બ્રહ્મજ્ઞાની,પરાક્રમી,વિદ્વાન,પ્રખર પંડિત રાવણમાં ઘણી બધી શક્તિઓ વિદ્યમાન હતી.એનાં માટે સ્વર્ગ સુધી સીડી બનાવવી એ તો રમત વાત હતી.આટલી વિશિષ્ટ શક્તિ ધરાવતા રાવણથી એક માત્ર ભુલ થઈ કે,એને સીતાનું હરણ વિચાર્યા વગર કરી નાખ્યું. તેથી એની શક્તિઓએ પોતાને સાબિત કરવાની સાચી દિશા બદલી નાખી.જો એની દ્રષ્ટિમાં પરિવર્તન આવ્યું હોત તો ચોક્કસ રાવણ આજ આપણને એવું કાંઈક આપીને ગયો હોત જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ.એની બુધ્ધી ભષ્ટ ન થઈ હોત તો એ ચોક્કસ આ ખારા સાગરને મીઠો કરી દે ત…!
આ તો થઈ રાવણની વાત એને તો આજના માણસોએ ખોટો બદનામ કરીને રાખ્યો છે.આધુનીક યુગનાં માણસો કુકર્મો કરવામાં રાવણથી બે ટકા વધે છે.
આજનાં આધુનિક સમયમાં રાવણ હજુ જાગેલો જ છે. અભિમાનથી ચૂર આધુનિક માણસ પોતાના વિકારોને શ્રેષ્ઠ માનીને કુકર્મો કરવા પ્રેરાઈ રહ્યો છે.સમય રહેતાં મનુષ્યો જો હજું સમજશે નહીં તો એવી સ્થિતિ ઉદ્ભવશે કે,એનાં આ કુકર્મોનું પરિણામ એને જ ભોગવવું પડશે. નશો અને ખોટી આદતો વધી રહી છે. ત્યારે નશામાં ધૂત માણસ શું કરે છે,એ પોતે પણ જાણતો નથી.નશો રાક્ષસ બનાવી રહ્યો છે.છતાંય સત્ય કોઈ કાળે સ્વીકારવું નથી.આંખ હોવા છતાં પણ મનુષ્યોએ કીકીઓને રંગબેરંગી ચશ્માથી જ શણગારવી છે.સત્ય સમજાવતાં કે,સાંભળતાં મગજ અને કાનને હંમેશા માટે મનુષ્યોએ બંધ કરી દીધાં છે.આમ,આંખ અને કાનને સત્ય જોવાની અને સાંભળવાની શક્તિ મનુષ્યો એ પોતે જ છીનવી લીધી છે.તો અહીં આવાં નશાખોર મનુષ્યોને આંધળા,બહેરા કહેવું પણ સાર્થક છે.અભિમાનનો પોટલો બાંધેલો જ રહેશે તો ક્યારેય આપણી અંદર રહેલો રામ આપણને નહીં દેખાય.રાવણનું પૂતળું સળગાવતાં પહેલાં પોતાની અંદર રહેલાં વિકારો એમાં દહન કરવા જોઈએ.તો જ રામરાજ્ય સ્થપાથે.નહીં તો રાક્ષસ રૂપી રાવણ બધામાં હાવી થતો જશે.અને એનું આ કળીયુગમાં આગળ જતાં શું ચિત્ર હશે,એ તો કલ્પી પણ ન શકાય.
નવરાત્રીનાં નવ દિવસોમાં માતાનાં નવદુર્ગા સ્વરૂપની,આરાધના કરતી પ્રિયામાં ધીમે ધીમે નવી શક્તિઓનો સંચાર થવાં લાગ્યો હતો.હરેક ખુલતા દ્વારે મા પ્રિયાનાં દર્દ પી રહી હતી.અને આ સંસારનાં વિકારો સામે લડવાનો એનામાં અતૂટ વિશ્વાસ ભરી રહી હતી.મા જાણતી હતી કે,
“પ્રિયા કેટલી હિંમતથી જીવનના પડકારોનો સામનો કરી રહીં છે.”
હવે જે ચેપ્ટર ખુલવાનું હતું.એ માટે માએ એને આ નવ દિવસમાં તૈયાર કરી દીધી હતી.
નવમું નોરતું હતું.નાનકડા ઘરનાં એક રૂમમાં પ્રિયા એની દીકરીને તૈયાર કરી રહી હતી.એની દિકરી નાયરા અઢાર વર્ષની થવા આવી હતી.છેલ્લા નોરતાનો આનંદ પણ આજ અનેરો હતો.
રૂમથી બહાર નિકળતા પ્રિયાએ જોયું કે,
“નાયરાનાં પપ્પાએ નશામાં ધૂત પોતાનાં હોઠ પર લિપસ્ટિકનો લપેડો મારેલો છે.”
આ જોઈ એ થોડીવાર સ્તબ્ધ થઈ ગઈ.આ માણસનું રાક્ષસી રૂપ થોડીવાર તો સમજવું પણ મુશ્કેલ પડ્યું હતું.મા-દિકરી બન્ને ખૂબ જ ડરી ગયા હતાં.પ્રિયા એ એનાં પતિ પર અતિ ક્રોધ વરસાવ્યો.છતાં એની આ હરકત જોઈ પ્રિયાનો ક્રોધ હજુ શાંત થતો ન હતો.એનાં પતિની આ માનસિકતા એ કેમ કરીને સ્વીકારે?
પ્રિયાને સાહસ આપતાં મા એ કહ્યું,
“તારે લડવું પડશે.આજ તારે દુર્ગા બનવું જ પડશે.ક્યાં સુધી સ્ત્રી પુરુષનાં આવાં અપરાધને માફ કરશે.તને એ વાતનો ડર છે કે, તારું ઘર કેમ ચાલશે?તું કમજોર નથી…!તારા બે સંતાનો તારી બે બાહુ જ છે. સંતાનોનો બાપ જ આવું રાક્ષસી વર્તન કરે તો દુનિયાનાં ક્યાં પુરુષને તું રામ સમજીશ.જાગ તું અહીંથી બહાર નિકળી જા…! હવે તારે હરેક વાતે એને સમજાવવું નથી. આ જાડી બુધ્ધીમાં તારાં સારાં વિચાર નહીં મળે.એને સુધારવાની તારી કોશિશ ઘણી રહી,પરંતુ એ સુધર્યો નહીં તો આજ એનાં પાપનો ઘડો ભરાઈ ગયો છે.”
સાક્ષાત મા દુર્ગાએ પ્રગટ થઈને પ્રિયાને આજ એટલી શક્તિ આપી કે,જે નિર્ણય એ ઘણાં વર્ષો પહેલાં લઈ શકી ન હતી.એ નિર્ણયને અંજામ આપવા માટે એ ઉભી થઇ ગઈ.એનાં પતિનો પડદો દુનિયા સામે ખોલી નાખ્યો.
જ્યારે પૃથ્વી પર પાપીઓના પાપ વધતાં જાય છે.ત્યારે મા શક્તિ સ્વરૂપા કોઈને કોઈ સ્વરૂપે અવશ્ય પ્રગટ થાય છે.
નવરાત્રીનાં આ નવ દિવસોમાં આપણે આપણા મનને એક ચિત્તે વાળીને એકાગ્ર કરી લઈએ તો, આ ગરબા સાથે અખંડ આનંદની અનુભૂતિ સાક્ષાત પોતાની ભીતરમાં અનુભવી શકીએ છીએ. મા તો આ નવ દિવસોમાં હાજરાહજૂર પૃથ્વી પર આવી બિરાજમાન થાય છે. અને આજે પણ એ વિશાળ શક્તિઓ સાથે એ જ મા જગદંબા છે.પરંતુ આ ફેશનની દુનિયામાં આપણે એ જગદંબા સ્વરૂપને અનુભવી શકતા નથી.બસ,એ માનું સ્વરૂપ ઓળખવા જો એક ચિત્તે ભગવતીને ભજીએ તો મા ચોક્કસ રસ્તો બતાવે છે.અને થતાં અન્યાય સામે લડતા શિખવે છે. જય મા અંબે.