जो बूंँद से गईं वो सागर से नहीं आती
આપણે નાનાં હતાં, ત્યારે એક વાર્તા સાંભળેલી. એક રાજ્યમા રાજા ખૂબ કંજૂસ સ્વભાવનો હતો. એક રાજદરબારીએ ઘણીવાર તેને કંજૂસાઈ છોડવા જણાવ્યુ, પરંતુ તે પોતાના ઘમંડમા રહેતો અને આ બાબતને નજરઅંદાઝ કરતો. એકવાર રાજમહેલમા સભા દરમિયાન એક અત્તરની શીશી તેના હાથમાંથી નીચે પડી અને તેમાંથી અત્તર જમીન પર ઢોળાઈ ગયુ. રાજા તરત જ પોતાની રાજગાદી પરથી નીચે ઊતરી, હાથ વડે ઢોળાયેલા અત્તરને ફરીથી શીશીમા ભરવા લાગ્યો! શરૂઆતમા તેનુ ધ્યાન ના ગયુ, પરંતુ થોડીવાર પછી હોંશ આવતા તેને જોયુ, તો બધા રાજદરબારીઓ મનમા ખંધુ હસતા હતા. શરમ અનુભવતા તે ફરીથી પોતાની રાજગાદી પર બેસી ગયો. તેને દરબારીઓ સામે પોતાની શાન ઓછી થતી દેખાઈ. પોતાની ખોવાયેલી શાન પાછી મેળવવા તેણે રાજમહેલમા એક આયોજન કર્યુ, જેમા રાજ્યની પ્રજાને આમંત્રણ અપાયું. રાજાએ પ્રજાજનો માટે અત્તરથી એક કૂવો ભરાવ્યો અને જેણે જેટલું જોઈતું હોય તેટલું અત્તર લઈ જવા કહ્યું. પ્રજાજનો અત્તરનાં કૂવા પર તૂટી પડ્યાં. તેને જોઈ રાજાને જે દરબારી કંજૂસાઈ છોડવાની સલાહ આપતો તેની સામે જોઈ જાણે તેની ખોવાયેલી શાન પાછી મેળવી લીધી હોય, એ રીતે તે મૂછોને વળ ચડાવવા લાગ્યો. એ દરબારી રાજા સામે માર્મિક હસતા બોલ્યો, “जो बूंँद से गईं वो सागर से नहीं आती!”
અર્થાત્, એકવાર ગુમાવેલી પ્રતિષ્ઠા કદી પાછી નથી મેળવી શકાતી! વ્યક્તિ ગમે તેટલાં ઊંચા હોદ્દા પર હોય તેનો સ્વભાવ તે છોડી નથી શકતી અને તેનાં કારણે ક્યારેક બધાં સામે તેની મજાક બની જાય છે. તમારાં સ્વભાવ પર તમારી ઇમેજ ઊભી થતી હોય છે અને તેનુ પરિણામ તમારી સાથે સંકળાયેલા સંબંધો એ પણ ભોગવવું પડે છે.
બધાંની સામે તમે કેવું વર્તન કરો છો તે તમારું વ્યક્તિત્વ ઊભું કરે છે અને સામેવાળી વ્યક્તિનાં મગજમાં તે જ છાપ કાયમ માટે જીવંત રહે છે. જો તમે સારું કાર્ય કરશો; તો સામેવાળી વ્યક્તિ માટે તમે સારાં વ્યક્તિની ભૂમિકામાં આવશો, ખરાબ કાર્ય કરશો તો બધાં તમારાથી દૂર થતાં જશે. લોભી વૃત્તિ ધરાવતી વ્યક્તિનાં લોભને કારણે સંબંધીઓ એક દિવસ કંટાળી જશે, સતત સલાહ દેવાવાળી વ્યક્તિને એક-બેવાર બધાં સાંભળશે, પછી ઇગ્નોર કરવાનું શરૂ કરશે. ક્યારેક પોતાનાં એવાં સ્વભાવને કારણે વ્યક્તિ બધાંની પરવા કર્યા વગર એવું કાર્ય કરી બેસતી હોય છે, જે તેનાં માટે પણ ક્ષોભજનક હોય છે. પછી તે પોતાની એ ભૂલ સુધારવા ગમે તેટલી કોશિશ કરે, સામેવાળી વ્યક્તિનાં મગજમાં તેની એ ઊભી થયેલી છાપ દૂર નથી કરી શકતી.
કોઈ નજીકનો વ્યક્તિ પણ એવું કોઈ કાર્ય કરતા પકડાય; કે જેથી પરિવારનો તેનાં પરથી વિશ્વાસ ઊઠી જાય, પછી કદાચ તે વ્યક્તિ પોતાનો જીવ પણ એ લોકો માટે આપી દે, તો પણ કોઈ તેનાં પર ભરોસો નહીં કરી શકે અને તેમનાં મનમાંથી એ વ્યક્તિ પ્રત્યેની એકવાર ગયેલી ઇજ્જત કેટલું પણ કરવાથી પાછી નથી આવતી! એકલતામાં વ્યક્તિ કંઈ પણ કરે, પરંતુ જો બધાંની સામે સમજી વિચારીને વર્તન નથી કરતી, તો તેનું માન હંમેશાં મુશ્કેલીમાં જ રહે છે. કોઈ કાર્ય કરતાં પહેલાં શાંત મનથી તે વિષે એક વાર વિચાર જરૂર કરવો; કે તેનું ભવિષ્યમાં ફળ કેવું મળશે અને એ ફળનું પરિણામ કોણે કોણે ભોગવવાનું રહેશે, કારણ એકવાર જે છાપ પડશે તે બદલશે નહીં, ભલે ગમે તેટલું કરો!
चली गई जो एक बार वापस कैसे पाए?
लाख कर लो कोशिश वह फिर लौट ना आए!
बीते कितने साल या बीत जाए कई मुद्दतें,
ज़माना तुम्हारी पहली वाली धुन ही गाए।