વિકલાંગો માટે કાર્ય કરતી સંસ્થાઓ મોઢામાં મગ ભરીને બેઠી છે એટલે જ ગુજરાત સરકાર વિકલાંગોને યોજનાઓના લોલીપોપ આપીને પપ્લુ બનાવી રહી છે.
પોતાને વિકલાંગોના ઉદ્ધારક ગણાવતા દરેક સંસ્થાઓના બુદ્ધિ જીવીઓને માઠું લાગે તો માફ કરજો પણ આજે મારા હૈયાની આગ તમને સત્ય કહ્યા સિવાય તો નહીં જ ઠરે.
ગુજરાતમાં સેંકડો સંસ્થાઓ એવી છે કે જે ફક્ત ને ફક્ત વિકલાંગ વ્યક્તિઓ માટે જ કાર્યરત છે. આમાં શિક્ષણ આપતી સંસ્થાઓ હોય કે વિકલાંગોના અધિકાર માટે લડતી સંસ્થાઓ હોય. દરેક વિભાગની સંસ્થાઓ ક્યાંકને ક્યાંક પોતાનો અંગત સ્વાર્થ જ સાધી રહી છે. શાળામાં યોગ્ય તાલીમ પામેલા શિક્ષકોની ભરતીનો અભાવ હોય કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી ભરતીમાં ઘોર અન્યાય હોય. સાચી રીતે વિકલાંગ વ્યક્તિઓને મદદ કરવામાં કોઈને રસ છે જ નહીં. બસ ડોનેશન ઉઘરાવવું ને દેખાડા કરીને હવાય માર્ગી દેકારા પડકારા જ કરવામાં રાજી છે. વિકલાંગ ધારો 2016 શુ છે? વિકલાંગ વ્યક્તિઓ માટે આપણું બંધારણ શુ કહે છે? શાળામાં શિક્ષકોની ઘટના હિસાબે બાળકોને શુ તકલીફ પડે છે? કોલેજમાં અભ્યાસ કરતા વિકલાંગ વિદ્યાર્થીઓની શુ હાલત છે? સરકાર દ્વારા થતી ભરતીઓમાં વિકલાંગ ઉમેદવારો સાથે સરકારની કેવી નીતિ છે? આવા પ્રશ્નોનો ખ્યાલ મોટી, મોટી સંસ્થા ખોલીને બેઠેલા સમાજ સેવકોને નથી ખબર. ક્યાંથી હોય? પોતાનું કારખાનું ભરચક દાનથી ચાલ્યા કરે એનાથી વિશેષ વિકલાંગોનો વિકાસ થાય એમ કોઈ ઇચ્છતું જ નથી. બાકી આ હાલત ગુજરાત રાજ્યના વિકલાંગ વ્યક્તિઓની ન હોય.
મફત અનાજ વિતરણ, મફત સાધન સહાય યોજના, મફત જીવન જરૂરી વસ્તુ અપાવવી એ કંઈ વિકલાંગ વ્યક્તિઓનો વિકાસ નથી. એનામાં રહેલી શક્તિ મુજબ સમાજ અને સરકાર સ્વીકારે એ વધુ મહત્વનું છે. સમાજ તો બીજી બાજુ રહ્યો પરંતુ ગુજરાત સરકાર પણ ભરતીઓમાં વિકલાંગ વ્યક્તિઓ સાથે સીધો અન્યાય કરી રહી છે. નજર સામે આ હત્યાચાર છે છતાં કોઈના પેટનું પાણી હલતું નથી. કદાચ એકાદ બે સંસ્થા આગળ આવે તોપણ એનું મનોબળ તોડવા માટે બહુમતી ઉભી જ હોય.
તાજેતરની ઘટનાઓ જ અહીં મુકું તો d y s o અને પંચાયત દ્વારા લેવાયેલ ભરતી પ્રક્રિયામાં સરકારે દેખીતી રીતે વિકલાંગ ઉમેદવારોને અગવડતા ઉભી થાય એવા પ્રયાસો કર્યા છે.
1 d y s o ની પ્રથમ પરીક્ષાનું પરિણામ જાહેર થયું. આ પરિણામ જાહેર થયું તેમાં પ્રજ્ઞાચક્ષુ એટલે આંખથી અન્ધત્વની ખામી ધરાવતા ઉમેદવારો માટે 3 જગ્યા અનામત હતી. આ 3 જગ્યા માટે ઘણા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી પોતાના જીવનમાં એક નવું સપનું જોયું હતું પણ પરિણામ જાહેર થયું ત્યારે ખબર પડી કે આ પરિણામમાં પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોનું તો પરિણામ પણ નથી આપવામાં આવ્યું.
2 પંચાયત બોર્ડ દ્વારા જે પરીક્ષા યોજાવાની હતી એ પરીક્ષામાંતો ભરતી બોર્ડ દ્વારા હદ વટાવી દેવામાં આવી. કેન્દ્રની ગાઈડલાઈનનો ફરમો છે એવી ખોટી ભ્રામકતા દાખવી સેંકડો વિકલાંગ ઉમેદવારોને હેરાન પરેશાન કરી નાખ્યા. ખરેખર એનેક્ચર 1 રજૂ કરવાનું તત્કાળ લહિયાની મદદ લેવા માગતા હોય અને તેની પાસે મેડિકલ સર્ટિફિકેટ ન હોય એવા ઉમેદવાર માટે હતું.
3 ગુજરાતના વિકલાંગ કમિશનર તો ફક્ત નિમાયેલું પદ છે. કાર્ય કરવામાં કે યોગ્ય નિર્ણય કરવામાં આ કમિશનરની કોઈ ભૂમિકા છે જ નહીં. જ્યારે ને ત્યારે જો કોર્ટનો જ સહારો લેવાનો થતો હોય તો આ કમિશનરનું કામ છે જ શુ? જો કામ કરે જ છે એવું હોય તો કેમ કોઈ જગ્યાએ વિકલાંગ કમિશનરની ભૂમિકા જોવા મળતી જ નથી?
મિનિટમાં ચામડી દાઝી જાય એવી ગરમી માટે તૈયાર થઈ જાઓ ગુજરાતીઓ, ફેબ્રુઆરીના અંતમાં ભયંકર ગરમીની આગાહી
એક વાત ચોક્કસ છે કે, ગુજરાત રાજ્યના વિકલાંગ વ્યક્તિઓ પોતાના હક માટે જાગૃત નહિ થાય તો એની બધી જ તક છીનવાઈ જશે એમાં કોઈ બે મત છે જ નહીં. હવે જાતે જ જાતને જાગૃત કરવા સિવાય કોઈ બીજો વિકલ્પ બચ્યો જ નથી.
કોઈ સંસ્થા સાથ આપે કે ન આપે પણ વિકલાંગ ધારા મુજબની દરેક લડાઈ ખુદે જ લડવી પડે તેમ છે. કામ થોડું મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી. અન્યાય સામે ન્યાય માંગવા ઉતરશું તો જ હકીકત હાથ લાગશે.
સંવેદનશીલ સરકારને કહેવું પડશે: હકનું છે એ તો આપો.
-મનહર વાળા “રસનિધિ.” ભાવનગર.