સળગતી નજરો એક સ્નિગ્ધ સપાટીએ શીત થઈ જાય છે,
જાણે કે કોઈ અગનજ્વાળા આગ રહિત થઈ જાય છે.
ધરતી પર જન્મ લેનાર દરેકેદરેક સજીવ ને ઈશ્વરે એક સરખી સંવેદનાઓ બક્ષી છે,પણ એમાં એક મનુષ્ય જ છે જેને વાચા મળેલ છે. એક મનુષ્ય જ છે જે પોતાની ખુશી,તકલીફ,આનંદ,દુઃખ,દર્દ જેવી અનેક સંવેદનાઓ શબ્દો દ્વારા પ્રસ્તુત કે વ્યક્ત કરી શકે છે,દર્શાવી શકે છે.
વ્યક્તિ ના જીવનમાં જેમ સુખ ની ચરમસીમા હોય છે તે જ રીતે દુઃખ ની પરાકાષ્ઠા પણ હોય જ છે.માણસ ને સુખ હોય કે દુઃખ એ એક હદ સુધી જ અસર કરતું હોય છે.મને વાણિજ્ય વ્યવસ્થા નો તુષ્ટિગુણ નો પાઠ યાદ આવે છે…કે એક ની એક વસ્તુ કે એક નું એક સુખ,એક નું એક કામ તમને ધરવી દે છે…અમને અમારા કોમર્સ શાખાના પ્રોફેસર ગાંધી સર ખૂબ સરસ ઉદાહરણ આપી સમજાવતા કે તમને ખૂબ કકળી ને ભૂખ લાગી હોય અને તમને કોઈ ગરમ ગરમ રોટલી આપે તો સૌથી પહેલી રોટલી તમે ખૂબ આતુરતા, થી પ્રેમ થી આરોગસો ….પછી જેમ જેમ તમારી ભૂખ સંતોષાતી જશે તેમ તેમ તમારો રોટલી પ્રત્યે નો ભાવ ઓછો થતો જશે…અને જો સંપૂર્ણ પેટ ભરાઈ જશે તો એ જ વહાલી લાગતી રોટલી પર તમને અભાવ થઈ જશે. મારો કહેવાનો મતલબ એટલો જ છે કે કોઈ પણ વસ્તુ એની એક હદ ની બહાર જાય એટલે આપોઆપ એની અસર આપણાં પર ઓછી કે નહિવત થઈ જતી હોય છે.
આ દરેકે દરેક બાબત મનુષ્ય ની આંતરિક શક્તિ પર નિર્ભર છે. જેમ સુખ નું હોય તેવું જ દુઃખ નું છે. જીવન માં કેટલાય આઘાત મળ્યા હોય, વિશ્વાસઘાત થયો હોય, દુઃખ મળ્યા હોય ત્યારે શરૂઆત માં ખૂબ વસમું લાગતું હોય છે, અસહ્ય હોય છે, વેદના દાયક હોય છે, કઠિન હોય છે. પણ જો આવા જ ઘા વારંવાર લાગતાં રહે તો મનુષ્ય પોતાના મન ની મક્કમતા થી દરેક વસમી પરિસ્થિતી ને પાર કરી ને એક એવી ટોચ પર આવી ને ઊભો રહી જાય છે જ્યાંથી એને ન પછડાટ નો ભય હોય છે ના એકલાં હોવાનું દુઃખ. જીવન ના આ પડાવ પર ના તો એને કોઈ પરિસ્થિતી અસર કરે છે ના તો કોઈ ના કડવાં કે મીઠાં શબ્દો…બસ અસર કારક હોય છે તો માત્ર તેનાં મજબૂત ઈરાદા.
અને મિત્રો સાચું કહું તો ખરા અર્થ માં જેને સુખ નાં અને દુઃખ ના…બંને નાં…મીઠાં કે કડવાં… ઘૂંટળા પીતા આવડી ગયું ને તો સમજો એનું જીવન સાર્થક થઈ ગયું.
–હેતલ જાની, “હેત” (આણંદ).
જેને સુખના અને દુઃખના બંનેનાં મીઠાં કે કડવાં ઘૂંટળા પીતા આવડી ગયું ને તો સમજો એનું જીવન સાર્થક થઈ ગયું-હેતલ જાની
