કઠણ થઈને જગત સામે ઉભું રહેવાનું.
મારા જીવનનું જો કોઈ પ્રેરક અને પ્રેરણાદાયી પાત્ર હોય તો તે છે મારા મા, બાપ. જ્યારે, જ્યારે હતાશ થાવ, જગતમાં જીવવા માટે કોઈ રસ્તો જ ન મળે ત્યારે હું બન્ને આંખ બંધ કરી મારા મા બાપનો સંઘર્ષ યાદ કરું ને મને જીવતા રહેવાનું બળ મળી જાય. મા બાપનો જે સંઘર્ષ અને સહનશીલતા છે એ મારામાં કદાચ ક્યારેય આવે તેમ નથી પણ એની જિંદગી સાથેની લડત તો અવશ્ય મને જીવતો રાખે છે.
ઝૂંપડું હોય કે સરસ મજાના આધુનિક ઘરનો આશરો, મા બાપે સતત સંઘર્ષને ઝીલ્યો અને જીરવ્યો છે. ઘરમાં ટકનુ લાવી ટકનુ ખાવાના પણ વાંધા હોય ને ઉપરથી સનતાનમાં બધા જ છોકરા આંખની ખામી સાથે જન્મે એ કુદરતની સહેલી પરીક્ષા ન કહેવાય. આમ છતાં મા બાપે ક્યારેય હિંમત નથી હારી. ઘરમાં એક નોર્મલ દીકરો હોય તો સારું એમ વિચારી ચાલતા હોય ને 9 બાળકો જન્મે. એમાં પણ ત્રણ છોકરાઓ અંધ અને એક દીકરી પણ અંધ. કેટલું વસમું લાગે? આમ છતાંય મા બાપને મેં ક્યારેય હારેલા થાકેલા નથી જોયા.
લગ્ન થયા પછી આર્થિક અને સામાજિક મુશ્કેલીઓ ખૂબ ભારે હતી. રહેવા માટે ઘર કહી શકાય એવું ઘર તો હતું જ નહીં. ઝૂંપડામાં રહેવાનું. બાપ મજૂરી કરે. એ વખતમાં તેલ, મરચું અને લોટ લેવાની પણ ફર નહોતી. આવે વખતે એક અંધ દીકરા સ્વરૂપે મારો જન્મ થયેલો. અંતરિયાળ ગામ એટલે જાગૃતિના નામે કશું જ નહોતું. મા બાપ અભણ એટલે શું કરવું એની કોઈ દિશા જ નહોતી. આ પરિસ્થિતિમાં પણ મને અમદાવાદ લઈ જવામાં આવ્યો. બાના ઘરેણાં અને એક ભેંસ વેચી મારી સારવાર કરેલી. આનાથી વધુ સંપત્તિ હતી નહિ એટલે જોઈતી સારવાર મળી નહિ. હું અંધ દીકરા સ્વરૂપે જ રહ્યો. મારા પછી જે ભાઈનો જન્મ થયો તે પણ મારા જેમ જ અંધ જન્મ્યો. ત્યાર પછી દિકરીઓનો જ જન્મ થતો રહ્યો. અમારા નવ ભાઈ બહેનમાં અમે ત્રણ ભાઈ અને એક બહેન અંધ જન્મ્યા. આટલા બાળકો અન્ધત્વની ખામી ધરાવતા હોય એ મા બાપ આત્મ હત્યા ન કરે એ જ નવાઈની વાત માનું છું. અરે જરાક દુઃખ આવે તોય સહી નથી શકાતું તો આ કેમ ખમી શકાય? આવી ભયાવહ પરિસ્થિતિ સામે પણ મારા મા બાપ સતત લડ્યા જ કર્યા ને હજીયે લડે છે.
જેને ભણવાની જરા પણ ખબર ન હોય ને એના બધા જ અંધ સંતાન ખૂબ સારું શિક્ષણ મેળવે એ કંઈ નાની વાત નથી. 2005 મા ટીટોડીયાના સવજીભાઈ બાપુજીને મળે અને બાપુજી એના કહેવાથી મને ભણવા મૂકી દે એ એક અભણ બાપનો નિર્ણય ભનેલને પણ ચકમાવી દે તેવો જ ગણાય. એ વખતમાં મારા ગામના નોર્મલ પણ ભણવા જતા નહિ ને હું છેક ભાવનગર ભણવા જતો રહ્યો હતો. હું જ્યારે ભણવા ગયો ત્યારે બાપ સામે ઘણા પડકાર હતા. પ્રથમ ભાવનગર જવું કેમ? આ પ્રશ્નનો ઉકેલ પૂજ્ય સવજીભાઈ ગોહિલે કરી આપેલો. આજેય બાપુજી કહે કે: સવજીભાઈના સારા પ્રતાપ કે તમે આટલું સારું ભણી શકો છો. એક ટીટોડીયાનો માણસ હિંમત ઘણી આપી ગયેલો પણ આસપાસનું સામાજિક વાતાવરણ બહુ બિહામણું હતું. જગતની ફિલસૂફીએ મનહર અંધ હતો એટલે એનો બાપ આશ્રમમાં મૂકી આવ્યો હતો. આ આંધળાને પારકા સાચવશે પણ ઇ થોડો કાંઈ ત્યાં રહેશે. આવું તો ઘણું હતું કે જે અમારા ઘરને હતાશ કરતું હતું પણ બાપ નહોતો ડગ્યો. જગતના ઝેર જીરવવા એ સક્ષમ રહ્યો.
મજૂરી કરતા, કરતા મને ભણાવવો સહેલો નહોતો. હું જ્યારે ભાવનગરની અંધ ઉદ્યોગ શાળામાં ભણવા ગયો હતો ત્યારે પહેરવા માટે ચડ્ડી અને ટીશર્ટ ત્યાંના ગૃહ માતા મીનાક્ષીબહેન ભટે આપ્યા હતા. કદાચ કોઈને આ ખોટું લાગશે પણ વેફર, ચોકલેટ અને બિસ્કિટ જ્યારે સ્કૂલમાં મને મળતા ત્યારે હું આશ્ચર્યથી એને જોયા કરતો કારણ સુખડી સિવાય બીજા કશાનો મને પરિચય હતો જ નહીં. ક્રીમ વાળા બિસ્કિટ તો હું સાચવીને ઘરે લઈ જતો અને નાના ભાઈ બહેનને કહેતો આવું નવીન નવીન ત્યાં મને આપે. મારી મા મને હજી કહે કે: તું ભણવા ગયો ત્યારે તારા બાપ પાસે ભાવનગરથી તળાજા આવવાના જ ઘણી વખત રૂપિયા બચતા. ત્યાંથી 45 કિલોમીટર ચાલીને એકાદ બે વખત ઘેર પહોંચેલા. ફોન તો હતો જ નહીં. હું રાતની રાહ જોઇને આખી રાત આંટા માર્યા કરતી.
ઘરમાં કમાનાર એક બાપ જ એટલે આર્થિક સંઘર્ષ બહુ થયેલો. ઉપરથી સામાજિક અગવડતાઓ, બધું સગેવગે કરવું બહુ ભારે હતું. આ પરિસ્થિતિ વચ્ચે બાપે મહેનત ન મૂકી. બાપની જમીનનો ભાગ આવ્યા પછી એમાં મહેનત શરૂ કરી ને સ્થિતિમાં સુધારો શરૂ થયો. આમ છતાં મહેનત તો એને એકલે હાથે જ કરવાની રહી. આ એકલા હાથની મહેનત વચ્ચે પણ એવી પરિસ્થિતિઓ આવી કે જે અસહ્ય હતી. મને કહેતા ગર્વ થાય છે કે બાપે ખુદના સગાંનો માર સહન કર્યો પણ આ મારો સગો છે એ ક્યારેય એને ભુલાયું નથી. મા પણ બાપને એટલી જ મદદ કરે અને એની હિંમત બની રહે.
હું નાનો હતો ત્યારે બાજુના ઘરે ટીવી, ફ્રીઝ, ને નાળર્યરનો બગીચો જોવા જતો ત્યારે ત્યાં કોઈકને કોઈકના માર ખાઈને આવતો. હું રડતો રડતો માના ખોળામાં બેસી કહેતો: બા આપડેય આવું બધું કરીશું. ત્યારે બા માથે હાથ ફેરવી કહેતા હા બટા બધુંય તને કરી દેહુ. હોને? ગર્વ છે આજે હું મારા ખુદના નાળિયેરીના બગીચામાં ફરીને ફ્રીઝનું ટાઢું પાણી પિતા પિતા આરામથી 42 ઇંચની સ્ક્રીન સામે બેસી જાવ છું.