પુત્રએ પિતાની હત્યા કરી. સગા બાપે દીકરીને ગર્ભવતી બનાવી. પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી. પ્રેમીએ પ્રેમિકાને બ્લેકમેલ કરી. બાળકી પર પંચાવન વર્ષના પુરુષે બુરી હરકત કરી.
આ બધું જોવું અને સાંભળવું અત્યંત દુઃખદ અને હૃદયમાં હડકમ મચાવી દે તેવું છે પણ વીતતા સમયના ચક્ર સાથે આ બધું સાવ સહજ બનતું નજરે પડી રહ્યું છે. એક સમયે કોઈ એકના દુઃખથી ભાંગીને ભુક્કો થઈ જતું ગામ આજે સાવ સહજ રીતે હસી લેવામાં બહુ પાવરધુ થતું જાય છે. લાગણી ને પ્રેમ તો ફાટી જ ગયા એવું જ સમજો. કોઈ કોઈનું રહ્યું જ નથી. વેષ્ટન કલ્ચર સાથે ઉભરતી માનવ વસ્તીમાં ઉઘાડેછોગ આલિંઘન આપી કિસ કરવાની આઝાદી ફૂટી છે એટલી જ કેર કરવાની વૃત્તિ ઘટી છે. એજ્યુકેશન વગર જીવન જૂનું ભલે હતું પણ જીવતર કોઈનું બૂરું નહોતું. ફોફ્લાઈવેડા ને દોગલાય વૃત્તિ ક્યાંય નહોતી.
પહેલા મકાન કાચા હતા પણ માણસ પાકા હતા, ભણતર નહોતું પણ ગણતર ગજબનું હતું. ટેક્નોલોજીનો વ્યાપ્ત થોડો હતો પણ સ્વભાવ મોળો નહોતો. રૂપિયા ભલે ઓછા હતા પણ માણસાઈ ભરચક હતી. ધૂળમાં રમતા પણ અંદર ડાઘ નહોતા. રસ્તે રોદા હતા પણ માણસો બોદા નહોતા.
આજકાલ ફાટીને ધુમાડે ગયેલી માનવ વસ્તી એ વસ્તી નથી. કોંક્રેટના હાયફાય ગોડાઉનમાં ભરેલી સડતર જાત છે. અણુ અને પરમાણુ કરતા પણ ખતરનાથ વિનાશ નોતરવાની તરકીબ શીખતી આ જાત ફૂટે છે પણ એનો અવાજ કોઈને સંભળાતો નથી. વિચિત્ર વાત એ પણ છે કે, કહટાયા કરતી જો કોઈ જાત હોય તો પણ આની આ જ જાત છે. ખરેખર ક્યાં શુ છે? એનો ખ્યાલ કોઈને ક્યારેય આવતો જ નથી. ઈન્ટરનેટ અંતરનેટને ઉંદર જેમ કાપી જાય છે ત્યારે જ બનાવની કડીઓ સ્વતંત્ર રૂપ ધારણ કરી લે છે.
હે મહા માનવ તરીકે ઓળખાવતી માણસ જાત ક્યાંયથી તને માણસ બનવાની રેસિપી નહિ મળે. આ તારે તારી જાતમાંથી જ ગોતવું પડશે. આ અવાજ ખુદમાં જાગવો જરૂરી છે. ખરો ઇન્સાન આમાં જ પડ્યો છે. જાત સુધારવાની શાળા ન હોય. એ આપ મેળે જ સુધારવી પડે. ઇન્જેક્શન મારીને જ બાળકો પેદા કરવાની વૃત્તિ આવતી જાય એમાં ટેક્નોલોજીનો કોઈ વાંક છે જ નહીં. જરૂરિયાત અને મજબૂરી વચ્ચેનો ભેદ પરખવો મહત્વનો છે.