ઘરમાં 5kW સોલાર પેનલ લગાવવાનો કુલ ખર્ચ કેટલો? જાણો લોડ ક્ષમતા અને વીજળી બિલમાં બચતની વિગતો
તમારી છત પર 5kWની સોલર પેનલ સિસ્ટમ લગાવવાથી તમે દર મહિને હજારો રૂપિયાની બચત કરી શકો છો. સૌર ઊર્જા તમને વીજળીના ભારે માસિક બિલના બોજમાંથી મુક્તિ અપાવે છે. આ માટે કેન્દ્ર સરકારે ‘PM સૂર્ય ઘર યોજના’ શરૂ કરી છે. આ ઉપરાંત ઘણી રાજ્ય સરકારો સોલર પેનલના ઇન્સ્ટોલેશન માટે સબસિડી આપે છે, જેનાથી કુલ ખર્ચમાં ઘટાડો થાય છે.
5kWની સોલર પેનલ સિસ્ટમનો ખર્ચ કેટલો છે?
છત પર 5kWની સોલર સિસ્ટમ લગાવવાનો ખર્ચ સામાન્ય રીતે ₹2.5 લાખથી ₹3.5 લાખની વચ્ચે હોય છે, જે સોલર પેનલની ગુણવત્તા અને પ્રકાર પર આધારિત છે. આ ખર્ચમાં પેનલ્સ ઉપરાંત DCDB, ACDB, વાયરિંગ અને અર્થિંગ સિસ્ટમ જેવા આવશ્યક ઘટકોનો પણ સમાવેશ થાય છે. જોકે જો તમને બેટરી બેકઅપની પણ જરૂર હોય, તો વધારાનો ખર્ચ થશે અને કુલ ખર્ચ ₹4 લાખથી ₹5 લાખની વચ્ચે પહોંચી શકે છે.
સરકારી સબસિડીનો લાભ લેવા માટે નવી નીતિ મુજબ પેનલ્સ ALMM (Approved List of Models and Manufacturers – માન્ય મોડલ્સ અને ઉત્પાદકોની યાદી) માંથી જ મેળવવી ફરજિયાત છે. આ યાદીમાં ફક્ત એવી કંપનીઓનો સમાવેશ થાય છે જે સ્થાનિક બજાર માટે ભારતમાં જ સોલર સેલનું ઉત્પાદન કરે છે.
તે કયા ઉપકરણો ચલાવી શકે છે?
5kWની સોલર પેનલ સિસ્ટમ સરળતાથી બે 1.5-ટન ઇન્વર્ટર AC ચલાવી શકે છે. તમે ગીઝર, વોટર પંપ, વોશિંગ મશીન, રેફ્રિજરેટર અને ઇન્ડક્શન કૂકટોપ જેવા અન્ય ઘરગથ્થુ ઉપકરણો પણ આરામથી ચલાવી શકો છો. 5kWની સિસ્ટમ દર મહિને 400 થી 500 યુનિટ વીજળી ઉત્પન્ન કરી શકે છે.
કેટલી સબસિડી મળે છે?
સરકાર ‘PM સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ હેઠળ રૂફટોપ સોલર પેનલ લગાવવા માટે નોંધપાત્ર સબસિડી આપે છે. આ યોજના હેઠળ, 1 kWની સોલર સિસ્ટમ લગાવવા માટે લગભગ ₹30,000ની સબસિડી આપવામાં આવે છે. જ્યારે 2 kWની સિસ્ટમ માટે ₹60,000 અને 3 kW કે તેથી વધુ ક્ષમતાની સિસ્ટમ માટે ₹78,000ની સબસિડી મળે છે.
આ ઉપરાંત, ઘણી રાજ્ય સરકારો પોતાની અલગ સબસિડી પણ આપે છે, જેનાથી ગ્રાહકો સોલર સિસ્ટમ લગાવતી વખતે મોટી બચત કરી શકે છે. વધુમાં, દર મહિને 300 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવે છે.












