માહિતી નિયામકની કચેરી ગાંધીનગર ખાતે સંયુક્ત માહિતી નિયામક જયેશ દવેનો વિદાય સમારોહ
માહિતી નિયામકની કચેરી, ગાંધીનગર ખાતે સંયુક્ત માહિતી નિયામક તરીકે નિષ્ઠાપૂર્વક સેવાઓ આપનાર શ્રી જયેશભાઈ દવે વય નિવૃત્ત થતાં તેમનો ભાવભીનો વિદાયમાન સમારંભ યોજાયો હતો. વિદાયમાન પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના APRO વિવેક ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિમાં તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ દવેને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ સુખી નિવૃત્ત જીવન માટે હૃદયપૂર્વકની મંગલ કામનાઓ પાઠવી હતી.
સંયુક્ત માહિતી નિયામક દવેએ આ પ્રસંગે માહિતી ખાતામાં તેમની જૂનાગઢ ખાતેથી માહિતી મદદનીશ વર્ગ -૩થી શરૂ કરીને સંયુક્ત માહિતી નિયામક – સુપર ક્લાસ-૧ તરીકેની ૨૮ વર્ષની સરકારી સેવાઓના તેમના સાથી કર્મયોગીઓ સાથેના સફળ અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે,મારા સાથી કર્મયોગીઓના સાથ-સહકારથી જ હું આ પદ સુધી પહોંચ્યો છું. મેં હંમેશા બધાને સાથે લઈને ચાલવાની ભાવના સાથે જ કામ કર્યું છે, જેના પરિણામે જ મને આજે આ ભવ્ય યાદો સાથે વિદાય આપવામાં આવી છે જેનો હું હંમેશા ઋણી રહીશ
આ પ્રસંગે ઉપસ્થિત APRO શ્રી વિવેક ત્રિવેદી, નાયબ માહિતી નિયામક સર્વશ્રી પારુલબેન મણિયાર, શ્રી નિત્યા ત્રિવેદી, શ્રી ચિંતન રાવલ, ડૉ. ઉર્વિ રાવલ, શ્રી મનિષા વાઘેલા, સહાયક માહિતી નિયામક સર્વે સંજયસિંહ ચાવડા, અંકુર શ્રીમાળી સહિત અધિકારીઓ- સહકર્મચારીઓએ દવે સાથેના કાર્યકાળ દરમિયાનના વિવિધ મધુર સંસ્મરણો અને અનુભવો વાગોળ્યા હતા.
આ વિદાય પ્રસંગે દવેના ધર્મ પત્ની અને તેમના દિકરી સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શ્રી દવે સપ્ટેમ્બર ૧૯૯૮માં જૂનાગઢ ખાતે માહિતી મદદનીશ તરીકે જોડાયા હતા. ત્યારબાદ સિનિયર સબએડિટરનું પ્રમોશન મળતા ભરૂચ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવી હતી. ત્યારબાદ તેઓએ ગાંધીનગર વડી કચેરી ખાતે સમાચાર શાખામાં ૧૫ વર્ષ જેટલા લાંબા સમયગાળા માટે ફરજ બજાવી.
ત્યારબાદ સહાયક માહિતી નિયામકના હોદા પર તેઓએ લોકભવન ખાતે પ્રેસ સચિવશ્રી તરીકે શ્રેષ્ઠ કામગીરી કરી હતી જેમાં અલગ અલગ ચાર રાજ્યપાલશ્રી સાથે કામ કરવાનો અનુભવ મેળવ્યો. તેઓએ ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી ખાતે નાયબ માહિતી નિયામક તરીકે ઉત્કૃષ્ટ કામગીરી કરી. કારકિર્દીના અંતિમ બે વર્ષ વડી કચેરીની પ્રકાશન શાખામાં લોક ભોગ્ય વિવિધ પ્રકાશનો પ્રસિદ્ઘ કરીને રાજ્ય સરકારની કામગીરીના પ્રચાર પ્રસારમાં મહત્તમ ફાળો નોંધાવ્યો.
















