ઉમરગામથી શરૂ થયેલી ન્યાય યાત્રા અંબાજી પહોંચી, માતાજીના ચરણોમાં ચૈતર વસાવાની મુક્તિ માટે કરી પ્રાર્થના
વિક્રમ સરગરા (અંબાજી) : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં દક્ષિણ ગુજરાતના ઉમરગામથી શરૂ થયેલી આદિવાસી ન્યાય યાત્રાનું અંબાજી ખાતે આગમન સાથે સમાપન થયું હતું. ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવાના નેતૃત્વમાં નીકળેલી આ યાત્રા વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ દાંતા અને હડાદ ખાતે રોકાણ કર્યા બાદ શક્તિ અને ભક્તિના કેન્દ્ર એવા અંબાજી ધામ પહોંચી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા.
અંબાજી પહોંચ્યા બાદ વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવાએ યાત્રામાં જોડાયેલા કાર્યકર્તાઓ સાથે જગતજનની મા અંબાના મંદિરમાં દર્શન કર્યા હતા. આ દરમિયાન મંદિરના શિખર પર ધજા ચઢાવી ચૈતર વસાવાની જેલમાંથી મુક્તિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવામાં આવી હતી. ચૈતર વસાવાને વારંવાર ખોટા કેસોમાં ફસાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરતાં બંને આગેવાનોએ આગામી સમયમાં તેમને ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
આગેવાનોએ જણાવ્યું હતું કે, ચૈતર વસાવા આદિવાસી સમાજના હક અને અધિકારો માટે અવાજ ઉઠાવતા આવ્યા છે. તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ ફરીથી લોકો વચ્ચે આવે તેવી માતાજીને પ્રાર્થના કરી છે. સાથે જ આગામી ચૂંટણીમાં આદિવાસી સમાજ પોતાની એકતા અને તાકાત દ્વારા જવાબ આપશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.
અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ આદિવાસી ન્યાય યાત્રા વિરમપુર પહોંચી હતી, જ્યાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં દાંતા વિધાનસભા વિસ્તારના અંતરિયાળ ગામો સહિત વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો, યુવાનો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. સભામાં જોવા મળેલી જનમેદની અને કાર્યકર્તાઓના ઉત્સાહને પગલે સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાયો હતો.
વિરમપુરની સભામાં ઉમટેલી ભીડને જોતા જાણે આમ આદમી પાર્ટીએ દાંતા વિધાનસભા ક્ષેત્રમાં આગામી 2027ની ચૂંટણી પહેલાં જ શક્તિપ્રદર્શન કર્યું હોય તેવું રાજકીય ચિત્ર જોવા મળ્યું હતું. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાંથી લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિએ આ યાત્રાને રાજકીય દૃષ્ટિએ પણ ચર્ચાનો વિષય બનાવી હતી.
બીજી તરફ, ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી સમાજની એકતા દર્શાવવા માટે આવતીકાલે ગાંધીનગર ખાતે પણ વિશાળ સભા અને શક્તિપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં આદિવાસી સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે.
ઉમરગામથી શરૂ થઈ અંબાજી સુધી પહોંચેલી આ ન્યાય યાત્રા માત્ર ચૈતર વસાવાની મુક્તિની માંગ પૂરતી સીમિત ન રહેતાં આદિવાસી સમાજના રાજકીય સંગઠન અને એકતાના પ્રદર્શન તરીકે પણ સામે આવી છે. હવે ગાંધીનગરમાં યોજાનારી સભા અને આબીગામી 2027ની વિધાનસભા ચૂંટણીમાં આ યાત્રાની કેટલી રાજકીય અસર જોવા મળશે તેના પર સૌની નજર રહેશે.










