Cricket News: ગુરુવારે વિશાખાપટ્ટનમમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારતે ડૉ. વાયએસ રાજશેખર રેડ્ડી ACA VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટે હરાવીને 5 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 208 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 19.5 ઓવરમાં 2 વિકેટે મેચ જીતી લીધી હતી. રિંકુ સિંહ ફરી એકવાર ફિનિશર તરીકે દેખાયો. ભારતને છેલ્લા બોલ પર 1 રનની જરૂર હતી. રિંકુએ સિક્સર ફટકારી હતી, પરંતુ તે શોટ ગણાયો ન હતો અને ટીમ ઈન્ડિયાને 1 રન આપવામાં આવ્યો હતો. આવું કેમ થયું?
ટીમ ઈન્ડિયાને જીતવા માટે છેલ્લી ઓવરમાં 7 રનની જરૂર હતી. ભારતે 5 વિકેટ ગુમાવી દીધી હતી. રિંકુ સિંહ અને અક્ષર પટેલ ક્રિઝ પર હતા. સીન એબોટે ઓવરનો પહેલો બોલ નાખ્યો જેના પર રિંકુ સિંહે ચોગ્ગો ફટકાર્યો. હવે 5 બોલમાં 3 રનની જરૂર હતી. બીજા બોલ પર 1 રન લીધા બાદ રિંકુએ અક્ષરને સ્ટ્રાઇક આપી હતી. ત્રીજા બોલ પર અક્ષર (2 રન) મોટા શોટનો પ્રયાસ કરતી વખતે કેચ આઉટ થયો હતો. ચોથા બોલ પર બેટિંગ કરવા આવેલો રવિ બિશ્નોઈ (0 રન) રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.
સતત બે વિકેટ પડ્યા બાદ અર્શદીપ સિંહ ક્રિઝ પર આવ્યો હતો. રિંકુએ પાંચમો બોલ શોટ કર્યો. અર્શદીપ ((0 રન)) બે રન લેવાના પ્રયાસમાં રનઆઉટ થયો હતો. હવે 1 બોલ પર 1 રનની જરૂર હતી. રિંકુએ છેલ્લા બોલ પર સિક્સર ફટકારીને મેચ પૂરી કરી દીધી, પરંતુ હજુ એક ટ્વિસ્ટ બાકી હતો. અમ્પાયરે શોટ પણ ગણ્યો ન હતા અને 1 રન આપીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. પણ આવું કેમ થયું?
આ કારણે છગ્ગાની ગણતરી કરવામાં આવી ન હતી
ખરેખર થયું એવું કે સીન એબોટનો છેલ્લો બોલ નો બોલ હતો અને ભારતને માત્ર 1 રનની જરૂર હતી. સિક્સર ફટકારતા પહેલા જ ટીમ ઈન્ડિયાને 1 રન મળી ગયો હતો અને ટીમ જીતી ગઈ હતી. આથી રિંકુ સિંહના શોટની ગણતરી ન થઈ અને ભારતે એક બોલ બાકી રહેતા મેચ જીતી લીધી. જો ટીમને એક કરતા વધુ રનની જરૂર હોય તો આ શોટ ચોક્કસપણે ગણાશે. ટીમ અને રિંકુ બંનેના ખાતામાં 6 રન ઉમેરાયા હોત. આ મેચમાં રિંકુ સિંહે 14 બોલમાં 22 રનની મેચ ફિનિશિંગ ઇનિંગ રમી હતી.