અંગ્રેજી ફિલ્મ ‘જૂરાસિક પાર્ક’માં બતાવવામાં આવેલ કાલ્પનિક ડાયનાસોર અને તે ડાયનાસોરની અલગ દુનિયા વાસ્તવિકમાં હતી ? તો જવાબ છે હા. ડાયનાસોરની આ દુનિયા ગુજરાતના બાલાસિનોર ખાતે આવેલી હતી, કરોડો વર્ષ પહેલા બાલાસિનોરમાં મોટી માત્રામાં ડાયનાસોર વસવાટ કરતાં હતા, પણ એવું તે શું બન્યું કે પલકવારમાં જ મહાકાય ડાયનાસોરના યુગનો અંત થઈ ગયો ? બાલાસિનોરને ડાયનાસોરનું ઘર કેમ કહેવામાં આવે છે ? અહીથી કેવી રીતે મળ્યા ડાયનાસોરના અવશેષો ? શું છે ડાયનાસોર પાર્કમાં ? જાણો લોક પત્રિકાના વિશેષ અહેવાલમાં ડાયનાસોરનો ઇતિહાસ…
વર્ષ 1993માં રિલીઝ થયેલ અંગ્રેજી ફિલ્મ ‘જૂરાસિક પાર્ક’ જોઈને સૌ કોઈને ઘેલું લાગ્યું હતું, લોકોએ પહેલી વખત વિરાટકાય ગરોળી જેવા ડાયનાસોરને સિનેમાના પડદે જોઈને ડાયનાસોર યુગના અદ્વિતીય રોમાંચનો અનુભવ કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી આ ડાયનાસોર કયા રહેતા હતા ? ડાયનાસોરનો યુગ કેટલો જૂનો છે ? ડાયનાસોર યુગનો અંત કેમ આવ્યો ? સહિતના અનેક પ્રશ્નો લોકોના મનમાં થતાં આવ્યા છે.. ડાયનાસોરને લગતા આ બધા પ્રશ્નના જવાબ તમને મળશે બાલાસિનોરમાં…
મહીસાગર જિલ્લાનું બાલાસિનોર અને તેની આસપાસનો વિસ્તાર ભારતના જુરાસિક પાર્ક તરીકે પ્રસિદ્ધ છે. બાલાસિનોરની નજીક રૈયોલી ગામે આશરે બાવન હેક્ટર વિસ્તારમાં 65 મિલિયન વર્ષના ગુજરાતનાં ડાયનોસોરના ઈતિહાસની ગાથા કહેતું માહિતીસભર મ્યુઝિયમ અને પાર્ક ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે.
આ ફોસીલ પાર્ક વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો છે અને ભારતનો સર્વ પ્રથમ છે. આ પાર્ક અને સંગ્રહાલયમાં વિવિધ 6 જેટલી માહિતી આપતી ગેલેરીઓ ઊભી કરાઈ છે. અલગ અલગ ડાયનોસોરના મોડેલ્સ, ટચ સ્ક્રીન, સેલ્ફ નેવીગેટર, ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા ધરતીની ઉત્પત્તિથી એનો ઈતિહાસ, વિશાળકાય ડાયનોસોરનું જીવનચક્ર અને ડાયનોસોર કેવી રીતે નાશ પામ્યા એની વિવિધ માહીતી પણ રજૂ કરાવામાં આવી છે.
સૌ પ્રથમ ૧૯૮૩માં બાલાસિનોરના રૈયોલી ગામમાં સાડા છ કરોડ વર્ષ જુના ડાયનાસોરના ઇંડા તેમજ અન્ય અવશેષો મળી આવ્યા હતા. આ જગ્યા પર ખનીજ વિભાગ દ્વારા સંશોધન થતું હતું. આ અવશેષો મળ્યા બાદ આ જગ્યા પર દુનિયાભરના વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ આવવા લાગ્યા. બાલાસિનોરના આલિયા સુલતાન બાબીનો આ પાર્કના વિકાસ પાછળ ખુબ મોટો ફાળો છે. આ જગ્યાએ તમને ડાયનાસોરની ચામડીના અવશેષો, હાડકાઓ, ઈંડાની રીંગો અને અશ્મિભૂત અવશેષો જોવા મળશે.
પેલિયોન્ટોલોજિસ્ટ માને છે કે ડાયનાસોરની લગભગ સાત જાતિઓ અહીં રહેતી હતી. અહીથી સંશોધકો દ્વારા ડાયનાસોરના આશરે દસેક હજાર જેટલાં ઇંડાના અવશેષો શોધ્યા છે. આ વિશ્વની બીજુ સૌથી મોટુ અકુદરતી સ્થળ છે જ્યાંથી ડાયનાસોરના સારી હાલતમાં કેટલાંક ઈડા મળ્યા હોય. જે આ ગામને ડાયનાસોરની વિશ્વની ત્રીજી સૌથી મોટી ફોસીલ વસાહત પણ પૂરવાર કરે છે. અગાઉ ૨૦૦૩માં અહીંથી નવી પ્રજાતિઓ પણ શોધી કાઢવામાં આવી હતી. જ્વાળામુખી ફટવાના લીધે કદાચ ડાયનાસોર યુગનો અંત આવ્યો હોવાનું માનવામાં આવે છે.