અમે એક સાથે ઝબકી આભને ધરા પર પાથરતા હતાં,
દિપ સાથે દિપ પ્રગટાવી ખુશીનાં દિવા ઝગમગતા હતાં.
ક્યાં ગઈ એ દિવાળી જ્યાં ગ્રીટિંગ કાર્ડ સાથે એકબીજાને શુભેચ્છા પાઠવવામાં આવતી.તમને યાદ છે?સુંદર રંગબેરંગી ફૂલોવાળા કાર્ડથી અતરનાં છંટકાવ સાથે આપણને શુભેચ્છાઓ આવતાં આપણું મન કેટલું આનંદિત થઇ જતું હતું.કેવી સરસ એની ડીઝાઇન,અને વિદેશમાં રહેતા સગાંવહાલાં દ્વારા પણ ત્યાંના જોવાલાયક સ્થળોનાં એ અદ્ભુત ચિત્રોવાળા કાર્ડ આપણને મળતા એ આનંદ કેવો અનેરો મળતો હતો.અને એ મળેલા કાર્ડ આપણે સાચવીને રાખતાં હતાં.એ પ્રેમની પેટી ભરાતી જ જતી હતી.ખરેખર એ જે આનંદ અનેરો જ હતો.
સગાંવહાલાંને મોકલવાના દિવાળી કાર્ડ હું પોપટભાઈની દૂકાને ખરીદવા જતી અને એ ખરીદતા પણ મને મજા પડતી.મનગમતા ચિત્રો વાળું કાર્ડ ખરીદવું બહુ ગમતું.તાજમહેલ,ગુલાબનાં ફૂલોનો ગુલદસ્તો વગેરે જેવા જુદા જુદા દિવાળી કાર્ડ મળતા હતા. ૧૯૮૯માં મેને પ્યાર કિયા મૂવી આવેલું,ત્યારે એ વર્ષે કબૂતર વાળા કાર્ડ બહું વેચાયા.હજુ પણ યાદ છે બધાંને એ કબૂતર સંદેશો મોકલે એ રીતે જ એવાં કાર્ડ મોકલવાની જીદે બધી દુકાનોમાં બજાર ખાલી જોઈને અમે સહેલીઓ ગામડાની બપોરે તડકામાં પણ ખરીદી કરવા એકબીજા સાથે નિકળી જતા હતાં.અને મનગમતા કાર્ડ મેળવવા બધી દુકાનો ફફોરી નાંખતા હતાં.એ મનગમતા દિવાળી કાર્ડની કિંમત થોડી વધુ રહેતી.આમ છતાં,બીજાને ખુશી આપવા કેવાં ખર્ચાઈ જતાં હતાં.
દિવાળી કાર્ડમાં એક સાઈડ ચિત્ર અને બીજી સાઈડ અડધાં ભાગમાં શુભેચ્છાઓ,અને અડધાં ભાગમાં સરનામું અને ટીકીટ લગાવામાં આવતી હતી.સગાંવહાલાંના કાર્ડ એકસાથે હું લખવા બેસતી અને એમાં પણ લાલ શાહીથી લખીને દિવાળીની શુભેચ્છા પાઠવવામાં આવતી હતી.બધાં જ કાર્ડમાં એક સરખી હાર્દિક શુભેચ્છાઓ લખવામાં આવતી હતી.લાલ શાહી એટલે ખુશીનો સંદેશ.અને એક સરખું લખાણ મતલબ એક સરખો બધાને પ્રેમ!ના થોડો ઓછો કે,ના જાજો!આવા સુંદર વિચારો વાળો માણસ,જે આધુનિક સમયમાં ખોવાઈ ગયો છે.
જુદી જુદી જગ્યાએ રહેતા સગાંવહાલાંના સરનામા લખી અને લીધેલી જાજી ટિકિટોમાંથી એક પછી એક કાપીને દિવાળી કાર્ડમાં એક એક લગાવવામાં આવતી હતી.એ પણ એકદમ ચીપકાવીને!કેમ કે,એ ટીકીટ ઊખળી જાય તો જેની ઘરે કાર્ડ પહોંચતું એને ડંડ ભરવો પડતો.
કાર્ડ જેને પહોંચવાનું છે,એને ડંડ ભરવો ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવતું.અત્યારે આ આધુનિક જમાનામાં એનું ઉંધુ છે.કોઈને ધબો લાગે એ જ મજા આવે.જાજે ભાગે માણસોમાં કોકનું કેમ પચાવી પાડવું એવી જ વિચારસરણ થઈ ગઈ છે.
એ જમાનામાં તહેવારો આવે એ પહેલાં પણ એનો આનંદ અનન્ય રહેતો.અને સાથે સગાંવહાલાં તરફથી પણ ભાતભાતનાં કાર્ડ મળતા શુભેચ્છાઓ મળતી રહેતી હતી.અને અન્ય કારણોસર કોઈનું દિવાળી કાર્ડ ન પહોંચતું તો એનાં ખબર અંતર પૂછવામાં આવતાં હતાં.અને અત્યારે તહેવારોમાં ફોન ન આવ્યો કે,ઘરે ન આવ્યાં હોય કોઈ સગાંવહાલાં તો કે સારું થયું નડતા મટ્યા.આવું જ કાંઈક આધુનિક સમયમાં ચાલી રહ્યું છે.કોઈને કોઈનાં ખબર પૂછવા જરૂરી નથી લાગતાં.સગાંવહાલા તો ઠીક તહેવારોમાં પરિવાર પણ સાથે નથી દેખાતો.
અત્યારે આધુનિક સમયમાં તહેવાર એ એક ક્ષણનો વ્હોટ્સએપ આનંદ પછી બધું જ ડીલીટ…!આવી જ રીતે દિવાળી,હોળી કે નવું વરસ બધું જ રસ વગરનું થતું જાય છે.હવે બધાં તહેવારોમાં મહદઅંશે નિરસતા વ્યાપી છે.સાચો આનંદ ક્યાંક ખોવાઈ ગયો છે.ભાગ્યે જ લોકો એકબીજાને શુભેચ્છા પાઠવવા ઘરે જાય છે.નહીતો બારથી જ જય શ્રીકૃષ્ણ!પોતાના આલીશાન બંગલાઓમાં કોઈનો પ્રવેશ કોઈને ગમતો નથી.માણસ માણસાઈ ભુલી ગયો છે.સગવડને સુખ માની બેઠો છે.સાચો આનંદ એકબીજાને મળીને જે મળતો એ હવે નથી રહ્યો.હવે માત્ર માણસ માણસને મળવા ખાતર મળે છે.માત્ર દેખાડા માટે જ એ મળી રહ્યો છે.પોતાનો જ ડંકો વગાડતો માણસ,માણસાઈ ભૂલી ચૂક્યો છે.
– કૃષ્ણપ્રિયા