સ્મિત મચ્છર પર પૈસાનો વરસાદ થયો: જાણી લો હીરો પાઈલટને કોણે કેટલું ઈનામ આપ્યું?
ભારતીય પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરે ફ્લાયદુબઈની ફ્લાઈટ (FZ1073)માં પોતાના જીવનું જોખમ ખેડીને ૧૭૪ મુસાફરોના જીવ બચાવી બહાદુરીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. પડકારજનક સંજોગોમાં કુશળતાપૂર્વક ફ્લાઈટ સંભાળનાર સ્મિતને હવે માત્ર પ્રેમ અને સન્માન જ નહીં, પરંતુ મોટી રકમના રોકડ પુરસ્કારો પણ મળી રહ્યા છે.
સ્મિતની હિંમત, સંયમ અને સૂઝબૂઝના વૈશ્વિક સ્તરે વખાણ થઈ રહ્યા છે ત્યારે ‘મેનકાઈન્ડ ફાર્મા’થી લઈને ગુજરાત સરકાર અને રાજ્યસભાના સાંસદ સુધીની વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓએ તેમના માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી છે.
મેનકાઈન્ડ ફાર્મા દ્વારા ₹૧ કરોડનું ઈનામ
સ્મિત મચ્છરને ‘મેનકાઈન્ડ ફાર્મા’ તરફથી સૌથી મોટું રોકડ ઈનામ મળ્યું છે. કંપનીએ તેમના અને તેમના પરિવાર માટે ₹૧ કરોડના પુરસ્કારની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું હતું કે સ્મિતે પોતાના જીવની પરવા કર્યા વિના ક્રૂ અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરી અને જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું.
ગુજરાત સરકારનું ₹૨૫ લાખનું ઈનામ
સ્મિત મૂળ ગુજરાતના છે. તેમની બહાદુરીની કદર રૂપે ગુજરાત સરકારે તેમના માટે ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા પુરસ્કાર’ની જાહેરાત કરી છે. આ ઉપરાંત, સરકારે ₹૨૫ લાખના રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૧ ઓક્ટોબરે આ જાહેરાત કરી હતી.
રાજ્યસભા સાંસદ દ્વારા પણ ₹૨૫ લાખની જાહેરાત
વધુમાં, રાજ્યસભાના સાંસદ વિક્રમજીત સિંહ સાહની (‘સન ફાઉન્ડેશન’) એ તેમના માટે ₹૨૫ લાખના ‘સ્મિત મચ્છર શૌર્ય પુરસ્કાર’ની જાહેરાત કરી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્મિતને રાષ્ટ્રીય સ્તરનો બહાદુરી પુરસ્કાર એનાયત કરવા માટે પણ વિનંતી કરી છે.
માત્ર એટલું જ નહીં, પરંતુ ‘ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ’ (FIP) અને અન્ય જનપ્રતિનિધિઓએ પણ વડાપ્રધાનને વિનંતી કરી છે કે તેમને ‘રાષ્ટ્રીય બહાદુરી પુરસ્કાર’ અથવા ‘અશોક ચક્ર’થી સન્માનિત કરવામાં આવે.
ફ્લાઈટમાં શું બન્યું હતું?
૩૦ સપ્ટેમ્બરના રોજ, ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073 ૧૭૪ લોકો સાથે દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. ફ્લાઇટ દરમિયાન, કો-પાયલોટે કોકપિટની અંદર સ્મિત મચ્છર પર હુમલો કર્યો, જેનાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા.
પરિસ્થિતિ વણસી હોવા છતાં, મચ્છરે વિમાન પરનું નિયંત્રણ જાળવી રાખ્યું. ત્યારબાદ ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ તરફ વાળવામાં આવી, જ્યાં તે સુરક્ષિત રીતે ઉતરી અને વિમાનમાં સવાર તમામ ૧૭૪ મુસાફરોનો જીવ બચી ગયો. આ ઘટનાની તપાસ હાલમાં ચાલી રહી છે.
સ્મિત મચ્છરની હાલત અત્યારે કેવી છે?
સ્મિત મચ્છર હાલમાં આ ઘટના દરમિયાન થયેલી ઈજાઓમાંથી સાજા થઈ રહ્યા છે. તેમની હિંમતને ધ્યાનમાં રાખીને, તેમને રાષ્ટ્રીય સ્તરના બહાદુરી પુરસ્કારથી સન્માનિત કરવાની માંગણીઓ વધી રહી છે. ‘ઇન્ડિયન પાઇલટ્સ એસોસિએશન’એ પણ સરકારને તેમને બહાદુરી પુરસ્કાર આપવા માટે અનુરોધ કર્યો છે.














