“તો હવે નોર્મલ ડિલિવરી શક્ય નથી, સિઝર કરવું પડશે”…. વાંચો લેખિકા કોમલ રાઠોડની હૃદયસ્પર્શી વાર્તા

Lok Patrika
Lok Patrika
13 Min Read
Share this Article

હું હૉસ્પિટલના કોરિડોરમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો. મારુ અને મારી સાથે હોસ્પિટલમાં મોજુદ મારા માતા પિતાનું બધું જ ધ્યાન હમણાં જ લેબર રૂમ તરફ લઈ જવામાં આવેલી મારી પત્ની વંદના તરફ હતું. લગ્નના બાર વર્ષ પછી અમારા ઘરે પારણું બંધાવાનું હતું એટલે સ્વાભાવિક પણે જ અમે બધા એ નાનકડા બાળકના આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

આતુરતાની સાથે મને વંદના અને આવનાર બાળકના સ્વાસ્થ્યની ય સતત ચિંતા થતી હતી.સમય વીતતો ગયો ને એ સાથે જ મારા ચહેરા પર ચિંતાના ભાવ વધુ પ્રસરી રહ્યા હતા. પણ પ્રસૂતિના દુઃખના કારણે લેબર રૂમની બહાર સુધી સંભળાતી વંદનાની ચીસો સામે મારી એ ચિંતા સૌના ધ્યાન બહાર જ રહી.

હું આકુળ વ્યાકુળ ઘડીક ઘડિયાળ તરફ તો ઘડીક લેબર રૂમ તરફ જોઈ રહ્યો હતો. બાર બાર વર્ષ સુધી નિઃસંતાન રહેવાના ટોણા સાંભળતી વંદનાએ ઘણીવાર મારા ખભે માથું મૂકી આંસુઓ સાર્યા હશે ને એ આંસુઓ મેં ભારે હૈયે લૂછયા પણ ખરા. મને એવા ટોણા સાંભળવાનો વારો નહોતો આવ્યો પણ બાળક ન હોવાને કારણે મારી સામે ઉઠતી એ પ્રશ્નાર્થ નજરોનો સામનો મેં કોઈને કીધા વગર કર્યો હતો. પણ આજે હવે હું એ દરેકે દરેક નજર સામે આંખ મિલાવીને કહી શકીશ કે અમે હવે નિઃસંતાન નથી.

હું ક્યાંક વિચારોમાં ખોવાઈ ગયો હતો ત્યાં જ લેબર રૂમમાંથી એક નર્સ જરા ચિંતાયુક્ત ચહેરે બહાર આવી, એને જોઈ મારો તો જાણે જીવ જ અધ્ધર થઈ ગયો, હું દોડતો એની પાસે પહોંચ્યો ને જતાંવેંત મેં એને પૂછ્યું

“શુ થયું”
મારી ચિંતા એ પારખી ગઈ એટલે એને તરત જ કહ્યું

“બાળકને ગળામાં નાડ વીંટળાઈ ગઈ છે”

“તો હવે”હું વધુ ગભરાયો

“તો હવે નોર્મલ ડિલિવરી શક્ય નથી, સિઝર કરવું પડશે” નર્સે તરત જ જવાબ આપ્યો

“તો કરી નાખો સિઝર રાહ કોની જોવાની?” મારી સાથે ઉભેલી મારી માતાએ તરત જ કહ્યું

“પેશન્ટની ફેમિલીને પૂછવું એ રુલ છે માસી” કહીને નર્સ ફરી અંદર ચાલી ગઈ.

હું થોડીવાર વિચારમાં પડી ગયો, 20000 પગારની નોકરી કરતો હું સિઝરનું પચાસેક હજારનું બિલ કઈ રીતે મેનેજ કરીશ એની હું ગણતરી કરતો હતો. અચાનક આવતા વર્ષે પાકતી એફડી યાદ આવી, જો આ વર્ષે ઉપાડી લઉં તો થોડા પૈસા કપાશે પણ સિઝરનો ખર્ચો પહોંચી વડાશે એ વિચારી હવે મને હાશ થઈ.

હું ફરી મીટ માંડી લેબર રૂમ તરફ જોઈ રહ્યો. થોડા સમય બાદ લેબર રૂમમાંથી એક તિણું રુદન બહારના કોરિડોરમાં પ્રસરાયેલી નીરવ શાંતિને ચીરતું મારા કાન સુધી પહોંચ્યું. ને એ સાથે જ મારા ચહેરા પર એક મોટું સ્મિત અને આંખમાં હરખના આંસુ આવી ગયા.

હું ભાગતો લેબર રૂમના દરવાજે પહોંચી ગયો, નર્સે તરત દરવાજો ઉઘાડયો ને મારી સામે સ્મિત આપતા કહ્યું

“અભિનંદન, લક્ષ્મીજી પધાર્યા છે”

હવે તો જાણે મારી ખુશીનો કોઈ પાર જ રહ્યો, હું ત્યાં જ ઘૂંટણિયે બેસી ગયો, મારી આંખમાં ખુશીના આંસુ દળદળ વહી રહ્યા હતા. મારા માતાપિતા પણ હરખાતા હરખાતા મારી પાસે આવી મને અભિનંદન આપવા લાગ્યા.

હું હવે મારી એ નાનકડી પરીને મારા હાથમાં લેવા તલપાપડ થઈ ઉઠ્યો હતો. ત્યાં જ લેબર રૂમના દરવાજે જ ઉભો હું મનોમન વિચારી રહ્યો હતો.
મારી પરીનું નામ તો હું વિદ્યા જ રાખીશ, મને પહેલેથી વિદ્યા નામ ખૂબ ગમતું, એને શહેરની સારામાં સારી સ્કૂલમાં ભણાવવી હોય તો મારે અત્યારથી જ એના માટે સેવિંગ્સ શરૂ કરવી પડશે, એક અલગ ખાતું જ ખોલાવી દઈશ જેથી એ પૈસા ભૂલેચૂકે ય ક્યાંય વપરાય ન જાય, ને એના લગ્ન માટે સોનુ ય ધીમે ધીમે ભેગું કરવા જ મંડીશું. મારી લાડકીની દરેક ઈચ્છા હું પુરી કરીશ અને એ માટે એકાદ દુકાનનું નામું લખવાનું પણ કામ શરૂ કરી દઈશ. થોડા મારા ખર્ચ પર પણ કાપ મુકવો પડશે. આ ક્યારેક હું જે સિગરેટ ફૂંકી લઉં છું એ ય આજથી બંધ કરી દઈશ. મારી લાડકીને હું આંગળી પકડીને ચાલતા શીખવીશ, એના બધા નખરા હું શોખથી સહન કરીશ.  હજી તો મારી દીકરીને લઈને મારા સપનાનું લિસ્ટ અધૂરું જ હતું ત્યાં ફરી લેબર રૂમનો દરવાજો ખુલ્યો.

હમણાં નર્સ મારી પરીને મારા હાથમાં આપશે એ વિચારે મેં મારા હાથ આગળ ધર્યા પણ નર્સ તો ખાલી હાથે જ બહાર આવી હતી, એની સાથે ડોકટર પણ બહાર આવ્યા મને જોતા જ એમને ગંભીર ચહેરે કહ્યું

“તમારી દીકરીને શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડી રહી છે, એને તાત્કાલિક બાળકોના ડોકટર પાસે લઈ જવી પડશે”
મારુ શરીર તો એ સાંભળતા જ ઠંડા બરફ જેવું થઈ ગયું, હું રડમસ થતા બોલ્યો
“શુ થયું ડોકટર એને”

“તમે બાળકોના ડોક્ટરને બતાવી આવો, એ તમને વધુ સારી રીતે જણાવી શકશે” કહી ડોકટરે મને બાળકોના ડોક્ટરનું સરનામું આપ્યું

નર્સ અને એક કમ્પાઉન્ડરની સાથે હું એમ્બ્યુલન્સમાં મારી દીકરીને લઈને બાળકોના ડોકટરના હોસ્પિટલ જવા રવાના થયો. જે દીકરીને મારા હાથમાં લેવા હું તલપાપડ હતો, હાલ એ મારા ખોળામાં જ હતી. એના એ નાનકડા હાથ પગ જોઈ ખુશ થવું કે એના મોઢા પર લગાવેલા ઓક્સિજન માસ્ક જોઈને દુઃખી એ મને સમજાતું નહોતું. મને એ નાનકડા જીવની આ હાલત જોઈને રડવું આવી રહ્યું હતું. પણ મેં મારા આંસુ છુપાવી લીધા.

અમે બાળકોના ડોકટર પાસે પહોંચ્યા, એમને મારી દીકરીની તપાસ કરી અને બીજી થોડી પ્રક્રિયા કરી એને એમના હોસ્પિટલમાં એડમિટ કરી. એના જેટલા જ કેટલાય બાળકોની વચ્ચે ઓક્સિજન માસ્ક સાથે મારી દીકરીને અન્ડર ઓબસર્વેશન રાખવામાં આવી. હું ડિસ્ચાર્જ થઈને ઘરે ગયેલી મારી પત્ની વંદનાને સાચવું કે પછી અહીં આ હોસ્પિટલમાં મારી દીકરીને એ વચ્ચે ઘેરાયેલો હતો.

બે દિવસ એમ ને એમ પસાર થઈ ગયા. વંદન દીકરીને મળવા આતુર હતી પણ પ્રસૂતાનું નબળું શરીર જોઈ અમે એને દીકરીની બીમારી અંગે જાણ ન કરી. હું મારી દીકરીના દવાખાનામાં એક ખૂણે બેઠો હતો ત્યાં જ ડોકટર મારી તરફ આવ્યા, એ જોઈ હું ઉભો થઇ ગયો ને મેં મારી ભીની આંખો લૂછી નાખી

“સોરી, પણ તમારી દીકરીનું શ્વસનતંત્ર ખૂબ જ નબળું હતું, અમારા લાખ પ્રયત્ન બાદ પણ અમે એને બચાવી ન શક્યા” કહી ડોકટર ત્યાંથી ચાલ્યા ગયા.

પણ મારા તો પગ નીચેથી જાણે જમીન જ ખસી ગઈ, મારી દીકરી મારા સપનાનું લિસ્ટ અધૂરું મૂકીને જ ચાલી ગઈ એ વાતનો મને વિશ્વાસ જ ન્હોતો આવતો. હજી જેને મેં મનભરીને જોઈ પણ નહોતી એ આમ ચાલી ગઈ. જેની આંગળી પકડવાના ઓરતા હતા એ તો મારો હાથ છોડીને જ ચાલી ગઈ. મારી સ્થિતિ, મારી વેદના સમજે એવું ત્યાં કોઈ નહોતું.

મેં મારા પિતાને ફોન કર્યો ને બધી જ વાત કહી. એ અને મારી માતા એ જ ઘડીએ મારી પાસે દોડી આવ્યા. માતાપિતાને જોઈ હું જરા ઢીલો પડ્યો, મારી આંખના અત્યાર સુધી અટકેલા આંસુ હવે વહેવા લાગ્યા.

“બેટા હિંમત રાખ…હજી તો તારે વંદનાને સાચવવાની છે” કહી મારી માતાએ મને આશ્વાસન આપ્યું

“હા બેટા, પુરુષોએ તો હિંમત રાખવી જ પડે” કહી મારા પિતાએ મારા ખભે હાથ મુક્યો

એમની વાત સાચી જ હતી, મારે હજી વંદનાને પણ તો સાચવવાની હતી. દવાખાનાની પ્રોસીઝર પતાવી અમે મારી નાનકડી દીકરીના મૃતદેહને ઘરે લઈ જવા રવાના થયા.

વંદનાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે એ તો સાવ ભાંગી જ પડી, એની ઉગ્ર યાતના જોઈ મારુ હ્ર્દય દ્રવી ઉઠ્યું. દીકરીના મૃતદેહને જોઈ એ તો સાવ ગાંડા જેવી જ થઈ ગઈ. જેને પામવાના સપના છેલ્લા બાર બાર વર્ષથી અમે સેવ્યા હતા એ સપનું સાકાર થતાની સાથે જ તૂટી ગયું એનો આઘાત કઈ રીતે સહન થાય.
મારા ખોળામાં માથું રાખી વંદના વલોપાત કરતી રહી, મારી દશા ય એવી જ હતી, જો મને પણ આમ રડવા માટે કોઈનો ખોળો મળતો તો મારી વેદના ય ઠલવાઇ ગઈ હોત. પણ પુરુષો પાસે ક્યાં એવો કોઈ રસ્તો હોય છે.

“વંદના રડ નહિ, હિંમત રાખ” મેં કહ્યું તો ખરા પણ વંદના કે મારા પર આ શબ્દોની હાલ કઈ અસર નહોતી થવાની એ હું જાણતો હતો.

નજીકના સગાની હાજરીમાં હવે મારે મારી દીકરીના મૃતદેહને કબ્રસ્તાન સુધી લઈ જવાની હિંમત કરવાની હતી. ના છૂટકે મારે એ હિંમત કરવી પડી. એક ગાડીમાં હું સફેદ કપડામાં ઢાંકેલા મારી દીકરીના મૃતદેહને લઈને બેઠો, એની ચહેરો હું સ્પષ્ટ પણે જોઈ શકતો હતો. દીકરી એટલે બાપનું હ્ર્દય અને આજે જાણે હું મારા જ હૃદયને મારા હાથમાં લઈ સાવ લાચાર થઈ બેઠો હતો.મારો સહારો બનશે એવા સપનાં જોતો હું હવે આંસુ રોકી ન શક્યો, મારા આંસુનું ટીપું મારી દીકરીના ગાલ પર જઈ પડ્યું. હજી તો એક ટીપું જ પડ્યું હતું ત્યાં જ બાજુમાં બેઠેલા સગાએ મારા ખભે હાથ મુકતા કહ્યું

“મર્દ માણસે હિંમત રાખવી પડે”

આખરે અમે કબ્રસ્તાન પહોંચ્યા, મેં મારા કાળજાના કટકાને એ ખાડામાં ખૂબ જ સાચવીને મુક્યો, ને એ પછીની વિધિ પુરી કરી અમે ઘરે આવ્યા. વંદનાની રોકકળ હજી ચાલુ જ હતી. મને હવે એની ચિંતા થઈ રહી હતી. નાજુક શરીર આ વેદના કઈ રીતે સહન કરશે એ વિચારી મેં મહાપરાણે જરા ઊંચા અવાજમાં કહ્યું

“બસ કર હવે રડવાનું..જે થવાનું હતું એ થઈ ગયું. ભગવાનની આગળ આપના કોઈનું ચાલતું નથી”

“તમે એને 9 મહિના પેટમાં રાખીને જન્મ આપ્યો હોત તો તમને સમજાતી મારી વેદના….જેને 9 9 મહિના ખૂબ જતનથી પેટમાં સાચવી એને ગુમાવી દેવાનું દુઃખ કેવું હોય એ હું જ જાણું છું” ભાન ભુલાવી ચુકેલી વંદના આંસુ સારતી બોલી રહી હતી.

એને કોણ સમજાવે કે એને ચોક્કસ 9 મહિના એ દીકરીને એના પેટમાં રાખી છે પણ મેં ય મારા આવનાર બાળકને પહેલે મહીનેથી જ મારા મનમગજમાં રાખવાનું શરૂ કરી દીધું હતું. જેટલા સપના વંદનાએ જોયા હતા એથી ઘણા વધુ મેં ય જોયા હતા.

“રડી લેવા દે બેટા એને….એનું મન જરા હળવું થશે” કહી મારી માતાએ મને સમજાવ્યો.

એ પછી હું ચુપચાપ બાથરૂમમાં ચાલ્યો ગયો, ત્યાં મને જોવા કે રોકવા વાળું કોઈ નહોતું, ફ્લશ ચાલુ કરી હું પોક મૂકીને આંસુએ રડ્યો જેથી મારો અવાજ બહાર કોઈને સંભળાય નહિ, કઈ કેટલીય વાર સુધી ચોધાર આંસુએ હું રડતો રહ્યો, મન હળવું કરવા માટે પુરુષોને કેમ ક્યારેય રડવાની સલાહ નથી અપાતી એ વાતનો આજે મને વસવસો થઈ રહ્યો હતો. મારી લાડકીને ખોવાના દુઃખથી હું આમ બાથરૂમમાં રડીશ એ તો કેવી કરુણા…આજે મને પુરુષ જાત માટે ખરેખર દયાની લાગણીઓ ઉપજી. માતાપિતાનું મૃત્યુ હોય કે દીકરીની વિદાય એને ક્યારેય મન મુકીને રડવાનો અવસર કેમ નથી આપવામાં આવતા. એના એક આંસુના ટીપાને જોતા જ લોકો એને મર્દ છે હિંમત રાખ કહેવા કેમ દોડી આવે છે. હું રડતો રડતો હજારો વિચારોથી ઘેરાઈ ચુક્યો હતો.

આખરે હું બાથરૂમની બહાર નીકળ્યો, એ રાત્રે ઉઘાડી આંખે જ સવાર પડ્યું. બીજો દિવસ પણ સગાંવહાલાંની અવર જવર અને વંદનાની હાલત જોઈને જ પસાર થયો. એ પછીના દિવસે સવારે હું જ્યારે ઉઠ્યો ત્યારે વંદનાં સુન્ન બની આકાશને તાકી રહી હતી. એને જોઈ મારી માતાએ કહ્યું

“જો દીકરા, તું વહુને થોડા દિવસ પિયર મૂકી આવ, અહીંયા રહેશે તો આ દુઃખમાંથી બહાર નહિ નીકળી શકે. એની માતા પાસે હશે તો એનું મન જરા હળવું થશે. આ ટ્રોમામાંથી એને હવે બહાર કાઢવી પડશે”

મેં કઈ બોલ્યા વગર ફક્ત માથું ધુણાવ્યું.પુરુષોને તો એના દુઃખ પર રડવા માટે ય ક્યાં વધુ સમય અપાય છે એનું ભાન મને ત્યારે થયું જ્યારે એક દિવસની રજાને બદલે પડેલી બીજા દિવસની રજા બાદ બોસનો ઓફીસ આવવાનો આદેશ આવ્યો ને એ પછી હું મારા ટ્રોમાં, મારા દુઃખ, મારા આંસુઓને સૌથી છુપાવતો હું ટિફિન બોક્સ લઈ ઓફીસ જવા રવાના થઈ ગયો.


Share this Article
TAGGED:
Leave a comment