પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે એટલે કે રવિવારે વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ‘સુરત ડાયમંડ બુર્સ’નું ઉદ્ઘાટન કરશે. અંદાજે 3,400 કરોડના ખર્ચે 35.54 એકર જમીન પર બનેલ સુરત ડાયમંડ બુર્સ રફ અને પોલિશ્ડ હીરાના વેપાર માટે વૈશ્વિક હબ બનવાની તૈયારીમાં છે. ડાયમંડ બુર્સ એ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત છે, કારણ કે તેમાં 4,500 થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો છે. ઓફિસની ઇમારત પેન્ટાગોન કરતા મોટી છે અને તે દેશનું સૌથી મોટું કસ્ટમ ક્લિયરન્સ હાઉસ છે.
સુરત ડાયમંડ મેન્યુફેક્ચરિંગમાં આગવી વૈશ્વિક ખ્યાતિ ધરાવે છે, ત્યારે આ બુર્સ સાકાર થતાં સુરત હવે ડાયમંડ ટ્રેડિંગનું પણ હબ બની જશે, એ સાથે જ સુરતની વિકાસગાથામાં વધુ એક પ્રકરણનો ઉમેરો થશે. 175 દેશોના વેપારીઓને સુરતમાં પોલિશ્ડ ડાયમંડ ખરીદવાનું આગવું પ્લેટફોર્મ મળશે. વિશેષ વાત એ છે કે, કોઈ એક વ્યક્તિએ કે કંપનીએ નહીં, પરંતુ 4,200 વેપારીઓએ સાથે મળીને SDBનો વર્લ્ડ ક્લાસ પ્રોજેક્ટ સાકાર કર્યો છે.
સુરત ડાયમંડ બુર્સ- પોલિશ્ડ હીરા માટે હબ
આ બિલ્ડિંગમાં 175 દેશોના 4,200 વેપારીઓને સમાવવાની ક્ષમતા છે જે પોલિશ્ડ હીરા ખરીદવા સુરત આવશે. વેપાર સુવિધા અંદાજે 1.5 લાખ લોકોને રોજગારી પૂરી પાડશે, કારણ કે વિશ્વના ખૂણેખૂણેથી હીરા ખરીદનારાઓને સુરતમાં વેપાર કરવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ મળશે. ઉદ્ઘાટન પહેલા જ મુંબઈ સ્થિત ઘણા હીરાના વેપારીઓએ તેમની ઓફિસનો કબજો લઈ લીધો છે. હરાજી બાદ મેનેજમેન્ટ દ્વારા આની ફાળવણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે ઉદ્ઘાટન બાદ પ્રધાનમંત્રી સુરત ડાયમંડ બુર્સ ભવન પાસે એક વિશાળ સભાને સંબોધિત કરશે.
આ પહેલા જુલાઈમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘X’ પરના એક મીડિયા રિપોર્ટ પર પ્રતિક્રિયા આપી હતી જેમાં જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બોર્સે હવે છેલ્લા 80 વર્ષોમાં વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ તરીકે પેન્ટાગોનને પાછળ છોડી દીધું છે.