બીયર લવર્સની પસંદગી બદલાઈ, નશા કરતાં સ્વાદ અને ફ્લેવરને આપી રહ્યા છે વધુ મહત્વ
જો તમે બીયર પીતા હોવ તો નજીકના ભવિષ્યમાં તમને એક મોટો બદલાવ જોવા મળી શકે છે. બજારમાં હવે માત્ર સસ્તી અને વધુ આલ્કોહોલ ધરાવતી ‘સ્ટ્રોંગ’ બીયરનું જ વર્ચસ્વ નહીં રહે. તેના બદલે શ્રેષ્ઠ સ્વાદ, પ્રીમિયમ બ્રાન્ડિંગ અને અનોખો અનુભવ આપતી બીયર ઝડપથી લોકપ્રિયતા મેળવી રહી છે.
ભારતમાં 2021 અને 2025 ની વચ્ચે બીયરના વેચાણમાં વાર્ષિક આશરે 12%નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન બીયર અને સ્પિરિટ્સ (અન્ય દારૂ)ના વેચાણ વચ્ચેનું અંતર નોંધપાત્ર રીતે ઘટ્યું છે. વધુ રસપ્રદ વાત એ છે કે બીયર પીનારાઓ હવે બોટલ અને કેનમાં મળતી બીયર માટે વધુ કિંમત (પ્રીમિયમ) ચૂકવવા તૈયાર છે.
2021 માં કુલ બીયરના વેચાણમાં પ્રીમિયમ બીયરનો હિસ્સો લગભગ 12% હતો. આ હિસ્સો 2025માં વધીને 20% થયો અને 2026માં આશરે 22% સુધી પહોંચ્યો. આ શ્રેણીમાં વેચાણનું પ્રમાણ વાર્ષિક આશરે 30%ના દરે વધવાની ધારણા છે.
બીયર પીનારાઓની પસંદગી કેમ બદલાઈ રહી છે?
લાંબા સમય સુધી ભારતીય બીયર બજાર એક સરળ ફોર્મ્યુલા પર ચાલતું હતું. ઓછી કિંમતે વધુ આલ્કોહોલ. જોકે બીયર પીનારાઓનો એક વર્ગ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં હવે સ્વાદ, ગુણવત્તા, બ્રાન્ડ અને એકંદર અનુભવને પ્રાધાન્ય આપે છે.
આ જ કારણ છે કે બીયર ઉત્પાદકો હવે પ્રીમિયમ અને સુપર-પ્રીમિયમ શ્રેણીઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ભલે કેટલીક પ્રીમિયમ બીયર બ્રાન્ડ્સની કિંમત સામાન્ય બીયર કરતાં 30-35 % વધુ હોય તેમ છતાં તેની માંગ સતત વધી રહી છે.
પ્રીમિયમ બીયરની કિંમત વધુ હોય છે
આગામી સમયમાં તમને બીયર બજારમાં બે અલગ-અલગ પ્રવાહો એકસાથે જોવા મળી શકે છે. સામાન્ય અને સ્ટ્રોંગ બીયરનું મોટું બજાર તો રહેશે જ પરંતુ વધુ કિંમત ધરાવતી પ્રીમિયમ અને ક્રાફ્ટ બીયરનો હિસ્સો ઝડપથી વધશે. ટૂંકમાં બીયર પીનારાઓ પાસે વધુ વિકલ્પો હશે પરંતુ પ્રીમિયમ બીયરનો આનંદ માણવા માટે થોડી વધુ રકમ ખર્ચવી પડી શકે છે. કંપનીઓ માત્ર બીયરનું વધુ વેચાણ કરીને જ નહીં પરંતુ ગ્રાહકોને વધુ કિંમતની બીયર વેચીને પણ તેમની કમાણી વધારવાનું લક્ષ્ય રાખી રહી છે.
કયા રાજ્યમાં બીયરના સૌથી વધુ શોખીનો છે?
દેશભરમાં બીયરની માંગ એકસરખી નથી. જૂન ક્વાર્ટરમાં મહારાષ્ટ્રમાં વેચાણમાં 42 ટકા, કર્ણાટકમાં 35 ટકા અને આંધ્રપ્રદેશમાં 33 ટકાનો વધારો થયો હતો. બીજી તરફ મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જોકે કેટલાક રાજ્યોમાં બીયરની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે, તેમ છતાં કરવેરા, પુરવઠાને લગતી સમસ્યાઓ અને સ્થાનિક નીતિઓ જેવા પરિબળો અન્ય બજારોમાં વેચાણ પર અસર કરી રહ્યા છે.













