જ્યારે ભગવાન પોતાનાં પેટાળમાં રહેલી સુંદર માટીને ઉંડેથી ખોદતાં હતાં, ત્યારે એ તીક્ષ્ણ ઘા મારા પર લાગ્યાં અને પછી….

Lok Patrika
By Lok Patrika
Share this Article

સૃષ્ટિનું સર્જન કરતા ભગવાનને વિચાર આવ્યો કે મારે એક એવાં પાત્રનું સર્જન કરવું છે,જેને જોઇને સારી સૃષ્ટિ દંગ રહી જાય.જેનું ફુલ જેવું કોમળ બદન હોય, ઓસ મહીં વહાલ વરસતું હોય,ફુલોથી પણ મીઠી સોડમ ફેલાવી બધાનાં જીવન મહેંકાવતુ હોય, મેરુથી પણ અડગ વિચાર હોય, વૃક્ષની જેમ ખુદ તપીને છાંયડો પાથરતુ હોય,કલબલ પારેવાની જેમ ફરફર અને તેજસ્વી બુધ્ધી ચાતુર્ય આવી બધી જ ખુબીઓ ધરાવતું હોય.

આ બધી ખુબીઓને ધ્યાનમાં રાખીને ભગવાન બ્રહ્મા એ  મારૂં સર્જન ઝીણવટ પૂર્વક શરૂ કર્યું.સૃષ્ટિનું સર્જન કરતી વખતે બધીજ જીવસૃષ્ટિની રચના એક જ દિવસમાં થય ગઇ.પરંતુ મારુ સર્જન  કરતા વધારે સમય‌‌ લાગ્યો હતો.પૃથ્વી પર જન્મ આપતા પહેલા, ભગવાન વારંવાર મારા વિશે વિચાર કરીને ચિંતામાં પડી જતાં હતા. આમ,થવાથી મારી રચના કરવામાં સાત દીવસથી પણ વધારે સમય નિકળી ગયો હતો.

ઘણું વિચાર્યા પછી ભગવાને મારું સર્જન કરવાનું શરૂ કર્યું. પૃથ્વી પર જન્મ આપતા પહેલા ભગવાને મારું ધડતર કરવાનુ નક્કી કર્યું. પૃથ્વી પર જે જે પડકારો સામે લડવાનું હતું,એ પડકારોને જવાબ આપવા મને તૈયાર કરવા લાગ્યા. મારી નબળાઇ ને ક્ષમતામાં બદલવા એ કામે લાગી ગયા.  સર્જન પહેલાંજ મને પાઠ ભણાવતા થયા.

જ્યારે ભગવાન પોતાનાં પેટાળમાં રહેલી સુંદર માટીને ઉંડેથી ખોદતાં હતાં,ત્યારે એ તીક્ષ્ણ ઘા મારા પર લાગ્યાં.આ અસહ્ય ઘાવ મને સહન ન થતાં હું વિચારવા લાગી કે,

“ભગવાન આટલો ક્રૂર કેમ છે!”

” થઈ હું બેબાકળી કિસ્મત રમે રમત આજે ”

પૃથ્વી પર જ્યારે ખરાબ સમય અને ક્રૂર માણસોનાં માર પડયા,ત્યારે હીંમત ન હારીને એ સમયને પાર કરી ગઇ. મારા પર આમ થતાં મને સમજાય ગયું,ભગવાને કરેલું મારું ઘડતર.

હું ક્યારેય હારજીતમાં ન અટવાઇ,જિંદગીનાં પગથીયા આગળને આગળ ચડતી ગઇ.હરવખત હારતી ગઈ ને મારી હિંમતથી ઘણું બધું શીખતી રહી.ચાર દિવાલો વચ્ચે પીછાતી હતી છતાં,મારેલાં વારોની હું પોતે જ મલમ બનતી ગઇ.મરણ્યા પ્રયાસોને જીવન આપીને હું હંમેશા જીવતી રહી.મારા પર આટલા વાર થતાં લોકોએ સમજ્યું કે હું જિંદગી હારી ગઇ છું.પરંતુ હું હારી હારીને પણ એક તાકત બનતી રહી હતી.

મારું સર્જન વખતે ભગવાનને શું શું ધ્યાનમાં રાખ્યું હતું એ હું વિચારવા લાગી.ભગવાન પેટાળમાંથી ખોદેલી આ માટીને એકઠી કરી,ખૂંદવા લાગ્યા.હું વારંવાર પીછાણી,
વારંવાર ખૂંદીને એ વલોવતા રહ્યા.આમ,પ્રભુ દ્વારા આ માટી સોંદર્યવાન બની જતા.એ માટીનાં સોંદર્યને નિહાળી પ્રભુ પોતે વિચાર કરવા લાગ્યા.

” સ્ત્રી તણું જીવન અઘરું ”

સર્જન કરતા પહેલાં ભગવાન એ સોંદર્યવાન માટીને સંસાર રૂપી આગનાં નિભાડામાં ચડાવે છે.એ વખતે મને બહુ દાહ લાગ્યો.હું તડપતી હતી ને વિચારતી હતી,અને મનમાં બોલતી હતી કે,

“હેં પ્રભુ આમ તપાવી મને શાને તું ઘડે છે?

પ્રભુ તારી હું આ કેવી રચના છું ?

મારા પર તું કેટલા પ્રયોગો કરે છે?”

એમ વિચારતા ફરી હું શાંત થઈ જતી હતી.

જ્યારે જ્યારે સમાજનાં લોકો એ રમત રમી ત્યારે ત્યારે હું એ રમતની ગમત બની.ભગવાન પાસે જ ઘડાયેલ હતી,એટલે હું એ આગમાં ન જલી…! ભગવાન મને આ સંસારમાં રાખતાં પહેલાં આમ અનેક પાઠ ભણાવી મને મજબૂત બનાવી રહ્યા હતાં.

” સરોવર એમ જ નથી ભરાતું
જ્યારે  વરસાદી  બૂંદો એક
સાથે બીજી એમ જોડાઇ છે ”

ભગવાન મને વિશાળસ્વરૂપા બનાવવા ધડતર કરી ચણતર કરતા ગયા.એ માટીના ગોળાને આકાર આપવા હથોડી વડે ટાંકણાથી સખત પ્રહાર કર્યા.અડીખમ પથ્થરને પણ કોઇ આકાર આપવામાં અટલા ઘા સહન ન કરવા પડે,એટલાં ઘા આ માટીનાં ગોળાને આકાર આપવામાં લાગ્યા.

મેં પૂછ્યું, “ભગવાન આટલા નિર્દયી કેમ છો !”

ભગવાને કહ્યું ; બધી પરિસ્થિતિમાં લડી શકે એવી તાકત બનાવવા અથાગ પ્રયત્નોથી તારું ધડતર કરું છું.

અનિવાર્ય યુદ્ધો લડતી જા,
અંધકારમાં તું પ્રકાશતી જા.

ખરાબ સમયને ભરખતી જા,
તોફાની પવનોનાં પગથિયાં ચણતી જા.

મધદરિયે ઝઝુમતા પ્રયાસોને
બની સૂકાની પાર ઉતારતી જા.

કોઈના ન હોવાથી કદી તું ન તૂટે,
ખુદને એવી અડગ તાકાત બનાવતી જા.

આટલી કોમળ કાયા નાજુક નમણી રચના સંસારનાં બધા પડકારો સામે અડીખમ બની જીવી શકે.એ માટે મને અતૂટ ધેર્ય,આત્મવિશ્વાસથી પરીપૂર્ણ અને શક્તિશાળી બનાવવા ભગવાન ફરી કામે લાગી જાય છે.અને હું મનમાં મારી કાયાને વિચારું છું.

“ફૂલ જેવું મારું બદન રચવા બેઠા શ્રી હરિ,
મારી નબળાઇ ને ક્ષમતામાં બદલવા બેઠા શ્રી હરિ!”

આખરે,ખરાબ સમયને હું ભરખતી જાઉં,તોફાની પવનોનાં પગથિયાં બનાવી ચડતી જાઉં.ખુદને એક અડગ તાકત બનાવી જીવી જાઉં.એવી શક્તિ સ્વરૂપા બનાવી પોતાના પ્રયાસો એણે પૂર્ણ કર્યા.

મારી રચના પુરી થવા આવીને મારામાં હજી જીવ પુરવાનો બાકી હતો,ત્યારે ભગવાને આ માનવ માટીની પૂતળીની આંખમાંથી પાણી વહેતું જોયું.એ જોઈને ભગવાન મારા વિશે વધુ ચિંતામાં વિચારતા થયા.પછી તેણે સમજાયું કે, આ મારી રચના એકદમ નાજુક છે,તેથી આંખ બધી પરિસ્થિતિમાં વહેતી રહેશે.આ રચનાને સમજવા માટે જગતમાં જે કોઈ તેની આંખોને સમજશે.એ જ એને સાચી રીતે ઓળખી શકશે.

મારી નબળાઈને ક્ષમતામાં બદલવા એ કામે લાગી ગયા.મને વારંવાર ધૈર્યવાન અને અત્તુટ,બનાવવા માટે કસોટીઓ કરી મજબૂત બનાવી.આમ,ઝીણવટથી કરેલા મારા સર્જન પછી એક અદ્ભુત રચના બની એનું નામ “સ્ત્રી” આપ્યું.

મારામાં જીવ પુરાય જતાં આંખનાં આંસુને લઇને મેં ભગવાનને સવાલ કર્યો,

“હે પ્રભુ તે મને સહનશીલતાની મૂરત બનાવી,
એવું ખાસ શું છે કે,મારા સર્જનમાં આટલો સમય લાગ્યો.”

જવાબ આપતા ભગવાનને એક મને પહેલી કહીં;

“જ્યાં મેં કશું વાવ્યું નથી,ત્યાં તું ધારે તો ઘણું ઉગાડી શકે એમ છો.”

મતલબ કે,મને તારી શક્તિ પર વિશ્વાસ છે. તું ધારે તો સમાજનાં પડકારો જીલીને પ્રગતિનાં પગથિયાં બની શકે. તું ધારે તો તારી આ પિછાતી જિંદગીમાં ઉંચી ઉડાન મળે.તું ધારે તો રાક્ષસી જીવોને પાઠ ભણાવી સારો જીવ પણ બનાવી શકે.

આગળ ભગવન કહે છે કે,

“સંસાર તને વારંવાર ચુપ કરવા ઈચ્છે ત્યારે તું કોઇથી ડરી કદી ચૂપ ન થય જતી.સાચી દિશામાં બઘાંનું ધ્યાન દોરવું એ તારું પરમ‌ કર્તવ્ય છે.તારા શબ્દને જે યાદ રાખી લેશે એ તરી જશે.સંસારના બધા સંબંધો તારા કોઇને કોઇ સ્વરૂપ પર આશ્રિત હશે.બધા સંબંધોને તું પૂર્ણરીતે સમજીશ.પરીવારનાં જુદાં જુદાં સભ્યોનાં વિચારોને એક કરી એકજ માળામાં પરોવી રાખતી તું આ સંસારની પ્રણાલિકા છો.કોને મારવું,તારવુ એ બધું તારા હાથમાં છે.તારાં સ્નેહની વાદળી જેના પર વરસે એનો તો બેડોપાર છે.તને જે સમજે એનો ઉધ્ધાર થશે.આ સૃષ્ટિ તારાં વગર કલ્પી પણ ન શકાય…!”

” આખી જિંદગી બધાનાં દર્દો મટાવે
પોતાનાં દર્દોની ભણક‌ પણ ન કરાવે ”

ભગવાને મને એવું પાત્ર બનાવ્યું કે જે બીજાની પસંદગી ને વધારે મહત્વ આપે, પોતાના વિશે વિચારવાનું મનમાં પણ ન આવે ! બીજાની પસંદગી પ્રમાણે પોતાનું જીવન જીવે.
આટલી મહાન હોવા છતાં પણ હું મહાન છું એવી મને ખબરજ નથીં. થોડીક ખુશીની પળો મળે તો હું એને સમેટીને  પુરી જિંદગી જીવી લવ.” સંતોષ મારું સર્વસ્વ ! ”

“બિંદુ મહીં હું જીવું જીવન તૃપ્તિ થાય મને સરોવર.”

પૃથ્વી પર જન્મ લીધા બાદ આ સંસારમાં બધુ નિરીક્ષણ કરી.હું ફરી ભગવાન પાસે આવી પહોંચી.મને જોય ભગવાન સમજી ગયા કે,હું એને શું પૂછવા આવી છું. મારા સવાલનો જવાબ આપતા ભગવાન શ્રીહરીએ કહ્યું;

“તું ધારે તો,આજ ફરી ઉગી શકે.
આઝાદ મને તું વિહરી શકે.”

સુખ દુઃખ કેરી ધાર વહે,તું હિમ્મતે મર્દા બનતી જા,
સત્ય હકીકત સમજાવવા આગ સાથે પ્રકાશતી જા.

અધીકાર માટે તું આજ ફરી એક પ્રતિસાદ કરતી જા,
અનિવાર્ય યુદ્ધો લડતી જા,પોતાનાં હક્કો માંગતી જા.

ખરાબ સમયને ભરખતી જા!પડકારો ઝીલી,
તોફાની પવનોનાં પગથિયાં બનાવતી‌ જા.

કોઈનાં ન હોવાથી મૂરઝાઇ તું કદી ન જા,
નિર્ભય બની કળીઓને ખીલવતી જા.

મધદરિયે ઝઝુમતા પ્રયાસોને બની,
સૂકાની પાર ‌ઉતારતી જા.

પોતાના જીવનને અનંત,સુઘડ,
અમૂલ્ય‌  ભેટ આપવા,

ફરી પ્રયત્નો કરી તું આજ
બનાવી જીવતી જા.

પ્રભુની વાતોથી એક વસ્તુ મને સમજાય રહી કે,મારું અસ્તિત્વ અંનતકાળ સુધી સુંદર અને નિડર બનાવવા મારે પોતાને જ પ્રયત્નો કરી સંસારમાં ઉદભવતા બધાં પ્રશ્નોનાં જવાબ બનવું પડશે.

થોડીવારમાં મહાદેવ પ્રગટ થયા ને બોલ્યા;

“તારા દર્દોથી હું અનજાન ક્યાં છું પુત્રી!તારે એવી બુધ્ધિ કુશળતા પૂર્વક કામ કરવાનું છે કે,તને દુઃખી કરનારનું માથું ઝુકી જાય.એ નરાધમોનું માથું કાપ્યા બરાબર હશે.તું હવે પૃથ્વી પર જા!તારી ત્યાં જરૂર છે.જે કામ મેં અધુરા મુક્યાં છે,એ તું પુરા કરી શકે એમ છો.ભગવાન બ્રહ્મા એ તારું સર્જન કરતી વખત તને બધા દુઃખો સામે લડવા સક્ષમ બનાવી હતી.તું બસ ખુદને ઓળખી લે.અંદર ઉદભવતા તોફાનોને બહાર આવવા દે.તું અંદરને અંદર ગુંગળાઈ ન જા.તને તપાવી એટલે જ હતી કે તું બની જા.બતાવી દે સંસારને કે તું જગદંબા છે.લાગણી તું એ જગ્યાએ પાથર
જ્યાં ખરેખર તારી લાગણી ને સમજવા વાળું હોય.નાહક તું આમ ન ઢોળાય જા!

હું જાણું છું કે તારી આ રચનામાં કરુણા છે,વેદના છે, અતૃપ્ત ભાવથી તુ જીવે છે.મેરુ ભલે ડગી જાય પર તારુ મન વાસ્તવિકતાનો સ્વીકાર કરતું હંમેશા અડગ જ રહે છે.સંતાનોને નિતિવિષયક શીક્ષણ અને સારા સંસ્કાર આપવા તું રાત દી’ એક કરે છે.સંતાનોના ભવિષ્ય ઉજ્જવળ કરતી તું તારા અરમાનો અને આશાઓની બલી ચડાવે છે.તું શ્રેષ્ઠ રચના છો.જે આવક જાવકમાં સમતોલન કરી પુરા પરીવારનેં સંભાળી વેતન પુરૂ પાડે છે.

પરીવારના બધા સભ્યોનું મનોબળ ઊંચું કરતી સંજીવની છો.કોઈ વસ્તુનાં અભાવ ગ્રસ્ત પરીવારનાં સભ્યો વચ્ચે વાતનું વતેસરનાં થાય એટલે તું હરવખત બધું પોતા પરજ  ભાર ઠલવી લે છો.સંસારનાં લોકોને સંસારી રાખતી તું એક‌માત્ર ચાવી છો.તારા થી જ આ આખા વિશ્વનું ચક્ર ચાલે છે.વિશ્વાસુ જળમાં કિનારા સમી નદી તું,અનેક તુફાનને પાર ઉતારતી કસ્તી તું.ચાંદ સૂરજની ભ્રાંતિ ગાઠ છો આતમની,ખાલી છાબડીમાં તારલા ભરતી શક્તિ તું.

તું  આજ  છો !  સૂર્યથી  તેજ   પ્રકાશ  છો,
જગતને સદા ચલાવતુ એકમાત્ર વરદાન છો.

અનિશ્ચિતતાની  વચ્ચે  ઉત્કર્ષ   પ્રયાસ  છો,
ઉડાન  ભરવા  અતૂટ,  અવિરત    દોર  છો.

સિદ્ધિદાત્રિ તું !  ભગવાનની  સુંદર  રચના છો,
આજને  બનાવવા  તું  જાતે  રસ્તા  ખેડ   છો.

નિર્ભય બની કળીઓને ખિલવતી કાત્યાયની છો,
કોઇના ન હોવાથી મૂરઝાઇ ન જતો પ્રતિસાદ છો.

શુભંકરી  તું !   પવિત્રતાની   અખંડ,  મૂરત   છો,
બની સુકાની પોતાનાં આંસુ મોતી કરી બતાવ છો.

જન્મદાત્રી તું!લાગણીનો સદા વરસતો વરસાદ છો,
હાર્યા વગર  પ્રેમનાં મોતીને પરોવતી પ્રણાલિકા છો.

અનેકરૂપા તું ! સૌના જીવનને અમૂલ્ય બનાવવા
ભગવાને  સૃષ્ટિ પર મોકલેલો મીઠો સ્વાદ છો.

જગદંબા તું ! ‌ શક્તિરૂપા માત અમારી તું ભવાની
હર એક વિકારને હરાવનારી તુજ આદ્યાશક્તિ છો.

જાણું છું,સૃષ્ટિ પરનાં ઘણાં વિચારો,રિત,રિવાજો બદલીને ચાલવું તને અશક્ય લાગશે.પરંતુ પુત્રી,આ યુગમાં વિનમ્રતાથી નમ્રતાને ઓળખનાર વ્યક્તિ મળવું બહું મુશ્કેલ છે.લોકો સમક્ષ તારું મૂલ્ય તારે જ સમજાવવું પડશે‌. કોઈની આશા રાખી બેસી રહીશ કે એક દી’ મારી કિંમત થશે.એવો એક દી’કદાચ ક્યારેય નહીં આવે‌.એ કરતાં આજથી જ ખુદને રાખતા શીખી જા.”

મહાદેવે કરેલી ઉંડાણ પૂર્વકની વાતો મારા મનમાં પ્રવેશી ગઈ.પ્રયત્નો કરવા છતાં હું હારીશ,એને હું હાર કંઇ રીતે કહી શકું.એમ વિચારતા હું પૃથ્વી પર આવી પહોંચી. ભગવાને આપેલી શીખ પ્રમાણે આ સૃષ્ટિમાં ફરી આવીને ઉડાન ભરવા પ્રયત્નો કરવા લાગી. પહેલાં તો જે લોકો મને બેડીઓ બાંધીને ચાર‌‌ દિવાલો વચ્ચે પિસ્તાં હતાં,ફરી એ લોકો સામે પ્રતિસાદ કર્યો.આંખના આંસુને ખંખેરીને મેં આ બેડીઓનાં બંધનોમાંથી મુક્ત કેમ થવું એ શોધી લીધું. અનિવાર્ય યુધ્ધો લડીને,સાચુ શું ખોટું શું એ વાતો થોડી થોડી રાખતી ગઇ.અન્યાયો સામે લડતી ગઇ.આખરે ધણું બધું સહન કર્યા પછી હું પ્રેમ,લાગણીથી બધું સમજાવી  પેઢીઓનેં તારીને પ્રેરણા બનતી ગઇ.એક સમય આવ્યો હવે મારી સહન શક્તિની કસોટીઓ પુરી થઇ.આખરે આજે હું એક તાકત બનીને,ઉડાન ભરું છું એક નવા આકાશમાં…!

માણસોની સાચી પરખ થતી જાય તેમ હું ખુદને મજબુત બનાવતી જાઉં છું.આમ,મને મારા જીવનમાંથી જ પ્રેરણા સબક મળતો જાય છે.ઝંઝાવાતોથી થાકી,જિંદગીમાં ઘણું હવે હારી.ડરી ડરીને જીવી,લોકોની ટિપ્પણીઓનાં ઘોંઘાટોથી થાકી.પલટીને ન કદી વાર કર્યા,પોતાના માટે ન જીવી.આવશે સવાલ જ્યારે અસ્તિત્વનો,અસ્ત થશે ફરી ઉદય.અનિશ્ચિતતા હોવા છતાં,અભય બનીને પોતાના અસ્તિત્વને અણમોલ, અનંત,સુઘડ બનાવતી તાકત સાથે હંમેશાં મળતી રહીશ.જિંદગીમાં ક્યારેય પણ મારુ સ્વાભિમાન હણાશે તો મારા અસ્તિત્વના સ્વમાન માટે આખી દુનિયા સામે હું લડતી મળીશ.જ્યારે સમયનાં ઘા વાગશે! જિંદગી ક્યાંક ખોવાઈ જશે,ત્યારે પોતાના અસ્તિત્વને ફરી સ્વમાન સાથે મેળવવા‌ અનેક અનિવાર્ય યુદ્ધોમાં હું લડતી મળીશ.

આમ,ભગવાને સૃષ્ટિનું સર્જન કરતા પહેલાં મારું ઘડતર કર્યું.સંસારનાં લોકોની ટીપ્પણીઓ,પ્રપંચો,ખટપટાટ, આવેશો,દૂવિચારો આ બધી બાબતોની સામે હું પોતાને કંઇ રીતે અડગ બનાવીને ઉડાન ભરી આઝાદ મને ઉડી શકું અને જીવી શકું,એ માટે મારી નાનામાં નાની વાતને ઝીણવટથી વિચારીને મારું સ્ત્રીત્વ બનાવ્યું.ભગવાને કરેલું મારું ઘડતર અને મારી સુઝબુઝથી આજે હું ઉંચી ઉડાન ભરુ છું.

મંજીલ સુધી પહોંચવા પહાડો સામે પણ ટકરાતી,
દુઃખોનાં દરીયા આવે અનેક,અડગ રહું ન ડરતી.
લોકોની ટીપ્પણીઓથી ન કદી ખુદને હારતી,
અથાગ પ્રયત્નો કરી મંજીલે પગ મુકતી.

– કૃષ્ણપ્રિયા


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly