ફૂટબોલની નવી પેઢીની પ્રતિભાઓની ઓળખ માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનની પહેલ
પરિમલ નથવાણી: ગુજરાતમાં ફૂટબોલના વિશ્લેષણ અને ખેલાડીઓની પ્રતિભા શોધવાની પ્રક્રિયાને આધુનિક બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલા રૂપે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA)એ ગુજરાત સુપર લીગ (GSL)ની ત્રીજી સિઝન દરમિયાન ડેટા-આધારિત સ્પોર્ટ્સ ઇન્ટેલિજન્સ પહેલ શરૂ કરી. જર્મની સ્થિત બૉશ-ઈવૉકો સ્પોર્ટ્સ ઈન્ટલિજન્સ (Bosch-Evoco Sports Intelligence) ના સહયોગથી અમલમાં મુકાયેલી આ પહેલમાં ઉચ્ચ ચોકસાઈ ધરાવતું વિડિયો એનાલિટિક્સ, ખેલાડીઓના વર્તન અને પ્રદર્શનનું ટ્રેકિંગ તથા નિષ્ણાતો દ્વારા પ્રમાણિત મહત્વપૂર્ણ પ્રદર્શન સૂચકાંકો અર્થાત્ કી પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ (KPIs)નો ઉપયોગ કરીને પાયાના સ્તરે ફૂટબોલ પ્રતિભાઓને ઓળખવા અને વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જી.એસ.એલ.ની ત્રીજી સિઝનની મેચો સપ્ટેમ્બર 2026માં અમદાવાદના એકા એરેના ટ્રાન્સસ્ટેડિયા ખાતે રમાઈ હતી.
આ પ્રોજેક્ટ ફૂટબોલ ખેલાડીઓની પ્રતિભા મૂલવવા માટે બૉશ-ઈવૉકો સ્પોર્ટ્સ ઈન્ટલિજન્સ માળખાનો વૈશ્વિક સ્તરે પ્રથમ ઉપયોગ હતો. જી.એસ.એફ.એ.ની આગેવાની હેઠળ હાથ ધરાયેલી આ પહેલ પરંપરાગત સ્કાઉટિંગ પદ્ધતિઓ—જે મુખ્યત્વે મેચનાં પરિણામો અને વ્યક્તિગત નિરીક્ષણ પર આધાર રાખે છે—તેમાંથી આગળ વધીને સર્વાંગી અને પુરાવા-આધારિત અભિગમ તરફનું વ્યૂહાત્મક પરિવર્તન દર્શાવે છે. જી.એસ.એલ.ની ત્રીજી સિઝન દરમિયાન આ પહેલ હેઠળ છ ફ્રેન્ચાઇઝી ટીમોના 133 ખેલાડીઓ સામેલ હોય તેવી તમામ 16 મેચોનું વિશ્લેષણ કરવામાં આવ્યું. આ ટીમો હતી: સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સ, વડોદરા વૉરિયર્સ, ગાંધીનગર જાયન્ટ્સ, અમદાવાદ એવેન્જર્સ, સુરત સ્ટ્રાઇકર્સ અને કર્ણાવતી નાઇટ્સ.
આંતરરાષ્ટ્રીય રમતવિજ્ઞાનીઓ દ્વારા પ્રમાણિત ડાયનેમિક વિડિયો ટ્રેકિંગનો ઉપયોગ કરીને ઈવૉકો સિસ્ટમે ખેલાડીઓનું શારીરિક, ટેક્નિકલ, બૌદ્ધિક, વર્તનાત્મક અને વિકાસલક્ષી પાસાંઓ પર મૂલ્યાંકન કર્યું. આ નિષ્ણાતોમાં ટીએસજી હૉફનહીમ (TSG Hoffenheim) ના ભૂતપૂર્વ વડા અને રમતવિજ્ઞાની પ્રો. ડૉ. જાન મેયરનો પણ સમાવેશ થતો હતો.
આ સિસ્ટમે 133 ખેલાડીઓની વિગતવાર પ્રોફાઇલના આધારે KPIsનાં 1,719થી વધુ અવલોકનો નોંધ્યાં. તેમાં મુખ્ય માપદંડોનો સમાવેશ થતો હતો: (i) પર્ફોર્મન્સ અન્ડર પ્રેશર (PuP) – દબાણભરી મેચ પરિસ્થિતિઓમાં વ્યૂહાત્મક નિર્ણયશક્તિ અને માનસિક સ્વસ્થતા; (ii) એરર રિકવરી ટાઇમ (ERT) – મેદાન પર ભૂલ થયા પછી ખેલાડીની વર્તનાત્મક સ્થિતિસ્થાપકતા અને ભાવનાત્મક પ્રતિભાવ; અને (iii) પ્રત્યક્ષ સ્પર્દ્ધા – પ્રતિસ્પર્ધી સાથેની સામ-સામેની ટક્કરમાં ટેક્નિકલ અને શારીરિક અસરકારકતા.
જી.એસ.એફ.એ. ની આ પહેલનો મુખ્ય હેતુ પરંપરાગત રીતે માત્ર સ્કોરબોર્ડ અને મેચનાં પરિણામો આધારિત સ્કાઉટિંગની મર્યાદાઓ દૂર કરવાનો હતો. સ્પોર્ટ્સ ઇન્ટેલિજન્સના આંકડાઓએ દર્શાવ્યું કે ટીમનું સ્થાન હંમેશાં વ્યક્તિગત ખેલાડીની શ્રેષ્ઠતાનું સાચું પ્રતિબિંબ હોતું નથી. ઉદાહરણ તરીકે, ટુર્નામેન્ટનું ટાઇટલ સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સે જીત્યું હોવા છતાં, વ્યક્તિગત પ્રદર્શનના વિશ્લેષણમાં વડોદરા વૉરિયર્સનો એકંદર પ્રદર્શન સફળતા દર 66.3 ટકા રહ્યો, જે સૌરાષ્ટ્રના 63.1 ટકા કરતાં વધુ હતો. આ માપદંડોના આધારે જી.એસ.એફ.એ ને નીચલા ક્રમે રહેલી ટીમોના એવા શ્રેષ્ઠ ખેલાડીઓને ઓળખવામાં મદદ મળી, જેમનું વ્યક્તિગત યોગદાન અન્યથા નજર બહાર રહી શક્યું હોત.
જી.એસ.એફ.એ. ની આ પહેલનું સૌથી તાત્કાલિક પરિણામ એ છે કે જર્મનીની એક ક્લબમાં અદ્યતન તાલીમ માટે અન્ડર-20 વર્ગના બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. ગાંધીનગર જાયન્ટ્સના અરિહંત રાજપુરોહિત અન્ડર-20 ખેલાડીઓમાં પ્રથમ ક્રમે રહ્યા. તેમનો એકંદર સફળતા દર 82.4 ટકા, સ્ટેબિલિટી ઇન્ડેક્સ 31.59 અને સીધી ટક્કરના મુકાબલાઓમાં સફળતા દર 87.5 ટકા રહ્યો. સૌરાષ્ટ્ર સ્પાર્ટન્સના આશિષ રાણાએ મેચે-મેચે સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું. તેમનો એકંદર સફળતા દર 70 ટકા, સ્ટેબિલિટી ઇન્ડેક્સ 46.4 રહ્યો અને નિરીક્ષણ હેઠળની છમાંથી પાંચ મેચોમાં તેમણે સકારાત્મક યોગદાન આપ્યું. જર્મનીમાં તેમની તાલીમ માટેની વ્યવસ્થા અને જરૂરી કામગીરીને આખરી સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.
આ ભાગીદારી દ્વારા જી.એસ.એફ.એ. એ ભારતમાં આધુનિક રમતગમત વહીવટ માટે એક નવો માપદંડ સ્થાપિત કર્યો છે. જાણીતા ફૂટબોલ વિચારક શ્રી કૌશિક મૌલિકે જી.એસ.એફ.એ. અને બૉશ-ઈવૉકોને એક મંચ પર લાવવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. જી.એસ.એફ.એ– બૉશ-ઈવૉકો પ્રોજેક્ટે દર્શાવ્યું છે કે ડેટા-આધારિત ઇન્ટેલિજન્સ પાયાના સ્તરે પ્રતિભા શોધવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી શકે છે અને ટીમનાં મેચ પરિણામોથી પર રહીને આશાસ્પદ ખેલાડીઓને તેમની જરૂરિયાત મુજબનું કોચિંગ તથા આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ અપાવવામાં મદદરૂપ થઈ શકે છે.
(રાજ્યસભાના સભ્ય પરિમલ નથવાણી ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કોર્પોરેટ અફેર્સના ડિરેક્ટર છે.)









