાહારી પ્રાણીઓ જેવા કે ગૌર (બાઇસન), ઝીબ્રા અને વિવિધ હરણ-કાળિયાર પ્રજાતિઓની સંભાળ રાખવામાં આવે છે એવા કુદરતી પર્યાવરણને નિહાળ્યું હતું. આ મુલાકાતે પ્રતિનિધિઓને એ સમજવાની તક પૂરી પાડી કે પ્રાણી કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે શ્રેષ્ઠ પોષણ, પશુચિકિત્સા, આવાસ, વાતાવરણ અનુકૂલન (એનરિચમેન્ટ) અને આજીવન સંભાળ કેવી રીતે એકસાથે કામ કરે છે; જેમાંના ઘણા સિદ્ધાંતો સામુદાયિક પ્રાણીઓની સંભાળ માટે પણ એટલા જ પ્રસ્તુત છે.
સંમેલનના સમાપન પ્રસંગે, પ્રાણીઓની સંભાળ અને કલ્યાણ પ્રત્યેના તેમના સમર્પણ અને અથાક પ્રયાસોની કદરરૂપે દરેક સહભાગી સંસ્થાને શ્રી અનંત અંબાણી દ્વારા હસ્તાક્ષરિત પ્રશંસાપત્ર (સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન) એનાયત કરવામાં આવ્યું હતું.
સંસ્થાઓને જ્યાં સૌથી વધુ જરૂર છે ત્યાં સહાય
આ પહેલ સહભાગી પ્રાણી કલ્યાણ સંસ્થાઓ દ્વારા ઓળખવામાં આવેલી વિવિધ જરૂરિયાતોને સહાય પૂરી પાડશે, જેમાં માળખાગત સુવિધાઓ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર), પ્રાણી આવાસ, એમ્બ્યુલન્સ અને મોબાઈલ સેવાઓ, બચાવ સાધનો અને ઓજારો, નિદાન અને સારવારના ઉપકરણો, તાલીમ અને ક્ષમતા નિર્માણ તેમજ આજીવન સંભાળ માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે.
સંસ્થાઓ વધુ કાર્યક્ષમ, મજબૂત અને ટકાઉ કેન્દ્રો વિકસાવી શકે તે માટે માળખાગત સહાયમાં સોલાર પાવર સિસ્ટમ, રેઇનવોટર હાર્વેસ્ટિંગ (વરસાદી પાણી સંગ્રહ) સિસ્ટમ અને સુધારેલી ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ થશે. કેટલીક સંસ્થાઓએ બાળકો અને યુવાનો માટે શિક્ષણ અને જાગૃતિ કાર્યક્રમો તેમજ ચેપી રોગોના વધતા પ્રમાણને પહોંચી વળવા માટે ક્વોરેન્ટાઇન અને રોગ નિયંત્રણ વ્યવસ્થાપન માળખાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આ પહેલ એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેથી ટકાઉ ઉકેલો પૂરા પાડી શકાય, જે સંસ્થાઓની આંતરિક ક્ષમતાઓને સુદ્રઢ કરે અને ટૂંકા ગાળાની સહાય પરની તેમની નિર્ભરતા ઘટાડે.
રાષ્ટ્રીય સ્તરે મજબૂત નેટવર્કનું નિર્માણ
‘ચેમ્પિયન્સ ઓફ કેર’ની પરિકલ્પના એક વિસ્તરતી રાષ્ટ્રીય પહેલ તરીકે કરાઈ છે, જેમાં આગામી વર્ષોમાં વધુ પ્રાણી કલ્યાણ સંસ્થાઓ આ નેટવર્ક સાથે જોડાય તેવી અપેક્ષા છે. જેમ જેમ આ પહેલ વિસ્તરશે, તેમ તેમ તે સંસ્થાઓને જ્ઞાન અને નિપુણતા વહેંચવાની, ક્ષમતા વધારવાની અને પ્રાણી કલ્યાણ માટે વધુ મજબૂત અભિગમ વિકસાવવાની તકો ઊભી કરશે, જેનાથી સમગ્ર ભારતમાં સામુદાયિક પ્રાણીઓની જરૂરિયાતો પ્રત્યે વધુ સુગ્રથિત સામૂહિક પ્રતિસાદ તૈયાર થશે.
‘એવરી લાઈફ મેટર્સ’નું વિસ્તરણ
‘ચેમ્પિયન્સ ઓફ કેર’ એ ‘એવરી લાઈફ મેટર્સ’ પ્રત્યેની વનતારાની પ્રતિબદ્ધતાનું જ વિસ્તરણ છે. આ વિચાર માત્ર વનતારાની સંભાળ હેઠળના પ્રાણીઓ પૂરતો સીમિત ન રહેતાં, સમગ્ર ભારતમાં સામુદાયિક પ્રાણી કલ્યાણ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ દ્વારા રોજબરોજ સંભાળ મેળવતા અસંખ્ય પ્રાણીઓ સુધી પહોંચે છે. આ સંસ્થાઓના સમર્થનમાં ઊભા રહીને, આ પહેલ સામુદાયિક પ્રાણી કલ્યાણને સશક્ત બનાવવા અને વધુને વધુ મૂંગા જીવોને યોગ્ય સંભાળ, કરુણા અને ગૌરવ મળે તે સુનિશ્ચિત કરવા માંગે છે.













