વડોદરામાં અનરાધાર વરસાદથી રસ્તા જળબંબાકાર, દ્વારકા-જામનગર સહિત 8 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
રાજ્યમાં લાંબા સમયથી જેની કાગડોળે રાહ જોવાતી હતી તે મેઘરાજાએ હવે સમગ્ર ગુજરાતમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર થતાં જ વડોદરા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના 240 તાલુકામાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઈંચ સુધીનો નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જ્યારે વલસાડના કપરાડામાં સૌથી વધુ 4.45 ઈંચ વરસાદ નોંધાયો છે.
ગણેશ ચતુર્થીના પાવન પર્વે જ વડોદરા શહેરમાં વહેલી સવારથી અનરાધાર વરસાદ ખાબક્યો હતો:
-
- રસ્તાઓ પાણીમાં ગરકાવ: ભારે વરસાદના કારણે વડોદરાના રાવપુરા, મચ્છીપીઠ અને પાણીગેટ વિસ્તારમાં રોડ-રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા.
- અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ: અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારો જેવા કે વેજલપુર, જોધપુર, પ્રહલાદ નગર, સેટેલાઈટ અને ઈસ્કોનમાં કાળા ડિબાંગ વાદળો અને ભારે પવન સાથે ધીમીધારે વરસાદ નોંધાયો છે.
⛈️અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
⛈️નવાવાડજ, રાણીપ, જગતપુર, એસજી હાઇવે, ગોતામાં ધોધમાર વરસાદ
⛈️નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા#ahmedabadrain #RainyDays #gujaratrain #heavyrain #gotarain@AmdavadAMC pic.twitter.com/nXRaKhQavQ
— DD News Gujarati (@DDNewsGujarati) September 13, 2026
નવસારીમાં ઓરેન્જ એલર્ટ અને નદીઓની સ્થિતિ
નવસારી જિલ્લા માટે પણ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. વાંસદામાં 3.45 ઈંચ અને નવસારી તાલુકામાં 2.91 ઈંચ વરસાદ પડતાં ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છે.
જળસ્તરમાં ઘટાડો: ઉપરવાસમાં વરસાદ ઘટી જતાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનું વધી રહેલું જળસ્તર હવે ઓસરવા લાગતાં નીચાણવાળા વિસ્તારો અને સ્થાનિક તંત્રને મોટી રાહત મળી છે. હાલ તમામ નદીઓ ભયજનક સપાટીથી નીચે વહી રહી છે.
ચાર સિસ્ટમ સક્રિય: 14 અને 15 સપ્ટેમ્બરની આગાહી
હવામાન વિભાગના નિયામક એ. કે. દાસના જણાવ્યા મુજબ, રાજ્યમાં એક સાથે ૪ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં 14 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે અમદાવાદ, કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
માછીમારોને કડક સૂચના
દરિયાકાંઠે 60 થી 70 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી ૧૫ સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે.













