ગુજરાત હાઈકોર્ટે ભરૂચની જામા મસ્જિદને નોટિસ પાઠવી; વિષ્ણુ શંકર જૈનનો દાવો – અંદર 19મા તીર્થંકરની મૂર્તિ છે
દેશના અન્ય ઘણા રાજ્યોમાં મંદિર-મસ્જિદ વિવાદો બાદ, હવે ગુજરાતમાં પણ આવો જ એક મામલો સામે આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ભરૂચની જામા મસ્જિદને નોટિસ પાઠવી છે. આ નોટિસ એવા દાવાઓના પગલે આપવામાં આવી છે કે, આ સ્થળ વાસ્તવમાં એક જૈન મંદિર છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું કે, ગુજરાત હાઈકોર્ટે ભરૂચ જામા મસ્જિદ મામલે નોટિસ જારી કરી છે. મસ્જિદની અંદર ૧૯મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી આવી હોવાના દાવા બાદ આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. હાલમાં આ મસ્જિદનું સંચાલન ‘જામી મસ્જિદ ટ્રસ્ટ’ દ્વારા કરવામાં આવે છે.
જૈન પક્ષનો દાવો: આ ઐતિહાસિક ‘અશ્વબોધ તીર્થ’ છે
વિષ્ણુ શંકર જૈનનો દાવો છે કે આ ઐતિહાસિક ‘અશ્વબોધ તીર્થ’ છે, જેના પર મુસ્લિમ સમુદાયના લોકોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવ્યો છે. જૈન ધર્મના આ પવિત્ર તીર્થસ્થળને લઈને હવે કાનૂની લડાઈ શરૂ થઈ છે. નોંધનીય છે કે, અરજદારોએ માંગ કરી છે કે ૭૦૦ વર્ષ જૂની જામી મસ્જિદને ‘અશ્વબોધ તીર્થ શકુનિક વિહાર’ જાહેર કરવામાં આવે. એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ પરિસર અને તેના ભોંયરામાં જૈન તીર્થંકર (ભગવાન મલ્લિનાથ) તેમજ અન્ય પ્રાચીન દેવી-દેવતાઓની મૂર્તિઓ અને અવશેષો રહેલા છે.
ગુજરાતની સૌથી જૂની મસ્જિદને નોટિસ પાઠવવામાં આવી
જ્ઞાનવાપી મસ્જિદ (વારાણસી, ઉત્તર પ્રદેશ)
શાહી ઈદગાહ મસ્જિદ (મથુરા, ઉત્તર પ્રદેશ)
સંભલ શાહી જામા મસ્જિદ (સંભલ, ઉત્તર પ્રદેશ)
ભોજશાળા-કમલ મૌલા મસ્જિદ (ધાર, મધ્ય પ્રદેશ)
ભરૂચ જામા મસ્જિદ (ભરૂચ, ગુજરાત)
કુતુબ મિનાર સંકુલ/મસ્જિદ (નવી દિલ્હી)
રેસ કોર્સ અને મદીના મસ્જિદ (નવી દિલ્હી)
મુંબઈ એરપોર્ટ નજીકની મસ્જિદ (મુંબઈ, મહારાષ્ટ્ર)
કોલકાતા એરપોર્ટની જૂની બાંકરા મસ્જિદ (ગૌરીપુર જામા મસ્જિદ) વિવાદ
શિમલા સંજૌલી મસ્જિદ વિવાદ
વૈજ્ઞાનિક તપાસની માંગ
અરજીમાં આ ઐતિહાસિક સ્થળના સ્વરૂપ અંગે વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે અને જૈન શ્રદ્ધાળુઓને ત્યાં પ્રાર્થના કરવાની પરવાનગી આપવા વિનંતી કરવામાં આવી છે. આ જામા મસ્જિદ ૭૦૦ વર્ષ જૂની હોવાનું કહેવાય છે. તે ભરૂચ રેલવે સ્ટેશનથી માત્ર આઠ કિલોમીટર દૂર, ભરૂચ કિલ્લા તરફના ચઢાણ પર આવેલી છે. ૨૬ ઓક્ટોબરે ગુજરાત હાઈકોર્ટે જામા મસ્જિદને નોટિસ પાઠવી હતી. ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ ડી. એમ. દેસાઈએ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) અને મસ્જિદની વ્યવસ્થાપક સમિતિને નોટિસ જારી કરી છે. કોર્ટે તમામ પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે. આગામી દિવસોમાં આ મામલો વિશેષ ચર્ચાનો વિષય બને તેવી શક્યતા છે.














